પુષ્પોની સૃષ્ટિમાં/રસતરંગ
| ← શક્તિસંભવ | પુષ્પોની સૃષ્ટિમાં રસતરંગ પ્રહલાદ બ્રહ્મભટ્ટ |
હે રામ ! → |
જડતા પાર્થિવતા, બર્બરપણામાંથી આગળ વધી સંસ્કાર ભૂમિકાએ પહોંચતા માનવજાત રસનો સ્પષ્ટ અનુભવ કરે છે. માત્ર શિકારીની પોષણ કેન્દ્રિત અવસ્થામાંથી આગળ વધતાં પ્રેમ, હાસ્ય, કરુણા, વિસ્મય—અદ્ભુત અને અંતે શાન્ત રસનો અનુભવ કરતી માનવભૂમિકાનું આ નાટિકામાં સૂચન છે.
સનાતન યૌવનનાં પ્રતીક સરખાં યુવક યુવતી એ આ નાટિકાનાં નાયકનાયિકા; આભાસ–રસાભાસ એ પ્રતિનાયક.
નાયક-નાયિકાને નામ આપ્યાં છે રસેન્દુ અને લીલા. રસાભાસ એટલે વિશુદ્ધ રસનું સ્ખલન કરવા ઈચ્છતો રસનો આભાસ. એનું નામ ટૂંકાવી આભાસ રાખ્યું છે.
જીવનમાં વિવિધ રસનો સ્વચ્છ અનુભવ એ માનવજાતનો સંસ્કાર. નાના મોટા સહુનો એ અનુભવ. રસ જેટલો જ રસભાસ પણ, વ્યાપક. સાચો રસ ઓળખવામાં એનું પણ નિશ્ચત સ્થાન છે. રસાનુભવ આપણા નાનકડા જીવનવર્તુલમાં જ થયા કરે એક પેઢી અને બીજી પેઢીના સંઘર્ષનું પ્રતીક રૌદ્ર રસમાં વિકસતું અહીં કલ્પ્યું છે.
સળંગ પણ ઝીણો વાર્તાતંતુ નાટિકામાં યોજ્યો છે, જેમાં યુવકયુવતી રસેન્દુ અને લીલા–ના રસસ્પર્શ અંગે થતા આઘાત પ્રત્યાઘાતનું નિરૂપણ કર્યુ છે. પ્રેમ એ જીવનને દોરનારું તત્ત્વ. એ શૃંગાર એ શૃંગારમાંથી શાંત રસ સુધી પહોંચતાં માનવીના ભાવ-અનુભવ બને એટલા આ નાટિકામાં વર્ણવા પ્રયાસ કર્યો છે. માતા -પિતા અને પુત્ર-પુત્રી વચ્ચેનાં ઘર્ષણ જાણીતાં છે–ખાસ પ્રેમપસંદગી અંગે. એટલે રૌદ્ર રસને-રુદ્રને લીલાના પિતા તરીકે આ નાટિકામાં કલ્પ્યો છે.
પ્રત્યેક રસનાં સ્વરૂપ, લક્ષણ અને અધિષ્ઠાતા દેવ આપણા પ્રાચીન સાહિત્યવિવેચનમાં નક્કી થયાં છે. બને ત્યાં સુધી એને અનુસરી રસના પ્રતિનિધિ દેવને નાટકમાં પ્રવેશ કરાવ્યો છે.
જુદાં જુદાં રસદર્શન ન હોવાથી રસાનુકૂળ સ્થળ આખી નાટિકા વાંચીને યોજી શકાય.
અનિશ્રિત વાતાવરણ ઉપજાવતો કોઈ પણ સમય-રાત્રિ કે દિવસનો.
કલ્પનાપ્રધાન નાટિકા હોવાથી રંગભૂમિની સગવડ અનુસાર નાટિકા ભજવી શકાશે. જે તે રસનું પ્રગટીકરણ પુષ્પમાંથી થાય છે એમ કલ્પ્યું છે. છતાં તે બીજી સુયોગ્ય રીતે કરવામાં આવે તો હરકત વથી. પુષ્પરચના ન થાય તો પાત્રનો પ્રવેશ નેપથ્યમાંથી પણ થઈ શકે. બગીચા, ફુવારા વગેરે દૃશ્યો સ્વતંત્ર ન રચાય તો એકાદ સૂચક પડદો એ બધાંને આવરી લેશે. ગીતના રાગ પણ અનુકૂળતાએ બદલવામાં હરકત નથી.
રસેન્દુ : રસની અસર ઝીલતો યુવક–સ્વચ્છ પુરુષયૌવનનું પ્રતીક.
લીલા : રસની અસર ઝીલતી યુવતી સ્વચ્છ સ્ત્રીયૌવનનું પ્રતીક.
આભાસ : રસ નહિ, પરંતુ રસના ભ્રમને ઝીલતો યુવક–રસને ભૂલ ભરેલી રીતે જીવનમાં ઉતારતો માર્ગ ભૂલ્યા યૌવનનું પ્રતીક.
શૃંગાર : શૃંગાર રસના અધિષ્ઠાતા દેવ-કામદેવનું સ્વરૂપ.
રતિ : શૃંગાર રસનું સ્ત્રીજોડું-કામદેવની પત્ની. શૃંગાર અને રતિ એ જોડકા વગર સાચો પ્રેમ-શૃંગાર ઉદ્ભવે નહિ.
પ્રમથ : હાસ્ય રસનો અધિષ્ઠાતા પ્રમથ ગણ
વીર : રસનો અધિષ્ઠાતા-ઈંદ્રનું સ્વરૂપ
મહાકાલ : બીભત્સ રસનો અધિષ્ઠાતા—અણગમો ઉપજાવે એવું જેનું સ્વરૂપ છે તે-યમનું સ્વરૂપ અપાય અગર હાડપિંંજરની સૂચના કરતું સ્વરૂપ.
રુદ્ર : રૌદ્ર રસનો અધિષ્ઠાતા-શંકરનું ઉગ્ર સ્વરૂપ-આ નાટિકા માટે યુવતી લીલાનો કલ્પેલો પિતા.
વરુણ: કરુણ રસનો અધિષ્ઠાતા-માર્દવ અને રુદન સૂચક દેવ.
| ગંધર્વ અપ્સરા |
અદ્ભુત રસનાં અધિષ્ઠાતા-શૃંગારની માફક જોડકું જ રહેનારાં-વિસ્મય ઉપજાવે એવા સ્વરૂપવાળાં. |
શમ : ધર્મ–શાન્ત રસનો અધિષ્ઠાતા-કલ્યાણકારી દેવ કે મુનિ સ્વરૂપ.
સુંદર ફુવારાઓથી સુશોભિત બગીચો. અદૃશ્ય વાંસળી અને વૃંદવાદન–વચ્ચે આછું સંગીત.
- [ ચર્મ વસ્ત્રધારી હથિયારસજ્જ એક યુવક અને એક યુવતી પ્રવેશ કરે છે–પરસ્પર સામે જુએ છે. એવો જ એક યુવક સંતાઈ છૂપાઈ બન્નેને નિહાળે છે અને અદૃશ્ય થાય છે ]
આકાશવાણી : હવે માનવીના હૃદયમાં–માનવીના જીવનમાં રસ પ્રગટ થાઓ.
- [ સૂચક રંગોનાં પુષ્પોમાંથી એક પછી એક રસ પ્રગટ થવા માંડે છે–પ્રથમ કૃષ્ણરાધા સરખાં શૃંગાર અને રતિ પ્રગટ થાય છે. ]
રસેન્દુ : આખી સૃષ્ટિને આનંદમય, ઊર્મિમય, એકાગ્ર બનાવી દેતો હું રસરાજ શૃંગાર, લીલા–વિલાસ-હાવભાવ અને લાલિત્ય વેરી હું માનવજડતાને રસિકતાનો ફૂવારો બનાવી દઉં છું.
લીલા : એકલા યુવકને જ ઓળખો છો ? તમારી સૃષ્ટિમાં કોઈ સ્ત્રીતત્ત્વ જ નથી શું?
રતિ : હું શૃંગારના સાથમાં છું ને! મને ના જોઈ તેં? મારા વગર શૃંગારનું અસ્તિત્વ જ નથી. જોડ વગર જીવ નહિ.
શૃંગાર : અમારું અસ્તિત્વ જ યુગલસ્વરૂપે. રતિ વગર શૃંગાર જ નહિ. આવો બન્ને સાથે આવો અને અમારા બન્નેના આશીર્વાદ મેળવો.
લીલા : એ આશીર્વાદનું કુળ કેમ સમજાય ?
રસેન્દુ : એ ફળ બન્નેમાં વહેંચાઈ જાય ત્યારે ?....
રતિ : શૃંગારનું માહાત્મ્ય, એ બે વગર એનું અસ્તિત્વ નહિ...અને જેમ રસાનંદની લૂંટલહાણ વધારે તેમ તેમ એ વધ્યે જ જાય. જુઓ, જુઓ ! આખી સૃષ્ટિ શૃંગારનું રસપાન કરી રહી છે.
