પુષ્પોની સૃષ્ટિમાં/હે રામ !
| ← રસતરંગ | પુષ્પોની સૃષ્ટિમાં હે રામ ! પ્રહલાદ બ્રહ્મભટ્ટ |
આ રેડિયા – નભોવાણી રૂપક –નાટિકા – છે. એમાં શ્રવણનું જ
મહત્ત્વ; એટલે પાત્રોને સ્થાને ધ્વનિ અને ધ્વનિમંડળો આપ્યાં છે.
મહાત્મા ગાંધી હિંદમાં પધાર્યા ત્યારથી તેમના અવસાન સુધીના પ્રસંગોનું આછું સૂચન આ નાટિકાનું વસ્તુ બની રહે છે. નાટિકામાં ગાંધીજીવનનું વાતાવરણ જેટલું ઘટ્ટ બની શકે એટલું વધારે સારું.
શ્રાવ્ય નાટિકાને દૃશ્ય સ્વરૂપ આપવાના પ્રયત્નો પણ થાય છે, જેમાં રંગભૂમિ ઉપર માત્ર વાણી રહિત અભિનય જ હોય છે જ્યારે નેપથ્યમાંથી પાત્રોના ધ્વનિચ્ચારણને ઝોક આપી મૂક અભિનયને અર્થ અપાય છે. વિવેચન પણ નેપથ્યે થઈ મૂક દૃશ્યને સમજાવવામાં ઉપયાગી નીવડે.
અહીં જ્યાં જ્યાં દૃશ્ય આપ્યાં છે ત્યાં ત્યાં ધ્વનિમંડળ દ્વારા વ્યક્ત થતાં દૃશ્યો બને એટલાં તાદૃશ બનાવી શકાય. એનાં ઓછામાં ઓછાં સૂચનો દૃશ્યોમાં આપ્યાં છે.
ધ્વનિ એ જ પાત્ર હોવાથી, તેમ જ પાત્રને રંગભૂમિ ઉપર આવવાનું ન હોવાથી અનુકૂલ સ્ત્રી-પુરુષ, હિંદુ-મુસ્લિમ, અંગ્રેજ પાત્રો ગોઠવી શકાશે. ઉદ્ગાર જ તેમને પ્રગટ કરશે. એકનું એક પાત્ર જુદા જુદા ધ્વનિમંડળમાં કામ કરી શકે. વિવિધતા જળવાઈ રહે એ માટે છ સાત ધ્વનેિ હોય તો બધાં મંડળોમાં એ કામ લાગે.
સંગીત પણ નેપથ્યમાંથી જ આવશે; સંગીતના ભાવ મૂક દૃશ્યમાં અભિનય દ્વારા લાવી શકાય તો સારું.
શ્રાવ્ય નાટિકા, રેડિયારૂપક, મૂક અભિનયના મિશ્ર પ્રકારની આ નાટિકા પ્રયાગ તરીકે અહીં મૂકી છે.- એને મૂક દૃશ્યમાં મૂકી શકાય કે કેમ એનો પ્રયોગ કરવા માટે.
પડદો ખૂલતાં ગાંધીજીની છબી ખૂલતી જાય છે અને ગીતાના ઉદ્ગારો સંભળાય છે.
स्थितप्रज्ञस्य का भाषा
समाधिस्थस्य केशव ।
स्थितधी: किं प्रभाषेत
किमासीत व्रजेत किम् ॥
दु:खेषु अनुद्विग्नमन:
सुखेषु विहतस्पृह: ।
वितरागभयक्रोध:
स्थितधीर्मु निरुच्यते ॥
વિવેચન : મહાત્મા ગાંધી એટલે હિંદના ઇતિહાસનાં તેત્રીસ વર્ષ. રાષ્ટ્રસેવકોની મણિમાલાનો એ મેરુમણિ ! હિંદને સ્વરાજ્ય અપાવ્યું એ ગાંધીએ. સને ૧૯૧૫ની સાલ, જ્યારે આફ્રિકાના સત્યાગ્રહી પ્રયાગો હિંદમાં કરવા ગાંધીજી મુંબઈ બંદરે ઊતર્યા.
- કાઠિયાવાડી ફેંટો, ધોતિયું અને અંગરખુ પહેરેલી ગાંધીજીની આકૃતિ દેખાય છે.
૧ : કોઈ સ્થિતપ્રજ્ઞ આવે છે?
૨ : અરે શું તમે યે તે ? એ તો પેલા મોહનદાસ કરમચંદ ગાંધી |
૧ : આફ્રિકાના સત્યાગ્રહવાળા ! એ જ ને? એ અહીં આવીને શું કરશે ? ફિરોજશાહ, ગોખલે, તિલક, બેનરજી, બીસેન્ટ : ક્યાં એ પ્રૌઢ યોદ્ધાઓ....
