પુષ્પોની સૃષ્ટિમાં/નવલખી વાવ
| ← પુષ્પોની સૃષ્ટિમાં | પુષ્પોની સૃષ્ટિમાં નવલખી વાવ પ્રહલાદ બ્રહ્મભટ્ટ |
શક્તિસંભવ → |
વડોદરાના લક્ષ્મીવિલાસ રાજમહેલના બગીયાને એક છેડે આવેલા પ્રાચીન સ્થાપત્યના નમૂના સરખી નવલખી વાવના દર્શને આ નાટિકા સ્ફૂરી.
એ વાવમાં બે લેખ છે : એક ફારસીમાં અને બીજો નાનો સરખો બ્રાહ્મીમાં. ફારસી લેખમાં ગુજરાતના સૂબાએ નવાણોની દુરસ્તી કરાવવા સ્થાનિક અધિકારીઓ દ્વારા કરેલી તજવીજ અંગે નવલખી વાવની દુરસ્તી કરાવનાર નથ્થુ ઠાકોરનો ઉલ્લેખ કરેલો છે. ગુજરાતનો સૂબો ઝફર પછીથી મુઝફ્ફરશાહ તરીકે ગુજરાતનો પ્રથમ સુલતાન બન્યો હતો.
બ્રાહ્મી લિપિમાં તો માત્ર ત્રણ જ અક્ષરો–સુરાજ-વંચાયા છે, જે શોધકોએ નન્ના કલચુરીની રાણી દદા તથા તેના જમાઈ સૂર્યરાજ સાથે સાંકળી લેવા પ્રયત્ન કર્યો છે.
એટલો ઇતિહાસ-પડછાયો.
એમાંથી આ નાટિકાનું વસ્તુ મેળવ્યું. વાવસ્થાપત્ય એ ગુજરાતની વિશિષ્ઠતા. એના ઉપર અનેક કલાશૃંગારો રચાયલા છે. વડોદરાની નવલખી વાવ વડોદરાના લક્ષ્મીવિલાસ રાજમહેલના બગીચામાં હજી ઊભી છે. એની પાસે જ વડોદરા શહેરનું વિદ્યુત-કારખાનું પણ આવેલું છે. આજથી તેરસો પચાસેક વર્ષ ઉપર–સાતમી સદીમાં – થઈ ગયેલા નન્ના કલચુરીના જમાઈ સૂર્યરાજે મૂળ આ વાવ બંધાવી, જે ઈ. સ. ૧૪૦૫માં નસીરૂદ્દૌલા-વાજુદ્દીન અમીર નથ્થુ ઠાકોરે દુરસ્ત કરાવી અને આમ અનેક અનાવૃષ્ટિનાં વર્ષોમાં વાવ ઉપયોગી થઈ પડી.
વાવ-સ્થાપત્યના શોખીન મુસાફરને નવલખી વાવમાં ઊતરતાં જ નવલખી વાવની અધિષ્ઠાત્રી દેવી મળે છે, એ મુઝફ્ફરશાહને તેમ જ સુર્યરાજને પ્રગટ કરે છે અને મુસાફરની દૃષ્ટિએ અનેક સદીઓને આ વાવ દ્વારા જોડે છે. આ નાટિકાનું એ મુખ્ય વસ્તુ.
નવલખી વાવ-વડોદરાના રાજમહેલની પડખે.
સવાર કે સાંજ
બગીચાનું દૃશ્ય પડદા ઉપર તેમ જ રંગભૂમિ ઉપર લાવી શકાય.
બની શકે ત્યાં વડોદરાના લક્ષ્મીવિલાસ-અગર કોઈ પણ મહેલને પડદા ઉપર લાવી શકાય તો ઠીક. ખાસ જરૂર નહિ.
વાવનું દૃશ્ય ચિત્રથી અને બે ત્રણ પગથિયાંથી ઊભું કરી શકાશે. બે આછા લેખ-ફારસી તથા બ્રાહ્મીમાં-સૂચન પૂરતા બતાવી શકાય.
ટોર્ચ દ્વારા બન્ને લેખ વંચાવવા અને બન્ને લેખમાંથી–અગર લેખના પડદા પાછળથી મુઝફ્ફર અને સૂર્યરાજ પ્રગટ થઈ શકશે. દેવી વાવમાંથી પ્રગટ થતી બતાવવી સંગીત પાશ્વભૂમિમાં આવી શકશે.
મુસાફર : સ્થાપત્ય શાખીન વટેમાર્ગુ.
દેવી : વાવની અધિષ્ઠાત્રી દેવી.
મુઝફ્ફરશાહ : પંદરમી સદીની શરૂઆતમાં થઈ ગયેલો ગુજરાતનો પ્રથમ સુલતાન.
સૂર્યરાજ : સાતમી સદીની શરૂઆતમાં કલચુરી વંશના રાજવી નન્નાનો ગુર્જર સેનાપતિ.
[ મુસાફર પ્રવેશ કરે છે.]
મુસાફર : આ જ નવલખી વાવ! રસાળ ગુર્જરી ભૂમિ પાણી ઉપર પણ મંદિરો રચે છે. કૂવા વગરનું ગુજરાતમાં એક ગામ ન હોય. અને કૂવાની બહેન વાવ ! એને તો પૂર્ણ શણગાર જ જોઈએ. ગુજરાતના સ્થાપત્યસૌંદર્યમાં વાવને ન ભૂલાય. સ્થળે સ્થળે, માર્ગે માર્ગે રાજવીઓ, મહાજનો, વણઝારાઓ વાવની હારમાળા ઊભી કરતા જ ચાલે ! રાણકી વાવ જોઈ ....... અને અડાલજની વાવ? વાહ, વાહ ! ગુજરાતનાં સ્થાપત્યસૌંદર્ય જોવાં હોય તો અડાલજની વાવ ન જ વિસરાય...અને આ જોવા આવ્યો છું એ વડોદરાની નવલખી વાવ પણ ક્યાં ઓછી ભવ્ય અને સુંદર છે? અને બગીચો, વૃક્ષઘટા તથા ફૂલક્યારી તો ચારે પાસ છવાયાં છે ! શી ઠંડક અનુભવાય છે ! શ્રીમંત સયાજીરાવની યાદ આપતા ‘લક્ષ્મીવિલાસ’ના મિનાર વાવની એક બાજુએ ઝૂમે છે, બીજી પાસ વડોદરાને પ્રકાશ કરતું વિદ્યુતકેન્દ્ર પણ પોતાના સંચા ખખડાવે છે. લાવ, હું આ વિશાળ વાવનાં વિશાળ પગથિયાં ઊતરી વાવને નિહાળું !