- [ એક એક યુવક અને એક એક યુવતીનું રાસમંડળ અદૃશ્યમાંથી રચાય છે અને ગીતરાસ શરૂ થાય છે]
નર્તન ડોલન રૂમઝુમ પગલે
રસભર રમીએ રાસ, સાજન,
નવલ નવીન અટપટ થેઈકારે
રચીએ જીવનપ્રાસ, સજની
આવો ચંદા, તારક વૃંદા,
મૂકવદન મરકલડાં મંદા,
અગમ્ય ગુંજન પડછંદા
ઉભરે અવની અવકાશ...નર્તન૦
વૃક્ષ ઝૂલે, ઝૂલતી વેલડીઓ,
સાગર સરિતાની બેલડીઓ
નટનટી ઘેલડી, રમતી લાસ્યે,
અનુપમ લલિત વિલાસ,..નર્તન૦
પ્રાણપુરાણ પપૈયો ઝંખે
દેહતણા અણુ અણુ ને ડંખે,
યુગલ રાસમાં આવી સમાવે
યૌવનભરની પ્યાસ...નર્તન૦
- [રાસ પૂરો થતાં ક્ષણભર અંધકાર છવાય છે.રાસધારીઓ અદૃશ્ય થાય છે. યુવક અને યુવતીનાં ચર્મવસ્ત્ર અને હથિયાર પણ અદૃશ્ય થાય છે, અને તેને સ્થાને સુંદર વસ્ત્રો દેહ ઉપર આપોઆપ ધારણ થઈ ગયેલાં હોય છે. ]
રસેન્દુ : વસ્ત્ર પણ બદલાયાં, હૃદય પણ બદલાયું, અને આખી સૃષ્ટિ શૃંગારરૂપ ધારણ કરી ઊભેલી દેખાય છે. એ શું બન્યું ?
લીલા : હું પણ એ જ અનુભવું છું. હૃદયમાં કંઈક રસસંચાર થયો અને બન્ને આંખ પલટાઈ ગઈ. તને હું જડ, જંગલી ગણતી હતી ! એકાએક તું બહુ રૂપાળો લાગે છે, આંખને ગમે એવો...
રસેન્દુ : એટલે હૃદયને પણ ગમે એવો ખરો કે નહિ ?
લીલા : તું તારા હૃદયને પૂછી જો ને? પોતપોતાના હૃદય સાથે વાત કરીએ ! જો વળી !
રસેન્દુ : હૃદયમાં તારા સિવાય બીજું કશું વસતું જ નથી ! પ્રશ્ન માટે પણ હૃદયમાં જગા નથી.
લીલા : મારું હૃદય પણ તારાથી જ ઉભરાઈ રહેલું છે ! હવે ?
રસેન્દુ : આપણે જરા વધારે નજીક ન આવી શકીએ ?
લીલા : મારા પગ ઊપડતા નથી-આંખ પગ સામે ઢળી પડે છે--દેહમાં કંપ ઊપજે છે...તારા વિચારે !
રસેન્દુ : તો...હું આગળ ડગલું ભરું ? અને તારો હાથ પકડી લઉં ?
લીલા : તે...આમ પૂછી પૂછીને પગલાં ભરાતાં હશે, ખરું?...પ્રેમમાં ? તારી સામે વળી કોણ જુએ !
રસેન્દુ : નહિ, નહિ, તું રિસાય એ તો હું ક્ષણભર પણ ન સહી શકું. જીવન ખાલી ખાલી બની જાય છે !
- [ પાસે આવી યુવતીને ખભે હાથ મૂકે છે. લીલા રસેન્દુના હાથને ખસેડતી નથી. ]
લીલા : ખસી જા, દૂર! મને અડવાની જરૂર નથી !
રસેન્દુ : મને એ સિવાય બીજી જરૂર જગતભરમાં દેખાતી નથી.
- [ હાથ પકડે છે. લીલા પોતાનો હાથ પકડવા દે છે. ]
લીલા : હં !
રસેન્દુ : તું કહે તો તારે પગે પડું !
- [ ઘૂંટણ ઉપર બેસી જાય છે – યુવતીનો હાથ પકડી રાખીને ]
- હજી પ્રસન્ન નહિ થાય ?
લીલા : ( સહજ હસીને) પણ કોણે કહ્યું કે હું પ્રસન્ન નહિ થાઉં ? આમ પગ ન પડ...જેને તેને !
રસેન્દુ : ( યુવતીના બન્ને હાથ પકડીને ઊભો થતાં) જેને તેને પગે કદી ન પડું...તારે જ પગે–માત્ર !
- [ અદૃશ્ય અટ્ટહાસ્ય સંભળાય છે ]
લીલા : ( હાથ છોડી દઈને ) કોણ આટલું બધું હસે છે?
રસેન્દુ : અને શા માટે? કોને હસે છે?
- [ હાસ્યરસનો અધિષ્ઠાતા ગણ પ્રમથ વિચિત્ર વેશ ધારી, વિચિત્ર નૃત્ય કરતો, હસતો હસતો પ્રવેશ કરે છે ગાતાં ગાતાં ]
પ્રમથ :
૧[૨]માનવ કહું ? કે વિચિત્રતાનું
અદ્ભુત સંગ્રહસ્થાન
સર્જન કરનારે શું સર્જ્યું
વહાણ વીણા સુકાન?
એક આંખમાં અશ્રુ વહેતાં,
અન્ય આંખમાં હાસ્ય,
પ્રાણીને પગ ચાર, માનવી
બે પગ કેરો દાસ.
એ માનવને હૈયે ઊછળે
બુ દ્ધિ કે રો તો ર્,
બુદ્ધિ બળમાં ઊપજે ડાકુ
જલ્લાદો વળી ચોર.
ચાર દિવસની ચાંદની માંહે,
રાસ રમત ગુલતાન,
કાળ કરાળની ઝાળ પ્રજાળે
તો યે મન અભિમાન,
ભાઈ ભાઈને લૂંટી લેતો,
સ્ત્રીદેહે નહિ સુત્ર,
મોજ માણવા યુદ્ધે હોમે
પત્ની જાયો પુત્ર.
પુચ્છ વિનાનો વાનર એ નર,
પંખી પાંખ વિહીન,
શૃંગ વિનાનો પશુ શું માનવ ?
ભૂત, પ્રેત કે જીન ?
હું કોને હસું છું? શા માટે હસું છું? તમને બંનેને હસું છું, મને આખી સૃષ્ટિ અને સૃષ્ટિમાં ચાલતી સઘળી પ્રવૃત્તિઓ હસવા જેવી લાગે છે માટે હસું છું.
રસેન્દુ : અમારી પ્રવૃત્તિમાં વળી હસવા સરખું શું લાગ્યું?
પ્રમથ : પુરુષ સરખો પુરુષ! આમ સ્ત્રીને પગે ઢળી પડે એના કરતાં વધારે હાસ્યજનક બીજું શું હોઈ શકે ? ફરી પગે પડી જો ! તને પોતાને હસવા સરખું લાગે છે કે નહિ?
રસેન્દુ : હું જીવનભર આ યુવતીને પગે પડવા તૈયાર છુંં ! તેમાં હસવા જેવું શું લાગે છે ?
- [નાટક ઢબે બે ઘુંટણ પર બેસી યુવતીના બન્ને હાથ પકડી નમનસૂચક મસ્તક નમાવી બેસે છે. ]
પ્રમથ : હા હા હા હા ! આ સૃષ્ટિનાં સત્ત્વો! મને કહો કે પ્રેમીઓ સરખું હાસ્યપાત્ર દૃશ્ય બીજે ક્યાં જોવા મળે છે? હા હા હા હા !
લીલા : મને પણ આમાં હસવા સરખું કાંઈ લાગતું નથી.
પ્રમથ : સ્ત્રીને હસતાં આવડતું જ નથી. એ રડવાની કળામાં વધારે કુશળ હોય છે. એક યુવતીના હાથ પકડી એના પગ પાસે જીવનભર બેસી રહેનાર યુવક કરતાં વધારે હાસ્યપાત્ર બીજું કયું દૃશ્ય જોવા મળશે ? યુવતી ! તારે હસવું છે? એમ
લીલા : હસવા સરખું કાંઈ હોય તો હું હસું ને ?
પ્રમથ : તારા હાથની વાત છે, તારા એક બોલની જ વાત છે, તારે હસવું હોય તો !
લીલા : કેવી રીતે ?
પ્રમથ : આજ્ઞા કર આ યુવકને કે એ તારા પગ આગળ ઢળી પડે ! નાક લીટીઓ કાઢે ! સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી તારી ચરણરજ માથે ચડાવે ! પછી તને હસવું આવે છે કે નહિ...
લીલા : કેમ ?...મને હસાવવા આ બધું તું કરી શકીશ ?
રસેન્દુ : હું અને તું બન્ને એકલાં હોઈએ તો એ બને. ત્રાહિતના દેખતાં નહિ...આટલી લાગણી બસ નથી ?
લીલા : ( પ્રમથને ) જુઓ; સાંભળો ! તમે કહો છો એ બધું જ કરવા આ યુવક તૈયાર છે!