૨ : અને ક્યાં આ ધોતિયું, અંગરખુંં, કાઠિયાવાડી ફેંટો પહેરેલા આ ગુજરાતી ભાઈ ! નથી રૂપ, નથી રંગ, નથી પ્રભાવ ! સ્વાગત માટે પણ કોઈ આવ્યું દેખાતું નથી ને !
૧ : પણ ગોખલેજીને એમને માટે ભારે માન, હો ! એ તો એમને મહાત્મા જ કહે છે !
૨ : ફરવા દો વરસ દિવસ. જોશે હિન્દ, અને જશે પાછા આફ્રિકા !
વિવેચન : ગાંધીજી આફ્રિકા પાછા જતા નથી, તેમણે સાબરમતી આશ્રમ સ્થાપ્યો, જ્યાંથી રાષ્ટ્રજીવનને પરમ વેગ મળ્યો.
દશ્ય ત્રીજું
સાબરમતી આશ્રમનું આછું દૃશ્ય. રેંટિયો કાંતતાં કેટલાંક યુવક-યુવતી દેખાય છે,
ધ્વનિમંડળ ૩
[૧]દરિયો ડહોળી સંતન આવે
સાબરકાંઠે જોગ જગાવે–
દધિચિ એક હતો દરિયાદિલ !
જનતા કાજે હાડ જલાવે–
એક તકે ઊછળે મણિમાણેક !
સામે સંતન ધૂમ્ર ધિકાવે–
૧ : ગાંધીજીએ તો અહીં જ—સાબરિકનારે આશ્રમ સ્થાપ્યો.
૨ : પણ ભાઈ ! આશ્રમમાં ઉજળાશ કશી જ નહિ !
૩ : અરે, દળવું, ખાંડવુ, માંજવું, કાંતવું, પાણી ભરવું : બધું જ હાથે ! એ તે કેમ બને ?
૪ : નહિ સંગીત; નહિ નૃત્ય; નહિ કવિતા; નહિ કલા ! બીજા આશ્રમો કેવા સુંદર લાગે છે ! શાન્તિનિકેતન જુઓ. વળી ઉપરથી પાછું બ્રહ્મચર્ય !...અરે ગુરુકુલ કે ઋષિકુલ જેવી પણ જાગૃતિ અહીં દેખાતી નથી.
૫ : ખરું... પણ હિન્દ જેવા ગરીબ દેશને ન મળે બે ટંક જમવા. ન મળે દસ વાર કાપડ દેહ ઢાંકવા ! ત્યાં સુધી રંગરાગ, સંસ્કાર અને કલા જીવ-વગરનાં ફિક્કાં લાગે છે !... પેલા સંગીતકાર ખરે કાંઈ ગાય છે ખરા... કાંતતાં કાંત...
[ રઘુપતિ રાઘવ રાજારામની ધૂન સંભળાય છે. ]
૬ : તે આમ પૂણીઓ કાંત્યે સ્વરાજ મળશે ? જરા જોરદાર, લડાયકખમીર આવે એવું શિક્ષણ તો, કહો ગાંધીજીને, આપે !
૭ : પેલો ‘નવજીવન'નો ચમકાર. બધાંયને ઊભાં કરી દે છે હો! સમજાય, ન સમજાય, પણ એ સંતવાણી લાગે છે. સરકારે પણ ગાંધીજી ઉપર તીખી નજર રાખી છે !
વિવેચન : પાંચ વર્ષીમાં ગાંધીજીએ હિન્દને હલાવી નાખ્યું, જલિયાનવાલા બાગના હત્યાકાંડે હિન્દના હૃદયમાં આગ ઉપજાવી. આગમાંથી ઉષ્મા અને પ્રકાશ ખેંચતા મહાત્મા ગાંધીએ હજારોનાં ટોળામાં અહિંસક યોદ્ધાઓ સર્જ્યા. સને ઓગણીસસો એકવીસના સત્યાગ્રહથી દાંડીકૂચ સુધીનો રંગભર્યો પડદો આ રહ્યો !
દૃશ્ય ચોથું
લાઠી પકડી રહેલો પોલીસ. સામે બેઠેલા સત્યાગ્રહીઓ. મોટા માનવસમુદાયમાંથી ગર્જનાઓ સંભળાય છે: ‘વંદે માતરમ્ !‘ પોલીસ લાઠીઓ ઉગામે છે.