- [ અદૃશ્ય સ્ત્રીનો ગીતરણકો સંભળાય છે.]
[આઠ કૂવા ને નવ વાવડી રે લોલ !
સોળસેં પનીહારીની હાર !
મારા વ્હાલાજી હો !
હાવાં નહિ જાઉં મહી વેચવા રે લોલ !]
- [ અદૃશ્ય અવાજ સંભળાય છે જે વાવની અધિષ્ઠાત્રી દેવીનો હોય છે. ]
અદૃશ્ય અધિષ્ઠાત્રી : માત્ર રસસ્થાન નહિ, ધર્મસ્થાન પણ ખરાં. જીવનમાં રસ અને ધર્મ એકબીજાને હાથ આપીને જ યાલે. નહિ તો રસમાં ધર્મ નહિ રહે અને ધર્મમાં રસ નહિ હોય.
મુસાફર : અહીં કોણ બોલે છે......જે હો તે! એ વાણી મને માન્ય છે. વાવનાં પગથિયાં ઊતરતાં મને રસદર્શન પણ થયું અને ધર્મ સ્મરણ પણ થયું. પાણીના પ્રભુ વરુણ. વેદકાળથી પાણીપૂજા આર્યોએ સાધ્ય કરી છે. જીવનનું સાચું અમૃત તે. પાણી પશુ, પક્ષી, માનવી અને વનસ્પાતની એ તૃષા છિપાવે અને અનાજને જન્માવી માનવીને એ જિવાડે. પાણી એટલે સ્વચ્છતા, પવિત્રતા-તન અને મનની અંઘોળ પાણીને નહિ તો બીજા શાને પૂછીએ ?
અદૃશ્ય અધિષ્ઠાત્રી : પાણીની એક બાજુ તું ભૂલ્યો.
મુસાફર : કઈ બાજુ?
અદૃશ્ય અધિષ્ઠાત્રી : એની રસબાજુ
મુસાફર : એટલે?
અદૃશ્ય અધિષ્ટાત્રી : દયારામને યાદ કરનારથી, જળની રસળાજુ ભુલાય ? પાણી માત્ર જીભને અને જીવને પોષે છે એમ નહિ, જળધારા અને જળધોધ આંખનાં સૌન્દર્ય છે! નહિ ?
મુસાફર : કબૂલ.
અદૃશ્ય અધિકાત્રી : અને જલતરંગનું વાદન કદી સાંબળ્યું છે ? એ શ્રવણનું સૌંદર્ય : એટલે પાણી સંગીત પણ આપે છે. મુસાફર ! કહે, પાણી શું નથી ? પાણી શું નથી આપતું ?
વ્યવસ્થિત પાણી આપતાં જલાશયો આપણાં સાચાં મંદિર ! તું કહેતો તેમ !
મુસાફર : જરૂર. અને અમારી ગુજરાતી ભાષાએ તો પાણીને બહુ સાચો અર્થ પણ આપ્યો છે. પાણી એટલે ચમકતું, ઝળકતું, જીવતું જીવન ! શિથિલતા, દારિદ્રય, રોતલપણું, માંદગી, ભીરુતા હોય ત્યાં પાણી ન હોય. માનવી પાણીદાર જોઈએ; જાનવર પણ પાણીદાર જોઈએ; શસ્ત્ર પણ પાણીદાર જોઈએ... પણ આપ કોણ છો ? વાવમાં સંતાઈ અદૃશ્ય રહી શા માટે બોલો છો?
અદૃશ્ય અધિષ્ઠાત્રી : વાવમાં કોણ સંતાય ?
મુસાફર : ચોર, ડાકુ કે બહારવટિયા.
અદૃશ્ય અધિષ્ઠાત્રી : એમાંથી હું કોણ હોઈશ ? કરી જો કલ્પના.
મુસાફર : આપ ચોર, ડાકુ કે બહારવટિયા જેવાં લાગતાં નથી. એ હો તો આમ ખુલ્લી વાત ન કરો. વળી આપનો કંઠ સ્ત્રીનો કંઠ લાગે છે.
અદૃશ્ય અધિષ્ઠાત્રી : સ્ત્રીઓ ચોર, ડાકુ કે બહારવટિયેણ ન બની શકે એમ તું માને છે? અને સ્ત્રી પુરુષને સરખા હક્ક આપતા આ યુગમાં ?
મુસાફર : હું ચોર કે ડાકું બનવાના સ્ત્રીપુરુષના સમાન હક્ક કબૂલ રાખુંં છું... પણ..મોટે ભાગે સ્ત્રીઓની ચોરી કે બહારવટાં જરા જુદા પ્રકારનાં હોય. વળી તમારો કંઠ ચોર જેવો લાગતો નથી.
અદૃશ્ય અધિષ્ઠાત્રી : ત્યારે કેવો લાગે છે ? ચોર, ડાકુ કે બહારવટિયા સિવાય બીજું કોણ અહીંં સંતાય ?
મુસાફર : એ સિવાય તો...વાવમાં...કદાચ... જુગારી... પ્રેમીઓ સંતાય ...પણ....
અદૃશ્ય અધિષ્ઠાત્રી : હું તો અહીં એકલી જ છું. અને પ્રેમની વાત કરનાર બેશરમ માનવીઓને ખબર છે કે પ્રેમ કઈ વયમાં હોય ?
મુસાફર : અરે, ગધાપચ્ચીસી પહેલાં જાગતો પ્રેમ પચાસે પહોંચતાં પહોંચતાં તો હોલવાઈ જાય છે.પૂરી પચ્ચીસી પણ પહોંચતો નથી અને ...પછીનો પ્રેમ એટલે ધૂમ્રપાન ! વરાળમાં બાચકા !
અદૃશ્ય અધિષ્ઠાત્રી : મારી વય કેટલી હશે ?
મુસાફર : નવા યુગના વિવેકમાં સ્ત્રીની ઉંમર પૂછાય પણ નહિ અને કહેવાય પણ નહિ.
અદૃશ્ય અધિષ્ટાત્રી : છતાં કહેવી પડે તો? મારો આગ્રહ છે, સાચું કહે.
મુસાફર : તો પચીસે આડો આંક. કોઈ પણ સ્ત્રીની વય પચીસથી વધારે કહીએ તો 'बायकांचे बंड' ઊભાં થાય...અને... આપ તો અદૃશ્ય રહીને વાત કરો છો. જરા નજરે પડો તો હું અંદાજ પણ કરી જોઉં !