પ્રમથ : એવી શરતી મંજૂરી ન જોઈએ. મારા દેખતાં તારા પગે આળોટે એવો યુવક મારે જોઈએ. આ પ્રેમ દેખાવનો છે માત્ર !...પ્રેમ ! હા હા હા હા ...
રસેન્દુ : અમારી વચ્ચે આવી તમે શા માટે વિક્ષેષ પાડો છો ?
પ્રમથ : વિક્ષેપ ? તું જે શરત કબૂલ રાખતો નથી તેવી શરત માન્ય રાખનાર બીજો યુવક લાવીને હું રજૂ કરું તો ?
લીલા : એમ ? મારે પગ...સૌ દેખતાં પડે... આળોટે એવો યુવક તમે લાવી શકો છો.
પ્રમથ : એક નહિ અનેક ! હા હા હા હા !
લીલા : લાવો જોઈએ.........
- [ પ્રમથ વિચિત્ર નૃત્ય કરી તાળી પાડે છે અને બીજો યુવક આવી હાજર થાય છે.]
પ્રમથ : ( બીજા યુવકને ) કહે, આ યુવતી તને ગમે છે?
આભાસ : હા, હા ! મને કોઈ પણ યુવતી ગમે એમ છે-આ પણ...
પ્રમથ : એમ ? તો તું એને પગે લાગ !
આભાસ : અરે હું એને દંડવત પ્રણામ કરું-જો એ મારાથી રાજી રાજી થતી હોય તો...
[દંડવત પ્રણામ કરે છે. ]
પ્રમથ : હજી વધારે પ્રેમસાબિતી જોઈએ. તું આપી શકીશ ?
આભાસ : બહુ સ્થળેથી પાછો પડ્યો છું, તો હવે પ્રેમમાં આગળ પડવા સારુ કહો તે કરવા તૈયાર છું.
પ્રમથ : ઊઠબેસ કરીશ ?
આભાસ : અરે જરૂર ! બે કાનપટ્ટી...
પ્રમથ : હાં હાં ! જોજે, કોઈની કાનપટ્ટી પકડતો !
આભાસ : નહિ નહિ, મારી જ કાનપટ્ટી પકડી હું ઊઠબેસ કરું છું. એક...બે... ત્રણ ...
- [ પોતાના કાન પકડી ઊઠબેસ કરે છે |
લીલા : ( હસતાં હસતાં) બહુ સારું તો નથી લાગતું. પણ કંથ કહ્યાગરો હોય તો અનુકૂળતા ઘણી! નહિ ?
પ્રમથ : જો; હું સ્ત્રીઓની એક સનાતન પ્રાર્થના તેને સંભળાવું :
રાંધણ સીંધણ, ચૂલફૂંકણ, વલોણાગત જાણે,
એવો વર આપો રન્નાદે! જે ઘમ્મર ઘંટી તાણે.
લીલા: કેમ ? તમારા બેમાંથી કોણ આ પ્રાર્થના પ્રમાણે વર્તવા તૈયાર છે?... હવે બસ ! ઊઠબેસ બંધ કર !
આભાસ : એમ ? ભલે ! પણ હું થાક્યો હોં ! ચાલ, તારી પ્રાર્થના મંજૂર થઈ એમ માન.
લીલા : ( યુવકને ) તું કેમ કંઈ બોલતો નથી ?
રસેન્દુ : હું કંઈ પણ બોલવા તૈયાર નથી !
લીલા : આ બીજો યુવક મને જીતી જશે ત્યારે ?
રસેન્દુ : ચૂલા ફૂંકતો અને ઘટી તાણતો યુવક કોઈ યુવતીને ભાગ્યે જ જીતી શકે!
પ્રમથ : વાહ, વાહ ! તારું શું એમ કહેવું છે કે રસોઈયા બધા કુંવારા જ રહેતા હશે ? લોટચક્કીવાળા બધા સાધુ જ બની જતા હશે ?
આભાસ : અને રસોઈ સરખી મહત્ત્વની બીજી કળા જ કઈ છે ? દુનિયામાં યુદ્ધ વગર ચાલે...ચિત્ર વગર ચાલે..સંગીત વગર ચાલે...રસોઈ વિના ચાલે નહિ જ નહિ; અને મને એ ઘણી જ સરસ આવડે છે. બોલ છપ્પન ભોગ એટલે શું? ઢેબરાં શાનાં થાય ? કાળીરોટી કોને કહે ? કેમ, કેવો બોલતો બંધ કરી નાખ્યો !
રસેન્દ: તો હું અહીંથી જાઉં છું. તારે માટે હું મરી શકીશ એટલું જ કહેવું બસ થશે !
આભાસ : આ લે ! બીકણનો સરદાર ! મરવું સહેલું છે –જીવીને જવાબદારી જાળવવી એ મુશ્કેલ છે – તને જતાં કોઈ જ રોકે એમ નથી.
લીલા : નહિ, નહિ. તું જા નહિ! મને વિચાર કરવા દે, પ્રિયતમ કોણ સારો ?
પ્રમથ : તને જે વધારે સગવડ આપી શકે તે! એમાં વિચાર શો કરવાનો ?
લીલા : સગવડ આપનારને જોઈ હસવું આવતું હોય તો ?
પ્રમથ : એના કરતાં વળી વધારે સારું બીજું શું હોઈ શકે ? રડાવે એવા પતિ તો ઢગલાબંધ મળે છે ! પત્નીને હસાવનાર પતિ તો ‘સો લાખનમેં એક.’
લીલા : માત્ર હસાવનાર પ્રત્યે માન ઉત્પન્ન થતું નથી. ગમે તે સંજોગોમાં એ હસી શકશે ? મને હસાવી શકશે ? માન વગર સબંધ ન બંધાય !
આભાસ : ગમે તે સંજોગોમાં હું હસી શકીશ અને હસાવી શકીશ !
પ્રમથ : પણ તે તારા પ્રત્યે માન ઉત્પન્ન થાય એવી ઢબે !
આભાસ : અલબત્ત ! માન ઉત્પન્ન ન થાય એવો એક પણ સંજોગ હું ઊભો થવા દેતો જ નથી.
પ્રમથ : આપણે દોડવાની શરત મૂકીએ ! ઘોડાદોડની માફક પતિદોડ પણ લાયકાતનો એક પુરાવો છે. બેમાંથી જે આગળ નીકળે એ વધારે લાયક છે કબૂલ ?
રસેન્દુ : પ્રેમની અનેક શરત સાંભળી છે...પણ (પ્રમથ તરફ જોઈને ) આ સહુ કોઈને હસાવવા જ માગે છે !
આભાસ : નહિ, નહિ ! એ શરત હોઈ શકે જ નહિ. એમાં તો માત્ર ભાગવાની શક્તિ જાહેર થાય......પલાયનશક્તિ ઉપર પ્રેમ કદી ન પરખાય. પ્રેમમાં પર્વત સરખો હું અડગ રહીશ ...વીર...ધીર...
- [ આકાશમાંથી વાણી સંભળાય છે. ]
અવકાશ : કોણે મને યાદ કર્યો ?
- [એકાએક શસ્ત્રસજજ ઈંદ્ર સરખો વેશ ધારણ કરી ‘વીર’ રસ પ્રવેશ કરે છે અને શસ્રનૃત્ય કરે છે, જેની સાથે ગીત ગવાય છે. ]
શસ્ત્રધર, કવચધર, ધ્વજ ધરી ધીર ધર.
મોદભર આવી મેદાન માંડે !
સળગતી શક્તિ શું ઝૂમતો ઝબકતો
મેઘગર્જન સમી ત્રાડ પાડે !
ધરણી ધ્રુજાવતો, શંખ રણકાવતો,
અણુ અણુ વ્યાપ્ત કો વીજ વરસે!
ખડ્ગ ખણકાવી ખખડાવતો ખલ્કને
અડગ યુદ્ધે ધસે વીર હર્ષે !
ભય જતો ભાગી ટંકાર એનો સુણી
મેઘ વર્ષી રહે પુષ્પ ઝડીએ !
મૃત્યુ ભય પામી કરતું પલાયન સદા,
ધન્ય એ વીરની યુદ્ધઘડીએ !
પ્રમથ : બસ કર, એ મહારથી ! તને જોઈ હસવાને બદલે બધા યુદ્ધે ચઢશે !
વીર : તો મને યાદ કેમ કર્યો ? કોણે કર્યો ?
પ્રમથ : આ વીર પુરુષે તને યાદ કર્યો.
- [ બીજા યુવકને દર્શાવે છે. ]
આભાસ : ખોટી વાત ! આપણે સીધે માર્ગે જનારા માણસ શસ્ત્રધારીઓ સાથે મને કાંઈ જ સંબંધ નથી...શસ્ત્રો સાથે પણ નહિ.
વીર : આવ ! તને શસ્ત્રો શીખવું.......વીર તરીકેની તું નામના કાઢી શકીશ !
આભાસ : ના રે મહેરબાન ! આપણે ભારતવાસી રહ્યા. તેમાં યે ગુજરાતી ! ગાંધીજી આવ્યા તે પહેલાં કંઈક પેઢીથી અમે શસ્ત્રસંન્યાસ લીધો છે ! અહિંસાની શોધ માટે ગાંધીજીને નિરર્થક માન આપવામાં આવે છે ! ગુજરાતની પેઢી દરપેઢીની એ મિલકત ગણાય...ગાંધીજીની નહિ ! શસ્ત્રની ગુજરાતમાં વાત ન કરવી....