ધ્વનિમંડળ ૪
- [ મોટા માનવસમુદાયમાંથી ગર્જના સંભળાય છે :
- વંદે માતરમ્ ! વંદે માતરમ્ ! વંદે માતરમ્ ! ]
સંગીત
હે......જંગ જામ્યો ! જાગજો.
શુભ શાન્તિના સંગ્રામ,
ધરી કેસરભર્યાં પરિધાન,
હે વીર ! જાગજો.
નથી શસ્ત્ર કે નથી અસ્રને ઝળકાવ વાં,
મૃત્યુ ભયે નથી દુશ્મનો ચમકાવવા;
દુશ્મન વિહોણા યુદ્ધમાં
અર્પી તમારા પ્રાણ !
હે વીર ! જાગજો.
હે......જંગ જામ્યો ! જાગજો.
સૂકી ગયા નદ પ્રેમના વહેતા કરો,
સૂકાં રણો મહેરામણે મીઠાં કરો;
કુરબાનીમાં ધરી શિર્ષ
ગજવો ગુર્જરીનું નામ.
હે વીર ! જાગજો.
હે......જંગ જામ્યો ! જાગજો.
૧ : વંદે માતરમ્ !
૨ : મહાત્મા ગાંધીકી જય !
૩ : રૂડો મારો રેંટિયો હો......જી !
૪: તારી તોપોમાં ઊગશે ઝાડવાં રે!
- હજી ચેતી લે ઓ સરકાર...
૫ : પાર્થને કહો ચઢાવે બાણ ![૨]
૬ : આહા ! જાણે જ્વાલામુખી ફાટ્યો ! મહાત્મા ગાંધીનો એક બોલ અને હિન્દની રાજસત્તા ડોલી ઊઠી !
૭ : વંદે માતરમ્ ! ઈન્કલાબ...... ઝિંદાબાદ !
૧ : લાખો માનવીઓનાં ટોળાં ! માનવસાગર હિલોળે ચઢ્યો ! સ્વ રાજ્ય હાથવેંતમાં આવ્યું લાગે છે ! આ પૂરને ખાળવા કોઈની તાકાત નથી. પરદેશી રાજ્ય ચાલ્યું...... આ ચાલ્યું !
૨ : થોભો ! પણે ચૌરીચોરામાં શું તોફાન થયું ? પેાલીસચોકી આપણા જ લોકોએ બાળી અને પોલીસને કાપ્યા ! આવેશમાં કેટકેટલું ખોટું થઈ જાય છે?
૩ : અરે, અરે ! મહાત્માજીએ અસહકાર પાછો ખેંચ્યો ! એમનો અહિંસાનો આગ્રહ ! થોડું જતું ન કરવું જોઈએ ? આવી મોટી લડત; એમાં આ બાજુ કે સામી બાજુ બસો પાંચસો માણસો મરે એમાં શું ખોટું થયું ? હોય...ભૂલ પણ થાય. પરંતુ મળતો વિજય ખોવો...
૪ : નહિ નહિ, સત્યાગ્રહી હાથે હિંસા ઊતરે જ નહિ ! યાદ છે એ ગાંધીબોલ ? હિંસાથી મળેલું. સ્વરાજય પણ મને ન ખપે !
૫ : છૂટકો નથી ! બેસી જાઓ ચૂપ થઈને અહિંસા ન ગમે તો ય પાળવી રહી ! નહિ તો ગાંધીજી પાછા ઉપવાસે ચઢશે !
૬ : આ લડત બંધ થઈ; તો હવે ધારાસભામાં પાછા જઈએ. એક નહિં તો બીજો મોરચો !... ધારાસભામાં રમઝટ ભારે... બોલની !
૭ : ભલે એ રમકડાં રમવાં હોય તો રમો ! પણ એવી એકલા બોલની પટાબાજીથી કાંઈ ન વળે, તપ, તકલી અને અહિંસા...
વિવેચન : ધારાસભાનો મોહ તો ગાંધીજીને હતો જ નહિ. હિંદુમુસ્લિમ ઐક્ય, હરિજનૌદ્ધાર, કિસાન મઝદૂરની સેવા, ગ્રામોદ્ધાર: એ ગાંધી
માર્ગ. ઉપરાંત દસકે દસકે અહિંસક સત્યાધહનુ’ પ્રજાશિક્ષણ. દૃશ્ય પાંચમું
- દાંડીકૂચનો જરૂરી ભાગ.
ધ્વનિમંડળ પ
વૈષ્ણવ જન તે તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે!
પરદુ:ખે ઉપકાર કરે તો ય ઉરઅભિમાન ન આણે રે !
૧ : જુઓ, જુઓ ! સાબરમતીથી પેલા એંશી સૈનિકો નીકળ્યા. એ જાય દરિયા કાંઠે...દાંડી ભણી ! મોખરે ડોસો... હદ કરી.