અદૃશ્ય અધિષ્ઠાત્રી : કંઠ ઉપરથી વય ન પરખાય ?
મુસાફર : કદાચ ભૂલ થાય. કંઠ ઉપરથી તો આપની વય વીસ વર્ષથી વધારે ન જ હોય.
અદૃશ્ય અધિષ્ઠાત્રી : મારી ઉંમર કહું? બીશ તો નહિ ને ?
મુસાફર : આપ પ્રગટ થાઓ અને...પછી... હું કહી આપું. હું બનતાં સુધી ભૂલ કરતો નથી......સ્ત્રીઓની વયપરખમાં.
અદૃશ્ય અધિષ્ઠાત્રી : એમ ? જો ! આંખ મીંચીશ નહિ, હો !
- [ સહજ વાદ્યો અને ઝાંઝર વાગે છે. પ્રાચીન વેશિવિભૂષિત એક યુવતી – વાવની અધિષ્ઠાત્રી દેવી પ્રગટ થાય છે. ]
અધિષ્ઠાત્રી : અત્યાર સુધી હું તારા શ્રવણને પ્રત્યક્ષ હતી: હવે તારી દૃષ્ટિને પણ હું પ્રત્યક્ષ થાઉં છું.. કહે, હવે હું દેખાઉં છું ?
મુસાફર : આપ ખરેખર દેખાઓ છો; સાથે મારૂં આશ્ચર્ય પણ વધે છે. આપને સમજી ઓળખી ન શકું તો આપ માફ કરજો.
જાણે અજંતા ઇલોરાના શિલ્પમાંથી તો આપ જાગૃત ન થયાં હો ! આપનો વેશ, આપના અલંકાર, આપનું મુખ મંડળ આપને ગુજરાતી સન્નારી તરીકે ઓળખાવતાં નથી.
ધિષ્ઠાત્રી : હું જરૂર ગુજરાતી છું. હવે તું કહી શકીશ મને કેટલાં વર્ષ થયાં તે ?
મુસાફર : વીસ કરતાં વધારે નહિ જ. કંઠ ઉપરથી પારખ્યાં હતાં એવડાં જ આપ છો.
અધિષ્ઠાત્રી : ( સહજ હસીને ) મારી વય વીસની નહિ, ત્રીસની નહિ પરંતુ તેરસો પચાસ વર્ષની ! સાડી તેરસો વર્ષની હું છું. તેર અને ઉપર અડધી સદી મારા જન્મ ઉપર હું ઝીલી રહી છું. કાંઈ સમજાય છે ?
મુસાફર : ન હોય. હું તો ગૂંચવાંઉં છું. સાડી તેરસો વર્ષ ? આપને ? ન બને.
અધિષ્ઠાત્રી : કેમ ? મને પ્રત્યક્ષ નિહાળે છે છતાં કેમ ગૂંચવાય છે ?
મુસાફર : સો વર્ષની વય સાંભળી છે...પત્રકારો અને ખબરપત્રીઓ વધારે ખેંચીને સવાસો સુધી એ વયને તાણે છે....... પણ... ....એક હજાર ત્રણસો અને પચાસ વર્ષનું આયુષ્ય ? કદી નથી સાંભળ્યું ! કાં તો હું સ્વપ્નમાં છું કે કાં તો મારું મગજ હાલી ઊઠ્યું છે.
અધિષ્ઠાત્રી : સ્વપ્નમાં અને જાગૃતિમાં બહુ ફેર નથી...માનવીના મગજ બધાં યે હાલતાં-ડોલતાં! ડહાપણ અને ઘેલછા વચ્ચે નહિ જેવુ જ અંતર છે. એટલે મારાં જીવનવર્ષ સાંભળી મૂંઝાઈશ નહિ.
મુસાફર : તો...આપ માનવી તો ન જ હો!...જો કે આજ સુધી અમાનવી કે અતિમાનવી મેં નિહાળ્યાં નથી.
અધિષ્ઠાત્રી : (સહેજ હસતાં) … ભૂતપ્રેત તો નથી લાગતી ને ?
મુસાફર : આ વીસમી સદીમાં જૂના ભૂતપ્રેત ભાગી ગયાં છે...
અધિષ્ઠાત્રી : અને નવાં ઊભાં થાય છે તે તું જાણે છે? ભૂત ભાગ્યાં હશે એના કરતાં વધારે ભૂત આ સદીમાં જાગ્યાં છે. વીસમી સદીનુ વિજ્ઞાન એક ભયંકર ભૂવો જ છે. પણ મારે તેની કપરવાર નથી. હું તો સદીઓના વાઘા અને ધાગા મારા ઉપર વીટાળ્યે જ જાઉં છું.
મુસાફર : હવે...કૃપા કરી આપ કહો કે...ખરેખર...આપ કોણ છો.
અધિષ્ઠાત્રી : હું ચોર નથી, ડાકુ નથી; હું બહારવટે ચઢી નથી કે હું પ્રેમમાં પડી નથી; હું ભૂત નથી કે હું પ્રેત નથી. હું માનવી પણ નથી—તારા કહેવા પ્રમાણે. તો હું કોણ હોઈ શકું ?
મુસાફર : પ્રભુ જાણે કે આપ જાણો !
અધિષ્ઠાત્રી : પ્રભુ તો વળી બહુ જુનો, પુરાણ પુરુષ. એની વય કોઈ કલ્પી શક્યું નથી. એની આંખના પલકારામાં મારાં સાડી તેરસો વર્ષ તો દેખાય પણ નહિ. હું છું ...આ નવલખી વાવની અધિષ્ઠાત્રી, એનો પાયો નાખ્યો ત્યારથી હું અહીં જ છું.
મુસાફર : એટલે...વાવનું દૈવસ્વરૂપ તે આપ, ખરું ? સ્થળનાં દેવદેવી હોય ખરાં ?...ન હોય તો થવાં જોઈએ.
અધિષ્ઠાત્રી : તું મને પ્રત્યક્ષ જોઈ સાંભળી શકે છે, છતાં શંકા રાખીશ તો..........હું અલોપ થઈ જઈશ. संसयात्मा विनश्यति. વિશ્વાસ હોય તો ચાલ મારી સાથે, હું તને આખી વાવ બતાવુ.. તું વાવ જોવા આવ્યો છે ને ?