વીર : શાબાશ ! વગર શસ્ત્રનું વીરત્વ એનું નામ અહિંંસા ! મારવાની તાકાત હોવા છતાં મરીને જીવવું એનું નામ અહિંંસા ! વીર ! હું તને મુબારકબાદી આપું છું ...
આભાસ : મારું નામ ‘વીર’ નહિ; મારું નામ : આભાસ છે. મરવા-મારવાનું નામ આપણી આગળ ન દેશો. એ વાત સાંભળી લીલા બહુ નારાજ થશે.
લીલા : હું શા માટે નારાજ થાઉં? મને વીરત્વ ગમે છે – શસ્ત્ર સાથે અને શસ્ત્ર વગર પણ.....
આભાસ : એ વીર-બીરની પંચાત મૂકી દે. Safety first. જાતસલામતી એ જીવનનું આદ્ય સૂત્ર. શિર સલામત તો પાઘડી બહોતરી ! આ સ્થળ ભૂતખાનું લાગે છે...ચાલ મારી સાથે...હું સલામત સ્થળે તને પહોંચાડું...આવ મારી પાછળ !
પ્રમથ : હાથ પકડીને ખેંચ તો ખરો ? કે એ જોખમ પણ નથી લેવું ? હા હા હા હા ....
વીર : પણ આ છે શું? શી રીતે આ ભુતખાનું છે ? કોણ, શા માટે અહીં ભેગાં થયાં છે?
પ્રમથ : વિશ્વનું મોટામાં મોટ્રું સત્ય તે અકસ્માત | નિત્યનો એક અકસ્માત તે માનવમિલન ! અને માનવમિલન એટલે મોટે ભાગે પ્રણયત્રિકોણ !
વીર : પણ અહીં તો ચતુષ્કોણ – પચકોણ રચાયો છે, મને સત્ય કહે...હું મારા વીરત્વથી...
પ્રમથ : પેલા શૃંગારે બધું તોફાન ઊભું કર્યું છે ! રસેન્દુ અને લીલા પ્રેમનાટક કરતાં હતાં. મને હસવું આવ્યું અને આ આભાસને બોલાવ્યો ! હવે પંચાત એ પડી છે કે લીલા આ બેમાંથી કોની સાથે પ્રેમ કરે?
વીર : એ બેમાં જે વીર હોય તેની સાથે !...વીર કોણ છે એ નક્કી કરીએ...લો હાથમાં શસ્ત્ર...જે જીતે એ વીર !
રસેન્દુ : હું તૈયાર છું. આભાસ શસ્ત્ર પસંદ કરે...લાઠી, તલવાર, જમૈયો કે પિસ્તોલ.
આભાસ : હાં...હાં... હાં...શસ્ત્રોનાં નામ દઈ મને અહિંંસકને અભડાવો મા ! મારે સ્નાન અને ધ્યાન બન્ને કરવાં પડશે !.…અને મહેમાન હશે તો ઉપવાસ અને મૌન...વધારામાં !
રસેન્દુ : વગર શસ્ત્રે પણ યુદ્ધ થઈ શકશે ! કુસ્તી, વજ્રમુષ્ટિ, બોક્સિંગ.
આભાસ : હિંંસાનું નામ ન દો ! વિશ્વને વનવગડામાં ફેરવી નાખનાર, માનવીને ફાડી ખાનાર, પશુ બનાવનાર એ તત્ત્વ જેમ બને તેમ વહેલું નિર્મળ કરવા મેં કમર કસી છે.
પ્રમથ : હા હા ! કમર કસી રાખજે. તાકાત ત્યાંથી જ અદૃશ્ય થાય છે.
વીર : વીરત્વની પરીક્ષા માટે હિંસા જરૂરી નથી. રક્ષણ ન બનતી હોય એ હિંસા કોઈ પણ વીરને ખપે જ નહિ.
આભાસ : તો બીજી પરીક્ષા લો. નાહક મને વાગે કે આ રસેન્દુને વાગે ! અને એવા ઘવાયેલા બંનેમાંથી કોઈ પણ લીલાને ન ગમે તો પાછી પંચાત ને ?
પ્રમથ : કાંઈ હરકત નહિ. પ્રેમીઓની આ માનવ સૃષ્ટિમાં ખોટ નથી. પથ્થર જેટલા પ્રેમીઓ પગ તળે અથડાય છે...... હા... હા...પ્રેમ...પ્રેમીઓ...લીલા બીજા કૈંક પ્રેમીઓને શોધી શકશે.
વીર : નહિ! પ્રેમીઓ એમ ન શોધાય. વીરત્વ વગર પ્રેમ નહિ; અને વીરત્વને જરૂરી ગણાય આત્મભોગ......પ્રેયસીને ચરણે મસ્તક કાપી મૂકવા કોણ તૈયાર છે......બેમાંથી ?
રસેન્દુ : હું તૈયાર છું......લીલા એથી રીઝતી હોય તો!
આભાસ : આ તો બધી મૂર્ખાની ટોળી ભેગી થઈ લાગે છે ! લીલા ! તું એમને સાંભળીશ નહિ. કપાયેલે માથે કોઈ પણ માનવી ભૂંડો લાગે; પછી એને વીર કહો કે ધીર. અને માથું કપાયા પછી પ્રેમ કે પ્રેમી રહે જ ક્યાં ? રસેન્દુને માથું આપવું હોય તો ભલે આપે; હું તો મારું મસ્તક લીલાને ખાતર સજીવન રાખીશ. માથું કાપી આપનાર હું નહિ! બધા પ્રેમીઓ માથાં કાપવા માંડશે તો પ્રેયસી માટે કોઈ પ્રેમી જીવતો જ રહેશે નહિ.
વીર : મસ્તક ન આપો ! બીજી પરીક્ષા સૂચવું –સર્વસ્વનો કરી દો ત્યાગ લીલાને નામે !
રસેન્દુ: મારુ સર્વસ્વ લીલાને ચરણે ન્યોછાવર કરું છું!
આભાસ : એ ભલે ન્યોછાવર કરે. કશે અડીશ નહિ, લીલા ! જો, કપાયેલું મસ્તક કશા કામમાં નહિ આવે. ધડ અને માથું બંને ફેંકવા કે બાળવા ખાતે! એટલું જાણી લે કે રસેન્દુ જેવા પ્રેમીઓના જીવનમાં રસપરપોટા વગર બીજું કાંઈ નથી. એને પાસે લઈશ કે પરપોટા ફૂટી જશે...અને તારે આવાં ભ્રમજાળાં લઈને કામ પણ શું? કંઈ નક્કર વસ્તુ માગ. હું આપું !
લીલા : નક્કર વસ્તુ ? નક્કર વસ્તુ જીવંત હશે ખરી ?
આભાસ : અરે જીવંત રંગીન, બોલી ઊઠે એવી, ચમકતી, કિંમતી ! અરે, અમૂલ્ય |
લીલા : જોઉં! એવું શું આપો છો?
પ્રભાસ : આ મોતીની માળા ! અલભ્ય મોતીની આ સેર ! આવ, તારા કંઠમાં પહેરાવું !
લીલા : મોતી તો સારા લાગે છે! જોઉં ?
- [ લીલાના હાથમાં આભાસ માતીની માળા મૂકે છે. રસપૂર્વક તે નિહાળે છે! એકાએક બીભત્સ રસનો સ્વામી મહાકાળ યમનું સ્વરૂપ ધારણ કરી પ્રગટ થાય છે અને સર્વ વસ્તુઆને તુચ્છકારતું–તિરસ્કારતું ગીતનૃત્ય કરે છે. ]
બીભત્સ :
*[૪]ઝગમગ ચેહ પ્રસારી રહે, ચિનગારી જલતી,
જલતી જલાવતી.
પ્રજલિત દેહ, દમન નિજ ડંખે,
કાજળ ધ્રુમ ઊડી શું ઝંખે ?
અભિન્ન, મરણ જનનની રેષા
છલતી છલાવતી......ઝગમગ......
રૂપરંગ યૌવન બળવાને,
ચર્મમઢ્યાં અસ્થિ જળવાને
યમને ફાંસે દુનિયા ઢળતી,
ઢળતી ઢળાવતી......ઝગમગ......
મહાકાલ : ફેંકી દે, ફેંકી દે ! તારા હાથમાં શું ધરી રહી છે તું?
લીલા : કેમ ? એ તે મોતી છે. સૌંદર્યનાં જાણે બુંદ !
મહાકાલ : છઠ્ઠ ! તને એ સૌંંદર્ય નાં બુંદ લાગે છે ? મોતી એટલે શું તે ખબર છે?
લીલા : મોતી એટલે...મોતી, ચમકતું પાણીદાર જવાહિર. સુંદર કંઠની શોભા !
