પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સ્ટેટ્સમૅન પત્રને મુલાકાત વિનંતીપત્ર મોકલ્યાં પણ તેથી કંઈ વળ્યું નહીં અને બિલ પસાર થઈ કાયદો બન્યું. પછી હિંદીઓએ લૉર્ડ રિપનને, જેઓ સંસ્થાન મંત્રી હતા, તેમને વિનંતીપત્ર મોકલ્યું. પરિણામે એ કાયદો હવે રદ થયો છે, ને તેને સ્થાને એવો કાયદો આવ્યો છે કે ‘જે દેશોમાં અત્યાર સુધી પાર્લમેન્ટની પદ્ધતિના મતાધિકારના પાયા ઉપર ચૂંટણી દ્વારા રચાયેલી પ્રતિનિધિસંસ્થાઓ અસ્તિત્વમાં નથી તે દેશોના વતનીઓનાં કે એ વતનીઓના પુરુષ શાખાના વંશજોનાં નામ કોઈ પણ મતદાર યાદીમાં દાખલ કરાવવાને પાત્ર થશે નહીં, સિવાય કે તેઓ અગાઉથી આ કાયદાના અમલમાંથી પોતાને મુક્તિ આપવા ગવર્નર-ઇન-કાઉન્સિલનો હુકમ મેળવે,’ જેમનાં નામ કોઈ મતદાર યાદીમાં વાજબી રીતે દાખલ થઈ ચૂકયાં હોય તેમને પણ આ બિલના અમલમાંથી મુક્તિ મળેલી છે. પ્રથમ આ બિલ મિ. ચેમ્બરલેન સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું અને તેમણે એ લગભગ મંજૂર રાખ્યું છે. છતાં એનો વિરોધ કરવાનું અમને સલાહભરેલું જણાયું, તેથી તેને નામંજૂર કરાવવા માટે અમે મિ. ચેમ્બરલેન પર વિનંતીપત્ર મોકલ્યું છે, અને અમે આશા રાખીએ છીએ કે અત્યાર સુધી અમને જેટલી મદદ મળતી આવી છે તેટલી આ વખતે પણ મળશે.” “તો શું અમારે એમ સમજવું કે નાતાલમાંના હિંદીઓ જેમાંના મોટા ભાગના મજૂરો છે, અને જેમણે પોતાના દેશમાં કદી સ્વતંત્ર સંસ્થાઓમાં જવાની મહત્ત્વાકાંક્ષા ધરાવી ન હોત, તેઓ નાતાલમાં રાજકીય સત્તા ચલાવવા ઇચ્છે છે” મિ. ગાંધી: “બિલકુલ નહીં. સરકારને અને જનતાને અમે જે નિવેદનો કરીએ છીએ તેમાં અત્યંત કાળજી રાખીને અમે જણાવીએ છીએ કે અમારી ચળવળનો એકમાત્ર હેતુ, યુરોપિયન વસ્તીને મુકાબલે, અમારી માન્યતા મુજબ, અમને નીચે ઉતારી પાડવા સારુ અમારા પર જે ચીડવનારાં નિયંત્રણો લાદવામાં આવ્યાં છે તે દૂર કરવાનો છે. હિંદીઓને નાતાલમાં વસવાટ કરતા અટકાવવાના હેતુથી નાતાલ ધારાસભાએ એક બિલ પસાર કર્યું છે, તેનો આશય ગિરમીટિયા હિંદી સંસ્થાનમાં રહે તે બધો વખત તેમને ગિરમીટની શરતોએ જ રાખવાનો છે; અને કરારનાં પહેલાં પાંચ વરસ પૂરાં થતાં જે ગિરમીટિયો નો કરાર ન કરે તો તેને હિંદ પાછો મોકલી દેવામાં આવે, પાછા જવા ના પાડે તો તેણે માથા દીઠ ત્રણ પાઉન્ડનો વાર્ષિક વેરો ભરવો પડે. ૧૮૯૩માં નાતાલથી હિંદ આવેલા એક પ્રતિનિધિમંડળની એકપક્ષી રજૂઆત પરથી, અમારા કમનસીબે, હિંદી સરકારે ફરજિયાત ગિરમીટ કરારનો સિદ્ધાંત સ્વીકારેલો છે. પણ તેની વિરુદ્ધ અમે હિંદની તથા ઇંગ્લંડની સરકારને વિનંતીપત્રો મોકલવાની તજવીજમાં છીએ.” ‘ગોરા વસાહતીઓ નાતાલમાં હિંદીઓની રોજબરોજ પજવણી કરે છે, એ બાબત અમે ઘણું સાંભળ્યું છે,” મુલાકાતીએ મિ. ગાંધીને યાદ આપ્યું. મિ. ગાંધી : “બેશક, અને કાયદો ખુલ્લી રીતે કે છૂપી રીતે કનડગતની આ પદ્ધતિમાં યુરોપિયનોને ટેકો આપે છે. કાયદા કહે છે કે, કોઈ હિંદી ફૂટપાથ પર ન ચાલી શકે, તેણે રસ્તા વચ્ચે થઈને ચાલવું જોઈએ; રેલવેમાં હિંદીથી પહેલા કે બીજા વર્ગમાં મુસાફરી ન થઈ શકે; રાતે નવ વાગ્યા પછી પાસ વગર ઘર બહાર ન નીકળી શકે; જો ઢોર હાંકી જવાં હોય તો પાસ કઢાવવો જોઈએ; ઇત્યાદિ. આ ખાસ કાયદાઓના જુલમની કલ્પના કરો! આવા કાયદાઓના ભંગ માટે હિંદીઓનું અત્યંત પ્રતિષ્ઠિત હિંદીઓનું, તમારી ધારાસભામાં બેસવાની લાયકાતવાળા હિંદીઓનું—પોલીસને હાથે રોજ રોજ અપમાન થાય છે, તેમના પર હુમલા થાય છે ને તેમને પકડવામાં આવે છે. કાયદાનાં આ નિયંત્રણો ઉપરાંત સામાજિક ગેરલાયકાતો પણ છે. ટ્રામગાડીઓમાં, હોટલોમાં અને સ્નાનાગારોમાં કોઈ પણ હિંદીને પેસવા દેતા નથી.’