- [બન્ને એકબે પગથિયાં ઊતરે છે. ]
મુસાફર : કેવાં સુંદર, લાંબાં અને પહોળાં પહોળાં પગથિયાં છે ! અને આ જબરદસ્ત સ્થંભો ! અત્યંત મજબૂત સ્થાપત્ય...
અધિષ્ટાત્રી : જે વાવને ચૌદસો વર્ષ ઉપરાંત જીવવું હોય એનું સ્થાપત્ય મજબૂત હોવું જ જોઈએ ને ?
મુસાફર : માનવીને ચૌદસો વર્ષ જીવવું હોય તો ?
અધિષ્ઠાત્રી : જરા આફત મોટી થાય. નવા જન્મો અટકાવી દેવા પડે, અને આખી સમાજરચના બદલવી પડે! સો વર્ષ પણ જીવી ન શકતો માનવી આટઆટલા ઉત્પાત મચાવે છે તો એને હજાર વર્ષ ક્યાં જિવાડવો? જેમ છે એમ જ રહેવા દે ને, ભાઈ!
મુસાફર : માનવજાત તમને...બહુ ગમતી હોય એમ લાગતું નથી.
અધિષ્ઠાત્રી : નથી પણ ગમતી, અને ગમે છે પણ ખરી. આ નવલખી વાવની પાછળ કેટકેટલા માનવહાથ કામે લાગેલા હું જોઈ શકું છું. યોજકો, શોધકો, સ્થપતિઓ, કલાકારો, કારીગરો, મજદૂરો, પાણીપરખનારાઓ, ધનિકો; કેટકેટલા ભેગા મળ્યા ત્યારે આ વાવ તૈયાર થઈ. એમાંથી કોઈએ તેરસો વર્ષ જીવવાની ઈચ્છા ન કરી; છતાં એમનું સત્કાર્ય સદીઓ સુધી જીવંત છે...આજ સુધી.
મુસાફર : સાચું, મને કોઈએ કહ્યું કે આ વિશાળ રાજમહેલના આખા બગીચાઓને એ વાવનું પાણી જીવંત રાખે છે.
અધિષ્ઠાત્રી : તું તો આ રાજમહેલને જ જુએ છે. હજી એ સદી જૂનો પણ નથી. જ્યારે મારી આંખે નિહાળેલી તેરચૌદ સદીઓમાં કૈંક યુદ્ધો થયાં, કૈંક દુષ્કાળના ઓળા ફરી વળ્યા, અને કૈંક આસમાની-સુલતાની મેં અનુભવી; છતાં આ વાવના પાણીએ દુષ્કાળની ધરી ઝીલી અનેક માનવીઓને અને પશુઓને જીવતાં રાખ્યાં છે, નાસતા-ભાગતા માનવીઓની તૃષા છિપાવી છે, અને બળબળતા તાપમાં પક્ષીઓને અને માનવીઓને ટાઢક આપી જિવાડ્યાં છે. માનવી બહુ લાંબું જીવે એના કરતાં વધારે સત્કાર્યો કરે તે વધારે સારું, નહિ ?
મુસાકર : સાચું કહ્યું આપે. આ વાવ બનાવનારનું નામ આપણે નથી જાણતા. પણ તેથી શું થયું? એનું કામ આજે પણ જીવંત છે ને ? આપણે કામ સાથે કામ; નામને શું કરવું છે ? નામ તેનો નાશ...
અધિષ્ઠાત્રી : મુસાફર ! છેક નગુણો ન થઈશ. આશીર્વાદ આપવા પૂરતું પણ સુકૃત્ય કરનારનું નામ જાણીએ તો શું ખોટું તારી આંખને આ સ્થાપત્ય ગમ્યું હોય તો એના ઉપજાવનારને આશીર્વાદ તો આપ !
મુસાફર : નવલખી વાવના રચનારને મારા અંતઃકરણના આશીર્વાદ ... પણ ઓ વાવની અધિષ્ઠાત્રી દેવી ! આપને શું નથી લાગતું કે માનવીના મોટા ભાગનાં નામ ભુલાઈ જવા જેવાં હોય છે?
અધિષ્ઠાત્રી : એ જ સારું છે. યાદ કરવા જેવાં બહુ માનવી હોય તો માનવઇતિહાસો બહુ મોટા થાય અને વિદ્યાર્થીઓ ગોખતાં ગોખતાં શાપ આપે.
મુસાફર : આમે વિદ્યાર્થીઓ સાલવારી ગોખતાં સહુને શાપે જ છે...પણ મને તો અત્યારે એમ જ થાય છે કે આવી નમૂનેદાર નકશીની આછી છાંટવાળી, પાંચ પાંચ ઘુમ્મટ કમાનથી શોભતી વાવના રચનારનું નામ જાણું તો હું એ નામે આશીર્વાદ આપું.
અધિષ્ઠાત્રી : કદાચ તું મહેનત કરે, આંખને વધારે તીક્ષ્ણ બનાવે તો વાવના જીર્ણોદ્ધારકનું...અને એના સ્થાપકનું પણ...નામ તને જડી આવે...જો, આ તારી પાછળની જબરદસ્ત દીવાલો ! એમાં કાંઈ દેખાય છે?
મુસાફર : આ વીજળીની બત્તીઓ વાપરી વીસમી સદીની આંખ પણ ચૂંચળી બની ગઈ છે. વીજળીબત્તી ન હોય ત્યાં વીસમી સદીનો માનવી આંધળો ઘુવડ !
- [ ટૉર્ચ—વીજળીની હાથ બત્તી ઉઘાડે છે. ]
અધિષ્ઠાત્રી : પણ......આંખને મદદ કરવા માટે તું વીસમી સદીની પ્રકાશિકા લઈને તો ઊભો છે. વીસમી સદીને કેમ વગોવે છે?
મુસાફર : મુસાફર : હાં......હાં......આ ટૉર્ચ ! વીજળીની હાથબત્તી ! એને આપ પ્રકાશિકા કહો છો ? દેવી! તમે સંસ્કૃતનાં શોખીન લાગો છો. તમારી તેરસો વર્ષ ઉપરની જન્મભાષા તો સંસ્કૃત જ ને?...કે શૌરસેની પ્રાકૃત ?...વાહ ? ટૉર્ચના પ્રકાશમાં કેવો સુંદર આરસપહાણ દેખાય છે! અંદર કાંઈ લખેલું પણ છે. શિલાલેખ લાગે છે.
અધિષ્ઠાત્રી : વાંચી જો.
