પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૨. સ્ટેટ્સમૅન પત્રને મુલાકાત [ગાંધીજીના હિંદના પ્રવાસ દરમિયાન કલકત્તા ખાતે ધિ સ્ટેટ્સમૅનના પ્રતિનિધિએ તેમની મુલાકાત લીધી હતી. તે મુલાકાતનો હેવાલ નીચે આપ્યો છે. નવેમ્બર ૧૦, ૧૮૯૬ ધિ સ્ટેટ્સમૅનનો પ્રતિનિધિ : “મિ. ગાંધી, દક્ષિણ આફ્રિકામાંના હિંદીઓનાં કષ્ટ વિષે મને થોડા શબ્દોમાં કંઈક કહેશો ?” મિ. ગાંધી : “દક્ષિણ આફ્રિકાના ઘણા ભાગોમાં હિંદીઓ વસે છે, જેમ કે નાતાલ અને કેપ ઑફ ગુડ હોપ, દક્ષિણ આફ્રિકાનું પ્રજાસત્તાક, ઑરેન્જ ફ઼ી સ્ટેટ તથા અન્ય સ્થળો ઉપર. આ બધી જગ્યાએ તેમને થોડેઘણે અંશે નાગરિકતાના સામાન્ય હકો આપવાનો ઇન્કાર કરવામાં આવે છે. પણ, ખાસ કરીને તો હું નાતાલના હિંદીઓનો પ્રતિનિધિ છું. ત્યાં આશરે પાંચ લાખની વસ્તીમાં લગભગ પચાસ હજાર હિંદીઓ છે. ત્યાં સૌથી પહેલા જનાર હિંદીઓ અલબત્ત, મજૂરો હતા, જેમને મદ્રાસ તથા બંગાળમાંથી ત્યાં જુદી જુદી જાગીરોમાં મજૂરી કરવા ગિરમીટ હેઠળ લઈ જવામાં આવ્યા હતા. તેમાં મોટે ભાગે હિંદુ હતા, થોડાક મુસલમાન પણ હતા. તેમણે કરારની મુદત પૂરી કરી, ને ગરમીટમુક્ત થતાં તે જ દેશમાં વસવાનું પસંદ કર્યું, કેમ કે તેમણે જોયું કે વેચવા માટે ફળફૂલ ઉગાડવામાં ને શાકભાજીની ફેરી કરવામાં અહીં મહિને ત્રણચાર પાઉન્ડ રળી શકાય છે. આ રીતે ત્યાં હાલ આશરે ત્રીસ હજાર મુક્ત હિંદીઓ વસે છે, ને બીજા લગભગ સોળ હજાર ગિરમીટ હેઠળ કામ કરે છે. વળી હિંદીઓનો એક બીજો વર્ગ પણ છે. તેઓ મુંબઈ બાજુના મુસલમાનો છે. તેમની વસ્તી આશરે પાંચ હજારની છે. તેઓ વેપારની દૃષ્ટિથી આકર્ષાઈને ત્યાં આવેલા છે. આ પૈકી થોડાક સારું કમાય છે; ઘણા સારા પ્રમાણમાં જમીન ધરાવે છે અને બે વહાણમાલિકો છે. વીસ કે તેથીયે વધારે વરસથી હિંદીઓ એ દેશમાં વસ્યા છે તે વેપારધંધો સારો ચાલતો હોવાથી સંતોષી અને સુખી છે.” “તો પછી, મિ. ગાંધી અત્યારના આ બધા ખળભળાટનું કારણ શું છે?” “માત્ર વેપારી ઈર્ષા. સંસ્થાનની ઇચ્છા હિંદીઓનો મજૂર તરીકે બને તેટલો લાભ લેવાની હતી; કારણ કે દેશના આદિવાસીઓ ખેતરોમાં કામ કરે નહીં અને યુરોપિયનો તે કરી શકે નહીં. પણ જ્યાં હિંદીઓ વેપારી તરીકે યુરોપિયન સાથે હરીફાઈમાં દાખલ થયા, કે તરત વ્યવસ્થિત કનડગતની પતિથી તેમના માર્ગમાં વિઘ્નો નાખવામાં આવ્યાં. તેમનો વિરોધ થવા લાગ્યો અને તેમનું અપમાન થવા લાગ્યું. ધિક્કાર અને દમનની આ લાગણી ધીમે ધીમે સંસ્થાનના કાયદા- કાનૂનોમાં પણ દાખલ થઈ છે. ત્યાં હિંદીઓ વરસોથી વગર હરકતે મતાધિકાર ભોગવતા હતા; બેશક અમુક મિલકત સંબંધી લાયકાતની શરતો હતી ખરી. અને ૧૮૯૪માં ૯,૩૦૯ યુરોપિયન મતદારોની સરખામણીમાં મતદારપત્રકમાં ફક્ત ૨૫૧ હિંદી મતદારો હતા. પરંતુ સરકારને ઓચિંતો વિચાર આવ્યો, અગર તેણે એવો વિચાર આવ્યાનો ડોળ કર્યા, કે એશિયાઈ મતસંખ્યા યુરોપિયન સંખ્યાને દબાવી દે એવો ભય છે. આથી એમણે જેમનું નામ મતદારોની યાદીમાં વાજબી રીતે દાખલ થઈ ચૂકયું હોય તે સિવાયના તમામ એશિયાઈ લોકોનો મતાધિકાર છીનવી લેવા ત્યાંની ધારાસભામાં એક બિલ આપ્યું. આ બિલ સામે હિંદીઓએ નીચલી તથા ઉપલી બંને ધારાસભાને