૨ : માત્ર એંશી ? નહિ નહિ, આઠ હજાર... અરે વધતા ચાલ્યા... આઠ લાખ પણ કોણે કહ્યા?
૩ : હિન્દની માનવતાને કોઈ વિદ્યુત ચાંપ અડી ! કોણ આ માનવ- મહેરામણને ખાળશે ?
૪ : પોલીસથી પણ નહિ, અને લશ્કરથી પણ નહિ ! અરે (સહજ હસી ) લાઠીથી તે એ રોકાય ? ગોળીબારથી પણ નહિ...
[ લાઠી વીંઝાવાનો અવાજ બાજુએ સંભળાય છે. ]
૫ : શો બાપુના પગમાં તરવરાટ છે? જુવાનો પણ થાકે એવાં એનાં ઉતાવળાં ડગ ! જાણે સમુદ્રમંથન કરી સ્વરાજ્યને મેળવવા દોડતા દેવર્ષિ ન હોય !
૬: તૂટ્યો ! તૂટ્યો ! નિમકનો કાયદો તૂટ્યો !... કે અમારા હાથે – પગે બાંધેલી જંજીરો તૂટી ? આઝાદ !...હિંદ આઝાદ !
૭ : પણ...આ તો...પોલીસે પકડી લીધા બાપુને ! મધરાતે !
૧ : મધરાતની કેદમાં કૃષ્ણજન્મ થયો, અને કંસની ભેાગળ-સાંકળ આપોઆપ તૂટી !
૨ : એ જ માર્ગ ! ભરી દો એ પરદેશી સરકારનાં કેદખાનાં ! એ કેદના દરવાજા નહિ, પણ આઝાદીનાં દ્વાર ખૂલે છે !
૩ : બહાર રહીને પણ કેદ જ ભોગવવાની છે ને ? આ જ તો આખું હિન્દ બંદીખાનું બની ગયું છે. ભય લાગે છે ?
૪ : અરે શાનો ભય ? કડી-સળિયાનો ભય તો ક્યારનો યે ભાગી ગયો !
૫ : ત્યારે હવે કેદખાનાની બહાર રહે એ બેટો !
૬ : ચાલો કેદખાને !
૭ : એ જ માર્ગ !
વિવેચન : પછી ગોળમેજી પરિષદનો ઇતિહાસ તો સહુ જાણે જ છે.
હિંદુ-મુસ્લિમ ફાટફૂટ પણ સહુ જાણે છે.
દૃશ્ય છઠ્ઠું
થોડા અંગ્રેજ મુત્સદ્દીઓ વિચાર કરતા દેખાય છે. એમાં એકાદ હિન્દી પણ છે.
ધ્વનિમંડળ ૬
૧ : મુત્સદ્દીઓ, બ્રિટનના અને હિંદના ! કાંઈ કરો. હવે હિંદનો કનકવો ગિન્નાઈ રહ્યો છે, ગોથાં ખાઇ રહ્યો છે. હાથમાં નહિ રહે. એક પાસ ગાંધીને શેહ પૂરો. અને બીજી પાસ મુસ્લિમ લીગને ! પછી એવા પેચ લડાવો કે ગાંધીનો પગ જ લપસે ! અરે મુસ્લિમોના પણ...
૨ : હા, હા, જલદી કાંઈ કરો. હજી સાધન છે. હિંદુ, મુસલમાન, હરિજન, શીખ, આદિવાસી, બ્રાહ્મણ, દ્રવિડ, ખ્રિસ્તી : એવા એવા ભૂતભડાકા જલદી સળગાવવો નહિ તો... આભ ફાટ્યું છે હવે !
૩ : પેલા હિરજનોને તો ગાંધીએ ક્યારના અપનાવી લીધા છે... છતાં એ પણ કામ લાગશે. ગોળમેજી પરિષદ ભરીએ. અને હિંદી પ્રજાનાં સર્વ તત્ત્વો અને ઘટકોને ભેગાં કરીએ... હા ....હા... દેવતા અને દારૂ! જુઓ પછી ઊડતી આતશબાજી ! ગાંધીવાદીઓ અને રડ્યાખડ્યા મુસ્લિમો ભલે પછી એકતાનાં ગીત ગાય ! એ મેળ મળવાનો જ નહિ... દેડકાંની પાંચશેરી ! એ જ ઠીક છે.
દૃશ્ય સાતમું
- બેત્રણ મુસ્લિમોને મનાવતા બેત્રણ હિંદુઓ.
ધ્વનિમંડળ ૭
[૩]ઊઠે આવાઝ કાબાથી સુણો પંડિત ’યા અલ્લા!