મુસાફર : ન ઊકલે એવી લિપિ લાગે છે......ફારસી, અરબી કે ઉર્દૂ ?...
અધિષ્ઠાત્રી : હજાર હજાર વર્ષોથી હિંદુ-મુસલમાન ભેગા રહે અને ફારસી લિપિ ન આવડે એ કેવું? પ્રયત્ન કરી જો. બધું સમજાશે.
મુસાફર : ( પ્રથમ ધીમે ધીમે ) બિ...સ...મિ...લ્લા...અ...ર’હે....માન...અ....ર્રહીમ...પરમ કૃપાળુ, પરમ દયાળુ પ્રભુને નામે...વાહ ! પ્રભુને તો હિંદુ, મુસલમાન કે ખ્રિસ્તી સહુ પરમ દયાળુ અને પરમ કૃપાળુ જ કહે છે. પ્રભુનું નામ લેતાં ધર્મભેદ, જાતિભેદ, કોમભેદ, રંગભેદ ભુલાઈ જવા જોઈએ...
અધિષ્ઠાત્રી : મુસાફર ! ભાષણ ન કરીશ. શ્રોતામાં હું એક જ છું. પહેલો આ નવલખીનો લેખ વાંચ. પછી એ લેખ સમજ. પછી કોઈ પુરાતત્ત્વ-સશોધકમંડળ સભા ભરી તને બોલાવે તો ભાષણ આપજે. અહીં રાજકીય સભા કોઈ ન ભરે. વાંચ...આગળ વધ.
મુસાફર : ( સ્વગત ) આ તેરસો વર્ષનાં દેવી ધમકાવે છે પણ ખરાં !(પ્રકાશ)...વારુ....હું... આગળ વાંચું... ઓહ ! આ તો સમજાય છે...ગુજરાતનું પ્રાન્ત તરીકે નામ પણ આમાં છે...એ ગુજરાતનો સૂબો ઝફરખાન...તઘલખ વંશનો સૂબો...એના સમયમાં... અરે વાહ......ચોખ્ખું ‘બરોદરા’ વંચાય એમ લખ્યું છે...વડોદરા નામ બહુ જૂનું લાગે છે...એ વડોદરાના હાકેમ માલિક આદમના શાસન સમયે...નસીરૂદ્દૌલા વાજુદ્દીન અમીર નથ્થુ ઠાકુરે...... પ્રભુકૃપાથી આ વાવની યોજના કરી વાવ બંધાવી...વાહ ! આ નથ્થુ ઠાકોર ખરો ! વિદ્વાનોને ખબર આપવા જેવી છે કે નથ્થુ નામ આજકાલનું નથી. બાદશાહી વખતનું છે, અને એ નામ એકલા હિંદુઓનો જ ઇજારો નથી; મુસ્લિમ અમીરો પણ નથ્થુ તરીકે ઓળખાતા. નથ્થુ ઠાકુર ! વાહ ! અને એ પાછા નસીરૂદ્દૌલા...અરે ! આ શિલાલેખમાંથી જીવંત માનવી કોણ નીકળી આવે છે ?
- [ હથિયાર અને મુસ્લિમ વેશ તથા તાજધારી માનવી પ્રવેશે છે]
પધારો, પધારો. સાડી તેરસો વર્ષનાં દેવી પ્રગટ થાય તો ઈસવીસન ૧૪૦૫માં આ લેખ લખાવનાર સાડી પાંચસો વર્ષના આપ જાગૃત થાઓ એમાં કેમ વાંધો લેવાય ?... પધારો નથ્થુ ઠાકોર ! ઉપરાંત આપનો ઇલ્કાબ ‘નસીરૂદ્દૌલા વાજુદ્દીન’! નહિ ?
ઝફરખાન : હું નથ્થુ ઠાકુર નહિ.
મુસાફર : ત્યારે આપ, પેલા, વડોદરાના પ્રાચીન હાકેમ... મલિક આદમ તો નહિ ને?
ઝફરખાન : નહિં. મને તમે ઓળખી શકતા નથી ? મારાં રાજચિહ્નો તો જુઓ !
મુસાફર : જોયાં. પણ...આ પાંચ સદીમાં તો કૈંક સુલતાનો અને રાજા મહારાજા થયા અને ગયા. આપનું ઇસ્મે મુબારક ? હું ‘શેક હૅન્ડ’ કરી આપના શાહી આદાબમાં ઓછાપણું નહિ લાવું...નહિ કહો ? વારુ. દૈવી! અધિષ્ઠાત્રી! આપ આ મહાપુરુષની ઓળખાણ આપો. આપે તો એમને જોયા હશે જ.
અધિષ્ઠાત્રી : હા, એ મહાપુરુષ ગુજરાતના પ્રથમ મુસ્લિમ સુલતાન... મુઝફ્ફરશાહ ગુજરાતી.
મુસાફર : સલામ આલેકુમ, સુલતાન |
ઝફરખાન : આલેકુમ અસ સલામ.
મુસાફર : તો આપ આ લેખવાળા ઝફરખાનના કાંઈ સગાં થાઓ ખરાં ?
ઝફરખાન : એ જ હું ઝફરખાન...જેની સૂબાગીરીમાં આ વાવ બંધાઈ !
મુસાફર : તે...આપ...સૂબામાંથી સુલતાન કેમ બની ગયા?
ઝફરખાન : હું રાજકરણની લાંબી ચર્ચા કરવા માગતો નથી, એ ચર્ચા કદી સલામત હોતી નથી, પરંતુ ટૂંકામાં એક જ વાત કહું. તમે તૈમૂરનું નામ સાંભળ્યું છે?
મુસાફર : હા હા, તૈમૂર લંગ ને? એણે...એ એશિયાવાસી વીરે તો યુરોપ અને એશિયાનાં રાજ્યો હચમચાવી નાખ્યાં હતાં. દિલ્હીની બે ભયંકર કતલો : એક તૈમૂરની અને બીજી નાદિર શાહની. એ જ તૈમૂર ને ?
ઝફરખાન : હા, એ જ તૈમૂર. મેં એને નિહાળ્યો હતો. મૂળ તો દિલ્હીના તઘલખ શાહો નિર્બળ બનતા હતા; તેમાં તૈમૂરે અસહ્ય ફટકા લગાવ્યા, દિલ્હીનું રાજ્યકેન્દ્ર અસ્તવ્યસ્ત થયું, અને ઉત્તર મધ્ય તથા દક્ષિણ મુલ્ક છિન્નભિન્ન બની ગયા.