મહાકાલ : ચમકતું પાણીદાર જવાહિર ? મોતી પાછળ મરજીવા બનતાં માનવીને ક્યાં કશી ખબર છે એમાં ચમકે છે કોઈ જીવંત પ્રાણીનું મોત ! એમાં પાણી દેખાય છે? એ બીજું કશું નથી; પરંતુ એક જીવંત પ્રાણીનું ઠરી ગયેલું રોગવમન છે, રોગવમન ? સુંદર કંઠની એ શોભા નથી; મોતે ઊભી કરેલી એ કંઠમાળ છે! એને અડતાં તેમને કમીકમી કેમ આવતી નથી ?
લીલા : હાય, હાય ! ઠરી ગયેલું મત્સ્યવમન એ મોતી?
મહાકાલ : હા ! મત્સ્યના રોગિષ્ટ મોતની છાપ એટલે મોતી!
- [ લીલા હારને હાથમાંથી સરી જવા દે છે ]
આભાસ : ફેંકીશ નહિ હારને ! મોતીહાર ન ગમતો હોય તો...લે...આ હીરાની વીંટી, હીરાનાં કર્ણ ફૂલ... અને હીરાની પહોંચી !
- [મોતીહાર ઊંચકી લઈ ખિસ્સામાંથી આભાસ હીરાનાં ઘરેણાં કાઢે છે અને લીલાને પહેરાવવા જાય છે. લીલાને એ ગમતાં લાગે છે એટલે પહેરવા હાથ લંબાવે છે, છતાં ડરતી ડરતી મહાકાલને પૂછે છે. ]
લીલા : આ તો ગમે એવું ઘરેણું છે...આંખ ઠારે એવું ! હીરો કેવો ચમકે છે! પહેરી લઉં ને?
મહાકાલ : ઓહ ! સ્ત્રીને જીતવી હોય તો એની સામે સાચું-જૂઠું ઘરેણું ધરવું !
આભાસ : આ તો સાચામાં સાચો હીરો છે. જુઓ એના પહેલ, એની ચમક !
મહાકાલ : પહેલ અને ચમક! તું તો કહીશ કે અંગારામાં પણ પહેલ છે અને ચમક છે ! લીલાને તું અંગારો પહેરાવીશ ?
આભાસ : ક્યાં હીરા અને ક્યાં અંગારા ?
મહાકાલ : અંગારા તો ઉષ્મા પણ આપે ! આ હીરા તો અંગારો પણ મથી! એ તો ક્ષુદ્ર, ખોટી ચમક પહેરી બેઠેલે, નિરુપયોગી કોલસો છે!
લીલા : કોલસો ? હીરો અને કોલસો શું એક ?
મહાકાલ : અરે, કોલસાથી હીરો ઊતરે ! હીરો પહેરનાર કોલસાના મૃત સ્વરૂપને ધારણ કરે છે! બન્નેને બાળી જુઓ; સરખું પરિણામ !
આભાસ : મહાકાલ ! તમે પધાર્યા છો ત્યારના મૃત્યુ સિવાય બીજું કાંઈ દેખી જ શકતા નથી! આપની ઘુવડ દૃષ્ટિમાં અમારી દૃષ્ટિ મળશે તો આ મારી અને લીલાની કાંચન સરખી કાયાને પણ તમે કોણ જાણે માટી બનાવી દેશો.
મહાકાલ : કાંચન સરખી કાયા? માટી તો સારી; માનવદેહ એથી પણ વધારે બદસૂરત ! દેહ ઉપરથી ચામડી માત્ર ખસી જાય તો તમે બન્ને કેવાં લાગો તે બતાવું ? જુઓ......
- [ એક સ્ત્રીદેહનું અને એક પુરુષદેહનું હાડપિંંજર ઘરેણાં લૂગડાં પહેરી ત્યાંથી પસાર થાય છે. લીલા આંખ મીંચી દે છે અને ચીસ પાડે છે. ]
મહાકાલ : માટીનો માનવી ! કાદવનો દેહ! પાછો શણગારો છો!
રસેન્દુ : આ બીભત્સ દૃશ્યો ઊભાં કરશો તો ય હું લીલાને ચાહીશ. શૃંગારે આંજેલું અંજન મને હાડિપંજરમાં પણ અપ્સરાનું સ્વરૂપ દેખાડે છે. લીલા ! હું તને ચાહું છું : જીવન, મૃત્યુ,સુખ, દુઃખ, ગમે તે આવી પડે તો યે !
વીર : શાબાશ ! આમાં સાચું વીરત્વ સમાયલુંં છે !
પ્રમથ : ( આભાસને ) અને ઓ બેવકૂફ ! કંઈ બોલ, સારું સારું. નહિં તો પેલો રસેન્દુ લઈ જશે લીલાને.
આભાસ : અરે ! લઈને જશે ક્યાં ? ગામમાં ઘર નથી અને સીમમાં ખેતર નથી એને !
વીર : એમ ? રસેન્દુ ! ઘર ક્યાં નાખ્યું?
રસેન્દુ : ઘર વગરના નિરાશ્રિતોને ઘર સોંપી દીધું…!
પ્રમથ : અને ખેતર ?
રસેન્દુ : અન્ન વગર ટળવળતા કિસાનોને સોંપી દીધું.
પ્રમથ : અને...આજ હવે...એકલા રસની હવા ઉપર જીવો છો શું?
રસેન્દુ : મને જીવતો રાખવા માટે એ રસહવા બસ થશે...અન્યને જિવાડવા હું ઉપવાસી રહી શકીશ.
વીર : એનું જ નામ સાચું વીરત્વ! એ જ યુવક સાચો વીર... એ જ યુવતીને વરી શકે ! પકડી લે એનો હસ્ત, યુવતી !
- [ લીલા રસેન્દુનો હાથ પકડવા જાય છે. એકાએક, અંધકાર વ્યાપે છે, ગર્જના થાય છે અને ભયાનક રસના સ્વામી કાળસ્વરૂપે અને લટકતી જિહ્વા સાથે પ્રગટ થઈ ભૂતનૃત્ય શરૂ કરે છે. આખું દૃશ્ય તેજ અને અંધકારની રમતથી છવાઈ જાય છે ભૂતનૃત્ય થાય છે; સઘળાં ભય પામે છે.]
ઘનઘોર શોર અંધકાર ભાર !
ભૂમિખંડ ચંડ ચમકત અંગાર...ઘનઘોર.
ડિમક ડફ ડાકિણી
બજાવે તુર શાકિણી શું ?
પ્રેત ભૂત ડમરુ તાલ, નૃત્ય કરે વાર વાર...ઘનઘોર.
વેરતા વિષ આગનાગ,
ભૈરવના જાગે જાગ,
હાક કરે ચાતુધાન, પ્રલયના બજે પુકાર...ઘનઘોર.
થર થર થથરે બ્રહ્માણ્ડ,
મરુત ગાય મૃત્યુ કાણ્ડ,
તાણ્ડવની તાલ તાળી રુદ્ર રણકતા ઝંકાર...ઘનઘોર.
પ્રમથ : અરે આભાસ ! ક્યાં સંતાઈ ગયો ? તારાં હીરામોતી આ સંકટમાં કાંઈ કામ લાગે એમ છે?
આભાસ : અરે બાબા ! બોલો નહિ !...હીરામોતી મુઠ્ઠીમાં પકડી રાખ્યાં છે પણ આપણું તો હૃદય બેસી જાય છે !
શૃંગાર : તારે હૃદય છે ખરું ?
આભાસ : હા, હા......આ રસેન્દુને સોંપવા મથું છું.
વીર : એમ ? એને કેમ સોંપે છે?
રસેન્દુ : એનું હૃદય ગીરો મૂકવું છે ! હૃદયનાં ગીરોવેયાણ હું કરતો નથી; એની તો સખાવત જ થાય !
લીલા : પછી શો વિચાર થાય છે? એકબીજાના હાથ પકડી અંધકારમાં આગળ વધવું છે, રસેન્દુ ?
રસેન્દુ : હા......
- [ હાથ પકડવા જાય છે અને ભયપુરુષ આગળ આવી બૂમ મારે છે. ]
ભયપુરુષ : : થોભ જરા !
લીલા : કેમ ? શા માટે થોભવા કહો છો ?
ભયપુરુષ : આગળ વધતાં ભય નથી લાગતો શું?
લીલા : મારી સાથમાં રસેન્દુ છે...એટલે ભયને હું નિવારી શકીશ.
ભયપુરુષ : અરે પણ રસેન્દુ જ ભયથી સ્થિર બની ઊભો રહ્યો છે ને ?
રસેન્દુ : નહિ, જરા ય નહિ. લીલાનો હાથ પકડી હું ગમે ત્યાં ઊડી શકું છું. ભય મને રોકી શકતો નથી.
આભાસ : જરા બડાશ ઓછી માર ને! અરે ઓ ભયપુરુષ ! આગળ શાનો ભય છે?...તમારી આકૃતિ સિવાય !
ભયપુરુષ : હું તો માત્ર ભયનાટકની નાન્દીરૂપ છું. આગળ ભયંકર ઝંઝાવાત વહી રહ્યો છે!
રસેન્દુ : એના ઉપર હું ઊડી શકીશ !
ભયપુરુષ : પછી આવે છે જગતના જ્વાલામુખી !