ઊઠે એ શબ્દ કાશીથી સુણો ૐકાર અય મુલ્લા !
અય કાઝી ! અહો બ્રાહ્મણ ! બતાવો ભેદ ક્યાંઈ ભાળ્યો ?
કહો, એ ઈશ કે અલ્લા વસે ક્યાં ? કાંઈ નિહાળ્યો ?
ચરાચરમાં વસે તેને પુકારી રામ પૂજે છે;
કહેશો કે યવન હૃદયે કદી ના રામ ગુંજે છે ?
કહો છો. પાક અલ્લાની રહમ દુનિયાં ભરી ફેલે !
પૂછું, કાફર જિગરમાં શું રહમ દરિયાવ ના રેલે !
ન પૂછો પંડિતોને, ના, ન પકડો કાઝીનાં પલ્લા !
મિલાવી હાર ને હેયાં, પુકારો ઈશ એ અલ્લા !
૧–મુસ્લિમ : શું હિંદુઓની કરામત છે ! કહે છે ‘ઈશ એ અલ્લા !’ પણ ‘અલ્લા એ જ ઈશ’ એવું તેમનાથી કહેવાતું નથી ! એમનો ઈશ પહેલો અને અમારો અલ્લા પછી ! એમ ?
ર–હિંદુ : અરે બિરાદર ! શું આમ વાંકું પાડો છો ? જેમાં તેમાં?
૩–મુસ્લિમ : નહિ, નહિ, નહિ ! અમે મુસ્લિમ ! હિંદુથી જુદા જ ! અમારો મઝહબ જુદો...
૪–હિંદુ : હજારો વર્ષથી ભેગાં રહીએ છીએ તો ય ?
પ–મુસ્લિમ : હા, હા, હા ! અમારી જાત પણ જુદી–પછી ભલે ચોથી પેઢી ઉપર અમારા પૂર્વજો હિંદુ હોય !
૬ : હિંદુ : ગાંધીજી તમને કોરો ચેક આપે છે. હિંદનું આખું રાજ લખાવી લો !
૭ – મુસ્લિમ : નહિ નહિ, હિંદુઓની એ ચાલબાજી નહિ ચાલે.
૮ – હિંદુ : પણ કઈ ચાલબાજી ? અરે... ગાંધી સરખો સંત ઘૂંટણિયે પડે છે... જરા શરમ કે લાજ......
૯ – મુસ્લિમ : અમે તલવારબહાદુર મુસ્લિમો ! અમને અડધોઅડધ ભાગ—
૧૦-મુસ્લિમ : અરે અડધો નહિ; એથી પણ વધારે ભાગ અમે માગીએ. અમે સંખ્યામાં ઓછા છીએ એમ કહો છો ? અમારી જૂની બાદશાહત યાદ છે ?... જોઈ છે અમારી તાકાત ?... બસ, પાકિસ્તાન...
વિવેચન : Divide and rule – ભાગલા પાડો અને રાજ્ય કરો
એ નીતિને સફળતા મળવા લાગી અને આવ્યું એટલામાં
વિશ્વયુદ્ધ અંક બે !
દૃશ્ય આઠમું
કવાયત કરતી ટુકડી.
ધ્વનિમંડળ ૮
- [ડંકા અને રણભરી વાગે છે. એમાંથી એક યુદ્ધ સંગીત જાગે છે. ]
પ્રલયના વાગી રહ્યા ભણકાર !
ખખડતા ખડગ તણા ખણકાર !
જાગ્યા ભૈરવ જાગી જોગણી
જાગી ત્રિપુરની આંખ;
મોત જાગ્યું. પૃથ્વી પાતળે
ઊઠે પવનની પાંખ......પ્રલયના૦
ધર્મ ધખ્યો ! માનવતા સળગી !
ભૂત પ્રેતના જાગ;
રાષ્ટ્રવાદ રાક્ષસ બની બાળે
મહા શયતાની આગ......પ્રલયના૦
૧ : એ યુદ્ધને–અરે કોઈ પણ હિંસક યુદ્ધને હિંદનો સાથ ન હો ! માનવીની બુદ્ધિ, સંસ્કૃતિ, અરે માનવતા શું એવી મરી ગઈ છે કે આમ રુધિરના નાયગરા વહાવવા પડે.
૨ : કોણ ઉચ્ચારે છે એ શબ્દો ? યુદ્ધમાં જે સાથ નહિ આપે તે સરકારનો સાથીદાર નહિ ! એ રાજદ્રોહી !