મુસાફર : એટલે આપે સૂબાગીરીમાંથી સલ્લતન ઉપર કૂદકો માર્યો ?
ઝફરખાન : આજ તમને મશ્કરી કરવાનું મન થાય છે. પણ એ કૂદકો બહુ સહેલો ન હતો. રાજકેન્દ્ર નિર્બળ બને એટલે ચારે પાસ અવ્યવસ્થા જાગે. સારાં સારાં માણસો સત્તાનાં લોભી બની જાય. સત્તાધીશો અને વ્યાપારીઓ ધનની લૂંટાલૂંટમાં બધાં જ પોતાને ડાહ્યાં માને. કોઈ કોઈનું સાંભળે જ નહિ અને ગરીબ તથા મધ્યમ વર્ગોનો તો કોઈ બેલી જ ન હોય. પ્રજા કાયર કાયર થઈ જાય. લૂંટફાટ અને બહારવટાં શરૂ થઈ જાય.
મુસાફર : સાંભળવા જેવી વાત છે. પણ રાજહીવટના કેન્દ્રને આપણાથી નિર્બળ ન જ બનાવાય. કહો, શાહ સલામત ! પછી આપે શું કર્યું ?
ઝફરખાન : એટલે મને પ્રજાના આગેવાનોએ, સરદારોએ અને લશ્કરે વિનંતિ કરી કે મારે રાજિચિહ્નો ધારણ કરવાં અને ગુજરાતના રાજ્યની લગામ હાથમાં લેવી.
મુસાફર : પણ તમે દિલ્હીના સૂબા રહીને એ બધું કર્યું હોત તો ? વફાદારી સચવાત ને ?
ઝફરખાન : તમે એ મધ્યયુગના હિંંદને અને ગુજરાતને જોઈ શક્યા હોત તો એ પ્રશ્ન ન પૂછત. ત્યારે પ્રજામાં રાજચિહ્નની કિંમત હતી, રાજગાદી અને રાજદેહ પૂજનીય હતાં, અને દિલ્હી એવું દુર્બળ બની ગયું હતું કે એને ન હતા કાન, ન હતી આંખ, ન હતા હાથ અને ન હતા પગ. ન ત્યાં કોઈ હકીકત સાંભળે કે ન કોઈ હુકમ આપે, એવા અંધેરમાં કોઈએ તો દીવો પ્રગટાવવો રહ્યો ને? કાલપુરુષનું હું સાધન બન્યો, મેં સલ્તનત સ્થાપી અને મારી રચેલી સલ્તનત દ્વારા મેં ગુજરાતને જગજાણીતું કર્યું. જાણો છો, મુસાફર ! કે ત્યારે દિલ્હિીની સલ્તનત જુવાર-બાજરીના ઢગલા ઉપર તખ્ત માંડતી, જ્યારે ગુજરાતનું સિંહાસન હીરામોતીના ઢગલા ઉપર મંડાતું.
મુસાફર : ગુજરાતની સલ્તનન એક રસિક વાર્તા છે એમાં સંશય નહિ. પણ નામવર સુલતાન ! કદી કદી જુવાર-બાજરી હીરા-મોતીથી પણ વધારે કિંમતી બને ખરી, હો !
ઝફરખાન : જુવાર બાજરી વગર હીરામોતી આવે જ નહિ, પહેલાં જુવાર-બાજરી...પછી હીરામોતી. આબાદી હોય તો જ રૌનક. સાચો હીરો અટલે ભર્યાં પૂર્યાં ધાન્ય નિહાળવાનો દીવો. મારું ગુજરાત તો બંને આપે એવું છે -જો બરાબર માગતાં આવડે તો.
મુસાફર : આબાદીના સાચા પ્રયત્નોની આ નવલખી વાત એક સબળ સાક્ષી છો. આ વાવ બંધાવી આપ નામદારે પંદર પંદર ગાઉની આબાદી સદ્ધર કરી છે......કાયમને માટે...પાંચસો વર્ષ થી...
- [એક પગથિયું વટાવે છે અને ગેબી અવાજ થાય છે. ]
ગેબી અવાજ : આ વાવ કાણે બંધાવી કહે છે ? સુલતાન મુઝફ્ફરે ? શું એને બંધાયે માત્ર પાંચસો જ વર્ષ થયાં ? નથી એ સાચો ઇતિહાસ.
મુસાફર : આપ કોણ છો ? ક્યાંથી બોલો છો ? હું તો વાવ જોવા આવ્યો છું. મહેરબાન સુલતાનનો ઇતિહાસ સાચો ન હોય તો...આપ તેમ સાબિત કરી શકો છો !
ગેબી અવાજ : સાબિત ? હજી જરા આગળ વધો. સંગેમરમર ઉપર લખાયલા લેખને વાંચી બેસી ન રહો...હાં, એ જ ભીંત ઉપર અક્ષર ઉકલે છે? ચોખ્ખા કોતર્યા છે.
મુસાફર : આ તો વળી-ફારસીથી પણ ઇલાયદી લિપિ છે ! શું હિંદનું નસીબ છે! ભાષા એક નહિ, લિપિ એક નહિ, પહેરવેશ એક નહિ...હા, હવે રાજ્ય તો એક થયું છે. બધું એક થાય એવી હવે આશા ખરી. પણ...આ લિપિ નથી ઊકલતી.
અધિષ્ઠાત્રી : મુસાફર ! શું તમે પણ થાકો છો ? ફારસી લેખ વખતે પણ તમે એમ જ કહેતા હતા. વાંચવા માંડો. બધું આવડશે. કાળા માથાનો માનવી શું ન કરી શકે ?
મુસાફર : પણ...હિંદની બધી લિપિ ઉકેલતાં તો...વાળ ધોળા થઈ જાય.
અધિષ્ઠાત્રી : ભલે થાય. ધોળા વાળ કરીને પણ એ લિપિ ઉકેલીશ તો ઘણાં અંધારાં પ્રકાશિત બની જશે. એ છે હિંદની પ્રાચીન લિપિ-બ્રાહ્મી-દેવનાગરીની માતા.
મુસાફર: હિંદમાં માતાની પૂજા પણ ક્યાં અજાણી છે? એને પણ વિદ્વાનો વેદવારા સુધી ખેંચી ન જાય તો સારું .... આ તો......કાંઈ ઊકલતું નથી.
અદિષ્ઠાત્રી : એ લિપિમાં તો તમારો જૂનો ઇતિહાસ સચવાયો છે......