રસેન્દુ : લીલાનું મુખ પાસે હશે તો હું. જ્વાલામુખીને મારી હથેલીથી દબાવી દઈશ !
ભયપુરુષ : યૌવનની હિંંમત ભયાનક પ્રલય સામે નહિ ચાલે ! જ્વાલામુખી પછી ધરતીકંપ; અને ધરતીકંપની સાથે જ પ્રલય ! જળ જળ મહાજળ ! ઘુમરી વાળાં અથાગ પાણી !
રસેન્દુ : પાણી ? પાણીની પાલખી બનાવી લીલાને તે ઉપર હું લઈ જઈશ.
ભયપુરુષ : અને પછી ? અગમ્ય પ્રદેશ આવશે ! અગમ્ય વાણી આવશે ! અગમ્ય કોક આવશે ! યુદ્ધ, ઝેર, ફાંસી, કેદ, અનશન ...બધું ગોઠવી રાખ્યું છે આગળ...
આભાસ : અરે. આ તો માનવીની દુનિયા કે જલ્લાદોની-કસાઈઓની દુનિયા ? આપણે આગળ વધવું નથી. બહાદુરીભરી પીછેહઠનો પ્રયોગ. વિશ્વયુદ્ધે અમસ્તો શીખવ્યો છે શું? લાવ, હું સંતાઈ જાઉં........પછી લીલા...
- [ સંતાવા જાય છે–પ્રમથ તેનો હાથ પકડી ઊભો રાખે છે. ]
પ્રમથ : નહિ ભાઈ ! ક્યાં ભાગો છો ? હવે તો જે થાય તે બધું સાથે...ધરતીકંપમાં તે ગામનું ઘર પણ ન રહે અને પ્રલયમાં સીમનું ખેતર પણ ભેળાઈ જાય...
આભાસ : આ હસવાનો સમય નથી...
રસેન્દુ : પણુ હું રડતો બેસીશ નહિ! જે વચમાં આવશે તે પાર કરી જઈશ...યુદ્ધ, ફાંસી, કેદ...બધું જ !
ભયપુરુષ : સંકટો તને કચરી નાખશે...પિગાળી નાખશે...
રસેન્દુ : એ સંકટો જાણે; મને તેની પરવા નથી ! સંકટોને પણ જાણ થવા દો કે તેમનો સામનો કરનાર એક પુરુષ આવે છે...
ભયપુરુષ : હાં ! એ ઠીક છે. તું એકલો જા; લીલાને પાછળ રહેવા દે. ભય ઘણો હળવો થઈ જશે. સ્ત્રીનો સાથ...એટલે જ ભયનો સાથ...
[ ભયાનક હાસ્ય કરે છે. ]
રસેન્દુ : શું ? લીલાને મૂકીને હું આગળ વધું ?
લીલા : અરે, મને મૂકીને આગળ જવું છે, રસેન્દુ ?
રસેન્દુ : નહિ, એક ડગલું પણ નહિ. તારી જોડ વગર આગળ વધાય એમ જ નથી.
ભયપુરુષ : તો સંકટનો પાર નહિ રહે. એકને બદલે બેનાં સંકટ બારગણાં વધી જાય છે !
રસેન્દુ : લીલાનો સાથ હશે તો એ બારગણાં બનેલાં સંકટ મારો બાગ બની જશે...પ્રલય મારી વસંત અને જ્વાલા મારી બહાર બની જશે. આગળ જઈશું તો બંને સાથે જ...
લીલા : અને ખપી જઈશું. તોપણ બંને સાથે જ.
આભાસ : આફતને આવકાર આપવાનો બેવકૂફોને શોખ હોય છે! લીલા ! પાછી ફર; મારી સાથે ચાલ. હીરા મોતીના શણગાર સજાવીશ ! તેલ, ફૂલેલ અને અત્તરથી નવરાવીશ...
મહાકાલ :
[૬]અંગે તેલ ફૂલેલ લગાવે માથે છોગાં ઘાલેજી
જોબન ધનનું જોર જણાવે છાતી કાઢી ચાલેજી
મનમાં જાણે મુજ સરીખો નહિ કોઈ રાગીજી
બારે તાકી રહી બિલાડી લેતાં વાર ન લાગેજી.
રસેન્દુ : લીલા ! હવે છેલ્લી પસંદગી કરી લે. સંકટો સામે મારી સાથે આગળ આવવું છે કે આ આભાસ સાથે સલામતીના કિલ્લામાં પાછા ફરવું છે ?
- [ લીલા એક હાથ લંબાવે છે રસેન્દુ તરફ...... પરંતુ સહજ આડું આભાસ તરફ જુએ છે. એકાએક આકાશવાણી થાય છે : “કોણ લીલાને આગળ ખેંચી જાય છે?”)
ખેંચી નથી જતો, હું એને સાથ આપું છું. સ્ત્રીઓને ઉપાડી જતો હું અસુર નથી !
- [ ડમરુ અને શિંગી સાથે ઉદ્ધત નૃત્ય કરતા નાગ વીંટળાયેલા રુદ્ર સ્વરૂપ ધારી રૌદ્રરસ–સ્વામી પ્રવેશ કરે છે.]
રૌદ્ર :
[૭]આજ બંદી નથી, ભલે નંદી નથી,
એક હાકે બ્રહ્માણ્ડને હું નાખું મથી,
પગના થેઈકાર માંડી જલધિ ઉછાળા,
હસ્ત અને અંગુલિમાં મોત ચંડ ચાળા,
ઊઘડે ત્રિનેત્ર, આગ ભડકે ગૂંથી...આજ બંદી નથી.
ચંદ્રમાં બુઝાઈ જાઓ, ગંગા સુકાઇ જાઓ,
ડમરુના ઘોરશોર પ્રલયને પુકારી જાઓ,
જ્વાલા મંઝાને કોણ કહેશે કથી...આ બંદી નથી.
લીલા : અરે, આ તો પિતાજી ! રુદ્ર સ્વરૂપ ધારણ કરી આવ્યા. થઈ રહ્યું; આવી બન્યું ! પ્રેમ ! પ્રેમના સ્વપ્ન! અને ઓ વીર પ્રેમી ! છેલ્લા પ્રણામ..
રસેન્દુ : નહિ નહિ, લીલા ! એ રુદ્ર સ્વરૂપનો ક્રોધ હું મારા ઉપર વાળી લઈશ......
પ્રમથ : અરે ! આભાસ પણ એમાં ભાગીદાર થશે......પ્રેમમાં થયો હતો તેમ !
આભાસ : નહિ, નહિ ! આ ક્રોધ આપણાથી ન જિરવાય ! કોઈક વાર સાચી બહાદુરી સંતાડવામાં સમાયલી હોય છે......થઈ જાઓ અદૃશ્ય...
- [એક વૃક્ષ ઓથે આભાસ સંતાય છે. નૃત્ય પૃરું થતાં રુદ્રરૂપ આગળ આવી પૂછે છે.]
રૌદ્ર : કોણ મારી દૃષ્ટિથી છુપાય છે? મારી દૃષ્ટિના અગ્નિમાંથી આજ એ નહિ બચે...અરે, રસ ! તું ભાગી જતો હતો લીલાને લઈને ?...બદમાશ...
રસેન્દુ : નહિ જી ! હું કદી ભાગતો જ નથી...અને તેમાં યે કોઈ યુવતીને લઈને તો નહિ જ.
રૌદ્ર : હું તમને...નવાંજૂનાં પ્રેમીઓને... પ્રેમીઓના કાળા પડછાયાને બરાબર પિછાનું છું.
પ્રમથ : પ્રેમીઓ, નવા કે જૂના, બધા ય સરખા | એના એ જ ! લાગ આવ્યે સૌંદર્યશીલ યુવતીને લઈ ભાગી જનારા ! શિવ- ભીલડી અને વિષ્ણુલક્ષ્મીથી એ પરંપરા ચાલી આવે છે...
રૌદ્ર : બસ, પ્રમથ ! મારું ત્રીજું નેત્ર ખૂલવાની તૈયારીમાં છે, વચમાં બોલીશ તો તું અને તારું હાસ્ય બળી ભસ્મ થઈ જશે !
પ્રમથ : નહિ, નહિ, નહિ ! જગતના ઝંઝાવાતમાંથી, જ્વાલામાંથી કે જલપ્રલયમાંથી બચાવીને રાખવા સરખું કાંઈ પણ હોય તો તે મારું હાસ્ય ! ક્ષમા કરો, રુદ્ર ભગવાન !
રૌદ્ર : ક્ષમાને પાત્ર આજની સૃષ્ટિ રહી નથી. આ રસને – રસેન્દુને હું બાળીને ભસ્મ કરી નાખું છું.
રસેન્દુ : પણ મારો કાંઈ ગુનો ?
રૌદ્ર : લીલાને ક્યાં લઈ જતો હતો ?
રસેન્દુ : હું લઈ જતો જ ન હતો ! એ જાતે જ આવી...મારી સાથે...મેં એને સહજ વારી છતાં !
પ્રમથ : એમ જ ત્યારે કહે ને કે લીલા જ તેને લઈ આવી ! વર્તમાન યુગમાં સ્ત્રી પણ પ્રેમદોરવણી કરી શકે છે!