૩ : એ શબ્દો ઉચ્ચારે છે. અમારા મહાત્મા ગાંધી ! માનવતાને હિંસા ન ખપે, જુઠ્ઠાણું ન ખપે, સ્વાર્થ ન ખપે... ગમે તે સરકાર હોય તો ય ! ૪ : પણ એ જ હિંસા, જુઠ્ઠાણું અને સ્વાર્થ અમારા ઉપર આક્રમણ કરે છે એનું શું? જર્મનો જુઠ્ઠા છે એ ન જોયું ?
૫ : પહેલાં તો તમારાં જેટલાં આક્રમણ હોય એ પાછાં ખેંચી લો. પછી અજમાવો એ મહાત્માનો અસહકાર.
૬ : એ કેમ બને ? મારનાર અમને આવી મારી નાખવાનો.
૭ : મારનારને આશીર્વાદ આપો, પણ તમારો આત્મા નહિ. મરી જાઓ, પણ મારો નહિ, અને મારનારની આજ્ઞા માનો નહિ !
૮ : એમાં તો મારનારનો વિજય થવાનો !
૯ : મરેલા દેહ ઉપર વિજય કેવો ? એ તો વિજયનો પડછાયો માત્ર છે. અપરાજિત આત્મા આક્રમણ ઉપર સદા ય વિજયી છે. પૂછો ઈસુ ખ્રિસ્તને ! આજ ઈસુ જીવે છે કે એને મારનારા ?
૧૦ : એમાં અમને કશું સમજાય નહિ. એ સમયે તમારો અર્ધનગ્ન ફકીર કે તમે અર્ધજંગલી હિંદવાસીઓ ! અમને સમજાવતા પહેલાં તમે તમારા જ હિંદુમુસ્લિમ ઝઘડા જ એ રીતે પતાવો ને ?
૧૧ : પરદેશી સત્તાધારીઓ ! એ આપનાં કરતૂત છે. આપ અહીંથી પધારો એટલે અમે અમારું ફોડી લઈશું. Quit India ! જ્યાંથી આવ્યા ત્યાં પાછા પધારો ! આ યુદ્ધ અને આ ઝઘડા એ તમારી આક્રમણનીતિના જ ભડકા છે.
૧૨ : અરે, આ જર્મની તમને ખાઈ જશે... જાપાન ખાઈ જશે !
૧૩ : પરોપકારનો સ્વાંગ ભજવવો હવે બસ કરો. તમે પણ અમને ખાધેલા જ છે ને – દોઢસો વર્ષથી ?
૧૪ : એમ ? જોવું છે? અમે જઈએ પછી સંભાળજો. મુંબઈ–કરાંચીના બારાંમાંથી અમને પાછા ન બોલાવવા પડે !
૧૫ : પાછા જરૂર બોલાવીશું. પણ તે મિત્ર તરીકે; માલિક તરીકે નહિ.
૧૬ : અરે, અરે ! આ ગોરાઓ તો ચાલ્યા... પણ તે હિન્દના ટુકડા કરીને... ૧૭ : વર્ષોની–યુગયુગની પરતંત્રતાનું એટલું કલંક સ્વીકાર્યે જ છૂટકો !... એક ભારતના બે ટુકડા... અરે! એ કેમ સહ્યું જાય ?
૧૮ : બે ટુકડે–પણ સ્વરાજ્ય તો મળ્યું ! એક મોતી દાણાની બે દાળ. સબંધ–એકતા તૂટવાનાં નથી... ભૂમિએ એક બનાવ્યા છે. પાછાં ભેગાં થઈશું.
૧૯ : મુસ્લિમ બિરાદરો ! એ વાક્ય પર ઘુરકિયું ન કરો !
૨૦ : ૧૯૪૭ની પંદરમી ઑગસ્ટે આપણે સહુ સ્વતંત્ર બન્યા !
૨૧ : હિંદના સ્વતંત્ર ત્રિરંગી ધ્વજ આજ ઘેર ઘેર લહેરાય છે! એક નેજા નીચે હિંદુ, મુસ્લિમ, પારસી, શીખ, બૌદ્ધ અને ખ્રિસ્તી આજ એકતા અનુભવે છે ! યુગજૂની જંજીર આજ તૂટે છે!
૨૨ : સંતોની, ઋષિમુનિઓની, ઇલ્મીઉલ્માઓની, સાધુ ફકીરની, કિસાન-મઝદૂરની સંસ્કૃતિને માથે આજ મુગટ ધરાવાય છે ! આનંદો સહુ કોઈ ! પોકારો વંદે માતરમ્ !
- [વંદે માતરમ્નો સામુદાયિક પાકાર સંભળાય છે. અને આછા સંગીતસૂર રેલાય છે]
જનગણ મન અધિનાયક જય હે !