મુસાફર: અમારો ઇતિહાસ મહમદ ગઝનીની સવારીઓથી શરૂ થાય. એથી આગળ કૂદકો મારીએ તો વળી ગૌતમ બુદ્ધ, પાંડવ કૌરવ, રામ-રાવણ અને આર્યોનાં હિંદ ઉપર ઊતરી પડેલાં ધાડાં......
અધિષ્ઠાત્રી : એ બધું પૂરું સમજવું હોય તો બ્રાહ્મી લિપિ શીખો. નહિ તો આર્યોનાં સંચલનને તમારો ઈતિહાસ ધાડાં જ કહેશે ......આર્યોને ધાડાં તરીકે ઓળખાવનાર અંગ્રેજનો આભાર માનો કે તમારી ભુલાઈ ગયેલી બ્રાહ્મીને એણે ઉકેલી...... શિલાલેખો અને સિક્કાઓ ઉપર વસીને બ્રાહ્મી લિપિ જીવતી રહી છે.
મુસાફર : કૈંક ઉકલે છે...સૂ.......રા......જ, કે સૂરજ ! અરે, અક્ષરમાંથી માણસો ફૂટી નીકળે છે આ વાવમાં !
- [ શસ્ત્ર અસ્ત્ર સજેલો એક વીર સૂર્યરાજ પ્રગટ થાય છે. ]
સૂર્યરાજ : એ જ હું સૂરજ ! સૂર્યરાજ !
મુસાફર : સૂર્યરાજ ! નામ તો સરસ છે. પણ તમે વીસમી સદીના ગૃહસ્થ કે ધોતી-કફનીધારી તો લાગતા નથી. આપે તો માથે મુકુટ ધારણ કર્યો છે; કાને ઝળકતાં કુંડળ ! ગળે હીરાનો કંઠો! રોમન ટોગા જેવું ઉત્તરીય! એમાંથી અર્ધ ઉઘાડો આપનો દેહ ! કસેલી કમર ! પીળું પીતાંબર, અને ધનુષ્યબાણ અને ભાથું, એક હાથમાં પુષ્પ, અને એક હાથમાં કૃપાણ ! આમ તો નવા નવતેરા લાગો છો. આપનું શુભ નામ તો જાણ્યું, આપનો પરિચય ?
સૂર્યરાજ : મારો પરિચય ? મારો દેખાવ બસ નહિ થાય ?
મુસાફર : એકલો દેખાવ તો...સૂર્યરાજ ! ન ચાલે......હમણાં હમણાં અમારા નાટક-સિનેમામાં...પ્રાચીન કાળના પુરુષોને તમારા જેવા જ બનાવાય છે...અને કંઈક છોકરીઓ મૂક દૃશ્યો કે નૃત્યોની ઝડી વરસાવે છે... ત્યારે...તમારું બીબું ઉપજાવે છે. પણ આ શસ્ત્રો જોતાં...તમે...કાંઈ આજની માફક મૂક લટકાં કરો કે તાંડવનૃત્યની ધમપછાડ માંડો એવું લાગતું નથી. આપનું કૃપાણ ચમકતું છે, અને તીરકમાન તાજાં દેખાય છે. આજનો ગુજરાતી આવો લડવૈયો ન જ હોય.
સૂર્યરાજ : હું પણ ગુજરાતી છું. પૂછી જો આ વાવની દેવીને.
મુસાફર : તે તમે પણ સૂર્યરાજ ! પાછા તેરસો ચૌદસો વર્ષના બની જશો શું? દેવી જેવડા ? લાગો છો તો પચીસના ?
અધિષ્ઠાત્રી : ( સહેજ હસતાં ) મારા કરતાં એ સહેજ મોટા છે...પચીસેક વર્ષ મોટા.
મુસાફર : પાછું મગજ છટક્યું!...કે પછી સમય આગળ ગતિ કરવાને બદલે પાછો ચાલવા માંડ્યો ? સમયનું ચક્ર આગળ ચાલે કે પાછળ?
અધિષ્ઠાત્રી : સમયનાં પગલાં પાછાં ય વળે. મુસાફર ! તેં આવી વાવને જગાડી. હવે એ વાવ આછુંપાતળું જાગે છે અને ઇતિહાસને જગાડે છે.
મુસાફર : નવલખી વાવનું નામ સાંભળીને હું જોવા આવ્યો. મેં તો ધારેલું કે કોઈ વણઝારાએ એ બનાવી હશે. કોઈ દાનેશ્વરીએ નવ લાખ ખર્ચી આ નવલખ નવાણ બંધાવ્યું હશે...થયાં હશે એને દોઢસો બસો વર્ષ ...પણ આ તો જુગજૂની વાવ નીકળી. એક લેખમાં પાંચસો વર્ષ ઉપરની ગુર્જર સલ્તનત ખીલી આવી. આ રહ્યા એના સાક્ષી સુલતાન મુઝફ્ફર ગુજરાતી. અને..આપ, સૂર્યરાજ ! કયું ઇતિહાસચિત્ર બતાવશો?
સૂર્યરાજ : આ વાવનો આદ્ય સ્થાપક હું જ છું.
મુસાફર : ત્યારે...આ...ગુજરાતના આદ્ય સુલતાન મુઝફ્ફરશાહ શું કહે છે ?... શાહ સલામત ! આ વાવ આપના સમયમાં બંધાયાનો લેખ છે ખરો; પણ આપે એ બંધાતી જોઈ હતી ?
ઝફરખાન : હું તો રાજવ્યવસ્થા કરું કે વાવતળાવ બંધાતાં જોઉં? મેં તો પ્રજાઆબાદી અર્થે હુકમ કર્યો હતો કે નવાં જળાશયો બાંધવાં અગર જીર્ણ હોય તે દુરસ્ત કરવાં. કૈંક વાવકૂવા અને તળાવો નવાં બંધાયાં. હું શું જાણું કે આ વાવ નવી બંધાઈ કે જૂની દુરસ્ત થઈ ?
મુસાફર : બંધાવનાર તરીકે તો પેલા નાસીરૂદ્દૌલા છે...આપ કોઈ રીતે મિયાં નથ્થુ ઠાકોરને હાજર કરી શકો એમ છો ?... એમનો પૂરાવો સાચો.
સૂર્યરાજ : હવે કોઈને પણ તસ્દી ન આપશો. મારું નામ અહીંં કોતરાયું છે. વાવના ઉદ્ઘાટન સમયે.