શૃંગાર : વર્તમાન યુગ ? શા માટે ભૂતકાળને ભૂલી જાઓ છો ? મેનકાદોર્યા વિશ્વામિત્ર...
રૌદ્ર : બસ, બસ, !
- [ત્રિશૂલ ફેરવે છે...જરા ]
- લીલા ! આશા શો આરોપ તારે માથે મુકાયો છે? હું સગી પુત્રીનો પણ ગુનો માફ કરી શકીશ નહિ ! મારી સંમતિ વગર, મારી ઇચ્છા વગર, તું રસેન્દુ સાથે આવી જ કેમ ?- અહીંયાં, આ એકાંતમાં ?
લીલા : અહીં એકાન્ત નથી. અહીં તો વૃક્ષેવૃક્ષ અને પાનેપાન બોલી રહ્યાં હતાં !
રૌદ્ર : હું સીધો જવાબ માગું છું....કવિતા અને કલ્પના મારે ન જોઈએ !
લીલા : એકલો રસ નહિ, આભાસ પણ મારી સાથે જ હતો... અને છે...
રૌદ્ર : ક્યાં છે આભાસ ?
પ્રમથ : એ સંતાઈ ગયો છે...અરે આભાસ ! બહાર પડો; હવે નહિ ચાલે.
લીલા : એ એમ જ કરે છે! સાથે આવે છે અને ભય જુએ ત્યાં સંતાઈ જાય છે ! અરે, એક શિયાળ દેખીને એ સંતાઈ ગયો !
રૌદ્ર : આભાસને હાજર કરો !
- [સઘળા શોધે છે અને પ્રમથ આભાસને પકડી લાવે છે.]
આભાસ : ( પ્રમથને ) અલ્યા પ્રમથ ! હસાવનાર તું આજે મને રડાવવાનો !
પ્રમથ : અરે, નહિ રે ! હસવું રડવું એ તો ઢાલની બે બાજુ જ માત્ર છે! બંને આંસુ લાવે.
રૌદ્ર : આભાસ !
આભાસ : મુરબ્બી ! આજ્ઞા !
રૌદ્ર : તું આ રસેન્દુ કરતાં વધારે વિવેકી લાગે છે !
આભાસ : અને વધારે સદ્ધર, આપની કૃપા વડે !
રૌદ્ર : તો તું શિયાળને જોઈ કેમ સંતાઈ ગયો, લીલાને એકલી છોડીને ?
પ્રમથ : શિયાળને એણે વરુ માની લીધેલું ! ઉંદરને એ કાલીનાગ માને છે.........
આભાસ : શિયાળને હાંકવા માટે બે પુરુષોની જરૂર હોય ? મેં સંતાઈને જોયું કે આ રસેન્દુમાં સહજ પણ બહાદુરી છે કે નહિ.
રૌદ્ર : પછી એ બહાદુરી દેખાઈ કે નહિ ?
આભાસ : ના રે! લીલાએ જ એક પથરો ફેંક્યો અને શિયાળ ભાગી ગયું !
રૌદ્ર : હું જાણતો જ હતો. લીલા ! આવા સારા આભાસને છોડી તું રસ સાથે કેમ રખડે છે?
આભાસ : હું એ જ સમજાવવા માટે આવ્યો. મેં લીલાને રોકી ન હોત તો અત્યારે ક્યાંનાં ક્યાં એ બંને ભાગી ગયાં હોત !
લીલા : મને તેં રાકી ? મને રોકવાનું સામર્થ્ય કોઈમાં નથી – સારા બ્રહ્માંડભરમાં !
રૌદ્ર : બસ છોકરી ! લવારો બંધ કર, અને આ આભાસ સાથે પાછી ફર.
લીલા : આભાસ સાથે ? નહિ, નહિ. એનામાં વીરત્વ તો છે જ નહિ !
પ્રમથ : પુરુષને–પુરુષની જાતને – વીરત્વ શું કરવું છે ? આભાસ તો કૈંક વીરોને ભાડે રાખી શકે એમ છે! વીરોનાં લશ્કરોને !
આભાસ : હા હા, જરૂર. રક્ષકો રાખનારને તો વીરત્વ પણ ભાડે મળે ! આખી દુનિયાના વીરત્વને હું ખરીદી શકું...ભાડે રાખી શકું.…અરે વેચાતું...
રસેન્દુ : ( ધીમેથી ) પ્રેમ ભાડે ન મળે !
આભાસ : ( ધીમેધી ) અરે પ્રેમ શું, પ્રેમનો બાપ પણ ભાડે મળે !
લીલા : વીરત્વને પૈસે વટાવતો પુરુષ મારે ન જોઈએ !
રૌદ્ર : મારી આજ્ઞાનો પણ વિરોધ ?
લીલા : માત્ર એક જ પ્રસંગમાં..........
રૌદ્ર : ( ત્રિશૂલ ફેરવી ) જા! આગળ પગ મૂક, આભાસની સાથે !
લીલા : નહિ, પિતાજી ! એના પગમાં સ્થિરતા નથી !
રૌદ્ર : તો હું આજ્ઞા ન માનતી પુત્રીનો વધ કરું છું.
- [ત્રિશૂલ લીલા સામે ઉગામે છે. રસેન્દુ વયમાં આવી રુદ્રનો હાથ પકડે છે. ]
રસેન્દુ : હું જીવંત છું ત્યાં સુધી લીલાને તલપૂર પણ વ્યથા થવા ન દઉં.
રૌદ્ર : તો હું તને ત્રિશૂળ ભોંકું છું.........
[ ત્રિશૂળ ઉગામે છે. ]
રસેન્દુ : ભલે ! મને ભેદ્યા સિવાય આગળ નહિ વધવા દઉં.
આભાસ : હા, હા! એને ભેદી નાખો ! મરવા મારવાનો એને ભારે શોખ છે......પછી હું અને લીલા.........
લીલા : (રુદ્રનો હાથ પકડી ) દીકરીને ભલે મારો, પરંતુ આ નિર્દોષ યુવકને......જીવન સમર્પી દેતા વીરને ન મારો ! હું નહિ જોઈ શકું, નહિ સહી શકું! એને કાંઈ પણ થશે તો આપ મને જીવંત નહિ ભાળી શકો. પિતાજી! હું જીવનભર કુમારી રહીશ......પણ આ રસનો...રસેન્દુનો ઘાત ન કરો!
- [આંખમાં આંસુ ઊભરાય છે. હાથમાં જળનો ફુવારો ઉડાડતો વરુણદેવ-કરુણાનો દેવ પ્રવેશ કરે છે. કરુણ રસ શોભિત ગીત—બાગેસરીમાં-ગવાતું સંભળાય છે. રુદ્ર ધીમે ધીમે હથિયાર પાછું ખેંચી લે છે, અને મુખ ઉપર મૃદુતા લાવે છે. ]
[૮]જલની ભરી જીવન ઝલક,
જલની વહી જીવન વ્યાપ્ત
મહાચંડ છલક, ઝલક...જલની ભરી૦
અશ્રુબિંદુ સાથે જીવન;
અશ્રુધારા મૃત્યુ કવન
પ્રેમસ્તવન અશ્રુ ભર્યાં
અશ્રુભીની આંખ પલક...જલની ભરી૦
સૂર્ય રુદન રક્ત કિરણ
તારલાની રુદન પરણ
ઝાકળનાં ગુપ્ત ઝરણ
અશ્રુ ભરે સારી ખલક...જલની ભરી૦
લૂછનાર કોઈ નથી,
પૂછનાર કોઈ નથી,
માનવને હૈયે દાટી
વાતડી શી અલકમલક...જલની ભરી૦
પ્રમથ : આભાસ, વાત વંઠી! કરુણનું કૂંડાળું ફરી વળ્યું! ચેત, ચેતાય તો!
આભાસ : વડીલ ! કહેવત યાદ રાખો. આંસુમાં નિશ્ચયને વહી જવા ન દો; દયા ડાકણને પણ ખાય છે! દયા સરખી ક્રૂર રાક્ષસણી બીજી એકે નથી ! ઉગામેલું ત્રિશૂલ પાછું ન ખેંચો.
રૌદ્ર : પણ એ કોને મારું? લીલાને મારું છું તો રસ વચ્ચે આવે છે! કોઈ કહો મને કે આ ઉપાડેલું ત્રિશૂળ હું કોને ભોંકુ ?
પ્રમથ : બાકી રહ્યો આ આભાસ ! એને ભોંકી જુઓ !... હાં, એને જ!
આભાસ : અરે થોભો ! તમારા ત્રિશૂળ જેટલી ધનની તુલા કરી આપને આપું ! અરે, ત્રિશૂળને સોને તોળું, કહો તો !...મને ન મારશો. હું મરવાને પાત્ર નથી.
રસેન્દુ : જે મરવાને પાત્ર ન હોય તે જીવવાને પણ પાત્ર નથી. એના ઉપર શસ્ત્ર ન ઘટે.