ભારત-ભાગ્યવિધાતા.........
વિવેચન : અરે ! પણ પંદરમી ઑગસ્ટે ગાંધીજી આપણી સ્વાતંત્ર્ય-ઉજવણીમાં હાજર નથી. સંતનું એ લક્ષણ ! આઝાદી પછી પણ આપણાં પાપ ધોવા એ સતત તપશ્ચર્યા કરે છે અને હિંદુ-મુસ્લિમ એકતાની વેદિ ઉપર દેહ હોમે છે.
દશ્ય નવમું
- [ ફૂલહાર લઈ બે બાલિકાઓ રાહ જોઈ ઊભી છે. ]
ધ્વનિમંડળ
૧ : પણ ક્યાં છે આપણો – ભારતનો ભાગ્યવિધાતા ? તપશ્ચર્યા એની અને સ્વરાજ્ય મળ્યું હિંદીઓને ! અરે, એને દુશ્મન લેખતા લીગવાદીમુસ્લિમોને પણ !
૨ : લાવો એ મહાત્માને ! બોલાવો અમારા બાપુને ! એના વગરનો ઉત્સવ આડંબર લાગે છે!
૩ : એને પુષ્પે – અરે ! હીરામોતીથી વધાવીએ ! એની સુવર્ણમૂર્તિઓ ઊભી કરીએ ! એના રજતકીર્તિ સ્તંભો રચીએ ! એને માટે દીપાવલિ કરીએ !
૪ : બાપુ ! આવો ! તમને ખભે ઊંચકી અમે નાચીએ ! આવો ! ઉત્સવ માણો !
૫ : હિંદસ્વાતંત્ર્યનો ઉત્સવ એટલે બાપુના ભેખનો, બાપુના પંચાગ્નિનો, બાપુની આજીવન તપશ્ચર્યાનો ઉત્સવ !}
૬ : ઉત્સવઘેલા હિંદીઓ ! બાપુ અહીં નથી. આજ એ તો ફરે છે નોઆખલીના કાદવકીચડમાં પીડિતોની ઝૂંપડીઓમાં હિંદુ-મુસ્લિમ મહોલ્લાઓનાં ખૂની ખંડેરોમાં ! ઝેર અને આગના તાંડવમાં !
૭ : સ્વરાજયની ઉષા ટાંકણે આપણે શું આ ઘોર કૃત્ય આદર્યું છે ! ભાઈભાઈને આપણે કાપીએ છીએ ! પાડોશીનાં ઘર બાળીએ છીએ ! આપણી જ મા, બહેન, દીકરીની લાજ લૂંટીએ છીએ ! મન વચન અને કર્મથી આપણે ગોઝારા,
- આતતાયી બની ગયા છીએ...અરે...સ્વરાજ્ય આમ ઊગ્યું શું? રુધિરરંગે ?
૧ : જુઓ, જુઓ ! આપણાં હીરામોતી ઝીલવા નહિ પણ આપણા ખૂની હાથને પાછા ખેંચવા, ધોઈ સ્વચ્છ કરવા પવનપાવડી ઉપર ઊડતા ગાંધીજી પધાર્યા.
૨ : મહાત્મા ગાંધીનો જય !
૩ : સાંભળો, સાંભળો ! બાપુ આવીને કાંઈ બોલે છે! શું કહ્યું એમણે ?
૩ : આઝાદી પહેલાં અને આઝાદી પછી એના એ જ બાપુનાં સૂત્રકથન :
અહિંસા વગર આરો નથી.
જીત પ્રેમની જ હોય.
એક પણ માનવી ભૂખ્યો હોય ત્યાં સુધી બીજા માનવીથી
જમાય નહિ.
મરીને જીવો; મારીને નહિ.
યંત્ર નફા માટે નહિ, માનવીની સરળતા માટે હોય.
જે ધર્મ ઝધડા ઊભા કરે એ ધર્મ અધર્મ બન્યો સમજવો.
૫ : અરે, પણ ગાંધીજી એકલા મુસ્મિનોને જ સાચવવા બેઠા છે શું ? આ પચાસ કરોડ રૂપિયા પાકિસ્તાનને પધરાવી દીધા !
૬ : બોલ્યું પાળવું એ આર્ય સંસ્કૃતિનો મુદ્રાલેખ. ગાંધીજી એટલે આર્યસંસ્કૃતિનો અર્ક.
૭ : ગાંધીજીનું કામ હવે પૂરું થયું. સ્વરાજ્ય મળ્યું. હવે એ ખસી હિમાલય જાય તો ગંગા નાહ્યા. એમની મુસ્લિમપરસ્તી સહી જતી નથી !