અધિષ્ઠાત્રી : અને હું તો હજી જીવતી જાગતી છું..તે જાણું છું કે એ નામવાળી લિપિ બાદશાહી સમયે તદ્દન વિસરાઈ ગઈ હતી.
સૂર્યરાજ : અને ઉપરાંત આ સ્થંભો ! એનાં કોતરકામ ! એની આખી રચના ! અને એનું આખું વાતાવરણ ! મારા યુગનાં બીજા સ્થાપત્યો જુઓ. એ યુગમાં... હા... કદી આરબો, હૂણો, યવનો કે તુર્કો આવતા. પરંતુ એ બધા વ્યાપારી મિત્રો આવે અને ચાલ્યા ગયા...પછી સુલતાનને પોતાનો હક્ક વાવ ઉપર સ્થાપન કરવો હોય તો ભલે સાહેદને બોલાવે.
ઝફરખાન : સૂર્યરાજ ! આપણે ઝઘડો વધારવા ભૂતકાળ ઉથાનવો નથી. આપે સ્થાપેલી વાવ મેં દુરસ્ત કરી – મારા એક સરદારે દુરસ્ત કરી – એમ કહીએ તોપણ શી હરકત છે ? ઝઘડો ઘટાડવા તો મેં સલ્તનત સ્થાપી, તે આ વાવની ઉત્પત્તિમાં પાછા ઝઘડી પાડીશું ?
અધિષ્ઠાત્રી : એ જ સાચી સમજ, ઝફરખાન ! એ સમજે તમને સલ્તનત આપી. હું આ વાવની અધિષ્ઠાત્રી તમારા કથનને સંમત છું. સાડી તેરસો વર્ષોંની આ વાવ પ્રથમ બંધાવી સૂર્યરાજ કલચુરીએ. એને સમરાવી ગુજરાતના પ્રથમ સુલતાન મુઝફ્ફરશાહે.
મુસાફર : કલચુરી ? એ વળી નવું નામ સાંભળ્યું ! સૂર્યરાજ ! આપ રાજા જેવા દેખાઓ છો, તો આપ ક્યાંના રાજા ? કલચુરી શું?
સૂર્યરાજ : કલચુરી અમારો રાજવંશ. છઠ્ઠી-સાતમી સદીમાં અમારી રમત. માળવા અને ગુજરાત બંને ઉપર આબાદી સર્જનાર એ ક્ષત્રિયોનો તો હું સેનાપતિ હતો; રાજા હું નહિ.
અધિષ્ટાત્રી : મને કહેવા દો કે એ રાજા ભલે ન હતા; રાજા જેવી જ સત્તા ભોગવતા આ ગુર્જર સેનાપતિ સૂર્યરાજ કલચુરી મહારાજશ્રી નન્ના – નાનક અને તેમની મહારાણીશ્રી દદા-દમયંતીના જમાઈ. પ્રજાની આબાદી માટે એમણે આ નવલખી વાવ સ્થાપી નવ લાખ સિક્કાઓ વાપર્યા.
મુસાફર : વડોદરાની નવલખી વાવ જોતાં જોતાં મેં બહુ જોઇ નાખ્યું; અને ઘણું ઘણું હજી જોવાય એમ છે. દેવી ! સૂર્યરાજ ! સુલતાન !... હવે આપ અહીં જ રહેશો ને ?
અધિષ્ઠાત્રી : હું તો અહીં જ છું. આ વાવનો એક પથ્થર પણ જીવતો હશે ત્યાં સુધી હું અહીં જ છું- જીવતીજાગતી.
સૂર્યરાજ : હું તો અંતર્ધ્યાન થઈશ...મને કોઈ પૂરું ઓળખતા તો છે નહિ ! હવે અહીં રહી શું કરું?
મુસાફર : હરકત નહિ. આપ અહીં રહેશો તો હું આપને વધારે ઓળખીશ...મારે ઘેર મોંઘેરા મહેમાન તરીકે આપ ત્રણેને પધરાવીશ...જોકે...મારૂં ઘર રાજવૈભવવાળું નથી...અને અનાજની માપબંધીમાં કાર્ડ કઢાવવાં પડે છે ખરાં...આપ રાજવંશીઓનાં પણ...
ઝફરખાન : હું તો આબાદીનો અનુભવી...આ કાળમાં અલોપ થઈ જઈએ...અમને ફાવે અમારો ભૂતકાળ...
- [ ઝફર અને સૂર્યરાજ અદૃશ્ય થાય છે.]
મુસાફર : અરે ! આ તો એક એક ચાલ્યાં ! આ નવલખીના સ્થાપકો અને ઉદ્ધારકો ! આ નવલખીમાં આપ સૌ સદા ય સજીવન છો; આપ તો ગુજરાતનાં ગૌરવ...
અધિષ્ઠાત્રી : ભાવિ ગુજરાતને ગૌરવવંતુ બનાવતું હોય તો કદી કદી આ પ્રાચીન – ભૂતકાલીન ગુર્જર પથ્થરોને વાંચજે ખરો. અસંખ્ય પડ્યા છે આ ભૂમિમાં.
મુસાફર : દેવી ! તમે પણ અલોપ થાઓ છો શું?
અધિષ્ઠાત્રી : હા, મુસાફર ! અલોપ થતાં થતાં તારી વીસમી સદીના સાહેબટોપી પહેરતા સ્થપતિઓને મારું આહ્વાન કરતી જાઉં છું...કે...… તેરસો નહિ, ત્રણસો નહિ, પણ એક્રસો ત્રણ વર્ષ ચાલે એવું તો એકાદ સ્થાપત્ય સર્જો! તમારે હાથે સર્જાતાં મકાન તેર વર્ષ પણ ટકતાં નથી.
- [ અધિષ્ઠાત્રી અદૃશ્ય થાય છે.]
મુસાફર : દેવીનો સંદેશો – કહો કે નવલખીનાં તેરસો વર્ષનો સંદેશો-આપણા ઇજનેરોને આપવા જેવો છે...લાવ, નવલખીનું ઠંડું પાણી હું આંખે અડાડું...
- [ ગીત સંભળાય છે. ]
સોના તે કેરું મારું બેડલું રે લોલ
ઉઢેણી રત્ન જડાવ
મારા વાલાજી હો,
હાવાં નહિ જાઉં મહી વેચવા રે લોલ
- [પગથિયાં ચડવાનો અવાજ સંભળાઈ દૃશ્ય વિરામ પામે છે. ]