વરુણ : હે રુદ્ર ! કોઈને પણ ન મારો ! અગમ્યદીધાં જીવન અને મૃત્યુ અગમ્યની ઘટના જ રહેવા દો ! આપના હૃદયમાં કરુણનો સંચાર થયો છે તો હવે હૃદયને કરુણાથી પૂર્ણપણે તરબોળ બનવા દો ! કરુણા સરખું ઈશ્વરી તત્ત્વ ભલે જગતમાં વધારે ફેલાય !
રૌદ્ર : હું મારા ત્રિશૂળને પાછું વાળું છું!... અરે ! આ ગંધર્વ અને અપ્સરા ક્યાંથી નીકળી આવ્યાં ?
- [ એક વૃક્ષમાંથી—પુષ્પમાંથી ગંધર્વ અને અપ્સરા પ્રગટ થાય છે— અદ્ભુત રસનાં સ્વામી બન્ને હસ્તમાં માળા ધારણ કરી લીલા તથા રસેન્દુને પહેરાવે છે, અને અહીં ગરબો રચાય છે.]
સોરઠ
જ્યાં જ્યાં નજર કરું ત્યાં નાચી રહે કો
તેજ તણા ચમકાર !
ઊતરે આભ થકી અણધારી અદ્ભુત
મોતી સમી જલધાર...જ્યાં જ્યાં૦
કોકિલ કંઠે પંચમ ભરિયો,
મોતી ઉછાળે ખારો દરિયો,
મયુર સમા અનુપમ નર્તતા
રંગ તણા અંબાર...જ્યાં જ્યાં૦
ચમત્કાર ચમકે પલપલમાં,
જાદુ ભર્યો શો જલ ને સ્થળમાં
અણુ અણુ વિસ્મય વ્યાપી રહ્યો !
શી લીલા અપરંપાર...જ્યાં...જ્યાં૦
પ્રમથ : અદ્ભુત, અદ્ભુત! વિશ્વમાં આશ્ચર્યોનો પાર નથી!
આભાસ : અદ્ભુત એટલે જ અન્યાય !
ગંધર્વ : તને અન્યાય શો થયો ભાઈ ?
આભાસ : હું અત્યંત ધનવાન ! છતાં આ લીલા એક નિર્ધનને વરે છે.
ગંધર્વ : યુવતીઓ માત્ર ધનને માગતી નથી–માત્ર ધનથી રીઝતી નથી, એ અદ્ભુત વાત સહુ ધનિકો જાણી લે તો વધારે સારું! ધન એટલે નાદારીનો પડોશ ! અમે કુબેરનગરીથી આવ્યાં છીએ એટલે એ સત્ય જાણીએ છીએ.
આભાસ : અરે, પણ પિતાની આજ્ઞા-પિતાની ઇચ્છાને પણ શું પુત્રી બાજુએ મૂકી શકે ? કળિકાળ આવ્યો, હળાહળ કળિકાળ આવ્યો !
ગંધર્વ : એ વિસ્મય અંક બે ! જે માતાપિતા વગર સમજ્યે આજ્ઞા કરશે એમની આજ્ઞા કુમળામાં કુમળી દીકરી પણ ઉથાપવાની. એવાં માતાપિતા જાતે જ કલિકાળ સ્વરૂપ હોય છે.
આભાસ : અને છતાં કોઈને શિક્ષા જ ન થાય, એમ ?
ગંધર્વ : વિસ્મયની વાત છે કે હજી માનવીને એક સમજણ પડતી નથી !
આભાસ : શી વાત છે એ ?
ગંધર્વ : કે શિક્ષાથી માનવી કદી સુધરતો નથી ! તો ય આપણા મુત્સદ્દીઓ રોજ નવા નવા ગુના અને નવી નવી શિક્ષાની જાળ ગૂંથ્યે જ જાય છે! આથી વધારે મોટું આશ્ચર્ય કયું ?
આભાસ : તમે અન્યાયી રસદેવતાઓ સામાન્ય ગણતરી સાચી પડવા દેતા નથી એ સહુથી મોટું આશ્ચર્ય !
પ્રમથ : અને એથી વધારે મોટું આશ્ચર્ય સર્જવું હોય તો મને પૂછો !
ગંધર્વ : કહો, કહો ! આભાસને અન્યાય ન લાગે એવું આશ્ચર્ય કહો !
પ્રમથ : આભાસને પોતાંને જ અદૃશ્ય કરી દઈએ તો મોટામાં મોટું આશ્ચર્ય નીપજે અને...પછી એને ન્યાયઅન્યાયનો પ્રશ્ન જ ઊપજવા પામશે નહિ!
શૃંગાર : હા, હા, એ આભાસ જ રસને ભ્રમ બનાવવા મથે છે...
રૌદ્ર : બદમાશ કહીંનો !! ત્રિશૂલ ઉપર ચઢાવી દઉં? આભાસ !
મહાકાલ : છૂટ ! કાળો પડછાયો ! તિરસ્કાર પાત્ર રાહુ !
વીર : મારાં બાણભાલાનો એ બલિ બનશે !
આભાસ : અરે કરુણાના અધિષ્ઠાતા ! મને બચાવો !
ભયપુરુષ : એને બચાવવો છે? અગ્નિની ભઠ્ઠીમાં નાખોખા ! ચલાવો ...
- અરે! પણ કોઈ અવનવું તેજ પ્રગટ થાય છે.
- [ વાતાવરણમાં સૂર સંભળાય છે.
- ૐ શાન્તિ : શાન્તિ : શાન્તિ ]
- નારાયણનું મુનિસ્વરૂપ–વિરાગસ્વરૂપ–શમ મેગરાના પુષ્પમાંથી પ્રગટ થાય છે. શાન્તિસૂચક પ્રભાત રાગની છાયાનું ગીત વ્યાપે છે. ભક્તો અને સાધ્વીઓ પ્રગટ થઈ કરતાલ મંજીરા સહ ગીતરચના કરે છે.
ગીત–ભૈરવી
હરિ ઓમ્ ! હરિ ઓમ્ ! હરિ ઓમ્ !
સૂર એહ સનાતન વ્યોમ ભેામ !.… હરિ ઓમ્ !
શાન્ત તેજમય સભર ભર્યો તું !
આનન્દિત અખંડ નર્યો તું !
જડમાં ચેતનવંત ઝરો રે તું !
રમી રહ્યો અમ રોમ રોમ !...હરિ ઓમ્
તારી ફૂંકે જીવન જીવે,
આંખ નિહાળે તારે દીવે,
તારી જ્યોત તણે તણખે એ
ઝગમગ ઝગતા સૂર્ય સોમ !...હરિ ઓમ્ ! ]
શમ : રસતરંગે ઊછળતાં કોણ અહીં વહી આવ્યાં ? આવો ! રસરંગની સૂરાવલિ એકાગ્ર બની પરમ શાંતિને પામે છે અહીં ! પધારો ! શૃંગાર : આ રસેન્દુ અને લીલા !..........
શમ : રસ એટલે જ હૃદયની એકાગ્રતા ! પરમ પવિત્ર ભાન ! વિશુદ્ધ આનંદ !
લીલા : પણ...મુનિરાજ !... રસ હસાવે છે, રડાવે છે, ભય પમાડે છે...
રસેન્દુ : યુદ્ધે ચડાવે છે, આશ્ચર્ય મગ્ન કરી દે છે, ભોગ માગે છે, તિરસ્કાર ઉપજાવે છે અને જીવનને ચકડોળે ચડાવે છે ! માનવી થાકી જાય છે. આ ચક્રમાં !
શમ : જીવનનુ એ મંથન ! એમાંથી મળતી શાંતિ એ રસામૃત !
પ્રમથ : પરન્તુ આ આભાસ રસને ડહોળી નાખે છે! એને અદૃશ્ય કરો તો જગતનાં રસિકરસિકા સુખી થાય અને રસ વિશુદ્ધ બને !.......
શમ : આભાસ નહિ હોય, ભ્રમ નહિ હોય, ભુલભુલામણી નહિ હોય તો રસપરીક્ષા સાચી નહિ નીવડે. આભાસ ! સર્વ રસમાં ભ્રમ ઉપજાવી અંતે તું મારામાં સમાઈ જા ! અહીં આભાસ પણ સત્યનું જ પડ બની રહે છે! રસેન્દુ, લીલા ! રસના તોરણમાંથી, રસના મેઘધનુષ્યની કમાન વચ્ચે થઈ, આવો મારી પરમ શાંતિમાં ! મારું વરદાન છે રસને ! રસિકોને ! માનવ હૃદયને! માનવતાને ! અસત્યને પણ સત્ય હૃદય સરસું ચાંપે ! ક્ષમા અપરાધને આલિંગન આપે ! હાથ પ્રસારી પુણ્ય પાપને ભેટી પડે ! ત્યારે માનવીને સાચો રસાનંદ–બ્રહ્માનંદ પ્રાપ્ત થાય. એ જ રસસમાધિ! એ જ રસતરંગ !
- [ મેઘધનુષ્યનું તોરણ રચાય છે. રસેન્દુ અને લીલા શમને પગે પડે છે. પુષ્પવૃષ્ટિ થાય છે અને શાંતિવાચક ગીત સહ દૃશ્ય સમેટાય છે. હિર ઓમ્ ! હરિ ઓમ્ ! ]