૧ : હિંદનો એકએક મુસ્લિમ નિર્ભય ન બને ત્યાં સુધી ગાંધીજી હવે ખસે જ નહિ – એમને ખસવા દેવા ય નહિં – દિલ્હીથી.
૨ : કેમ એમ ?
૩ : સ્વરાજ્ય તો મળ્યું, પણ હજી એમાંથી રામરાજ્ય ખીલવવું
- બાકી છે. રામરાજ્ય એટલે શું ? જે રાજ્યમાં અન્યાય ન હોય – સરખો ન્યાય સહુને મળે એ રામરાજ્ય, જ્યાં શોષણ ન હોય, જયાં નફાખોરી ન હોય ત્યાં રામરાજ્ય. સત્તા અને સેવા જે રામરાજ્ય એકઅર્થી બને એ રામરાજ્ય...આ તો બધાંયની આંખ, બધાંયના હાથ અને ધાંયના પગ...ખુરશીઓ ભણી ખેંચાવા લાગ્યા !
- [ ધૂન સંભળાય છે : “ રઘુપતિ રાઘવ રાજારામ...”]
૪ : ખરેખર ! ગાંધીજીને ખસવા ન જ દેવાય. લાખો માનવી એના દંતરહિત ઉચ્ચાર સાંભળવા ટોળે મળે છે. ગોરા ગવર્નર જનરલ અને જવાહર હજી એમની આસપાસ સહકુટુંબ ફર્યા કરે છે. લોખંડી સરદાર એમની જ અહિંસામાંથી લોખંડને પાણીદાર બનાવે છે. એ સત્યાગ્રહી ગાંધીનો દેહ ખસે તો ય એણે પૂરેલા પ્રાણ હિંદમાંથી ન જ ખસે......
૫ : આજ સાંભળીએ ગાંધીજી શું કહે છે તે. વીસમી સદીનો એ બુદ્ધ ! પ્રજાની વાણીમાં પ્રજાને એ જે કહે છે તે સાચું જ લાગે છે...
૬ : પણ હજી પ્રાર્થનાસભામાં બાપુ પધાર્યા નહિ... સહજ વાર લાગી...
૭ : આવ્યા, આવ્યા :
૧ : એ આવે જગતના પાપનો ભાર વહન કરી સહજ વળેલી સ્કંધ !
૨ : ચશ્માંની ચમક નીચે સતત સત્ય નિહાળવા તરવરતી એ જ આંખ ! સત્ય સિવાય બીજે એ જુએ જ નહિ...
૩ : માનવજાતનાં દુ:ખદારિદ્રયના સતત ચિંતનમાં સ્થિર બની ગયેલી એ જ લલાટ ત્રિવલ્લી ! – ભલે એને કરચલી કહો !
૪ : હાસ્ય અને કરુણા વચ્ચે ઝૂલતું એ જ મુખમંડલ !
૫ : કિસાન મઝદૂરની સહોદરી શોધતું એનું એ જ અર્ધવસ્ત્ર ! [ સહજ સૂચક શાન્તિ વ્યાપે છે. ]
- [એક વાદ્યમાં ચીસ – આછી ચીસ સંભળાય છે.ત્રણ પિસ્તોલના અવાજ સંભળાય છે. તુરત એક ધીમા, હળવા, ફૂંક સરખા ગાંધીઉદ્ગાર સંભળાય છે. ]}}
- [ એકાએક સ્મશાનવત્ શાંતિ વ્યાપે છે, અને તુરત કોલાહલ મચે છે, ઉતાવળા ઉદ્ગારો સંભળાય છે. ] ૩ : બાપુ પડ્યા !...
- [ એકાએક સ્મશાનવત્ શાંતિ વ્યાપે છે, અને તુરત કોલાહલ મચે છે, ઉતાવળા ઉદ્ગારો સંભળાય છે. ]
- [વધારે વાદ્યો ચીસ પાડી ઊઠે છે. જે શાન્ત પડતાં શાન્ત પણ દુ:ખભર્યા ઉદ્ગારો સંભળાય છે.]
દેહ હતો જ ક્યારે? જીવન અને મૃત્યુના ફૂલદડા ઉછાળતો એ
મહાત્મા તો એકેએક હિંદવાસીના હૃદયમાં જીવતો છે.- [સમૂહધ્વનિ સંભળાય છે! મહાત્મા ગાંધીની જય!]
- [ગીત સાથે દૃશ્ય સમેટાય છે. દૃશ્ય સમેટાતાં બે બાલિકાઓ ગાંધીજીની છબી કે પ્રતિમાને ફૂલહાર અર્પણ કરે છે]
ભારત-ભાગ્યવિધાતા...
●︎ ●︎