પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

fષ રૂશિમૅન પત્રને મુલાકાત રેલવેમાં પહેલા કે બીજા વર્ગમાં મુસાફરી કરવાની રજા નથી. એટલે તમે જોશો કે ટ્રાન્સવાલમાં હિંદીઓને સુખચેન નથી. છતાંય જાણે આ બધાં નિયંત્રણો, અરે, અકારણ અપમાનો પૂરતાં ન હોય તેમ, જો મિ. ચેમ્બરલેન દરમિયાનગીરી નહીં કરે તો, હિંદીઓ ફરજિયાત લશ્કરી નોકરીને પાત્ર થશે. લશ્કરી સેવા સંબંધી ટ્રાન્સવાલ અને બ્રિટનને થયેલી સંધિ અનુસાર, તમામ બ્રિટિશ રૈયતને આવી સેવાની ફરજમાંથી મુક્ત રાખવામાં આવી છે; પરંતુ ટ્રાન્સવાલ ફૉકસરાડ (પાર્લ- મેન્ટ)માં એ વિશે વિચારણા ચાલતી હતી ત્યારે એ લોકોએ એવી મતલબનો ઠરાવ ઉમેરી દીધો કે બ્રિટિશ રૈયતનો અર્થ માત્ર ‘ગોરા’ થશે. આ પ્રશ્ન બાબત હિંદીઓએ ઇંગ્લંડની સરકારને વિનંતી- પત્ર મોકલ્યું છે. કેપ સંસ્થાને પણ એ જ રસ્તે ચાલીને હમણાં ઈસ્ટ લંડન મ્યુનિસિપાલિટીને હિંદીઓ વેપાર કરે તે સામે તથા ફૂટપાથ પર ચાલે તે સામે મનાઈ કરવાની અને તેમને અમુક લોકેશનોમાં જ રહેવા માટે ફરજ પાડવાની સત્તા આપી છે. આમ તમે જોશો કે દક્ષિણ આફ્રિકા- માં લગભગ દરેક સ્થળે હિંદીઓને ચારે બાજુથી ઘેરી લેવામાં આવ્યા છે. અને અમે કોઈ ખાસ અધિકારો માગતા નથી, અમે માત્ર ન્યાયી હકોનો દાવો કરીએ છીએ. અમને રાજકીય સત્તાની મહત્ત્વાકાંક્ષા નથી; અમે એટલું જ માગીએ છીએ કે અમને અમારો વેપારધંધો, જેને માટે એક પ્રજા તરીકે અમે ખાસ લાયકાત ધરાવીએ છીએ તે કરવા દેવામાં આવે. આ માગણી અમે માનીએ છીએ કે, વાજબી છે.” “આટલું તો જાણે કષ્ટો વિષે, જે કષ્ટો દક્ષિણ આફ્રિકાભરમાં સર્વસામાન્ય હોય એમ લાગે છે. પણ હવે, મિ. ગાંધી, મને કહો કે ત્યાંનાં ન્યાયાલયોમાં હિંદી વકીલોનું કેમ ચાલે છે?” “ઓહો ! વકીલોને સૉલિસિટરો ગમે તે જાતિના હોય, તેમની વચ્ચે કશો ભેદ નથી. ન્યાયાલયોમાં તો સવાલ એક આવડતનો જ છે. સંસ્થાનમાં વકીલો તો ઘણા છે, પણ એકંદરે વકીલાતની શક્તિની દૃષ્ટિએ એ વર્ગ ત્યાં બહુ ઊંચા પ્રકારનો ન ગણાય. યુરોપિયન વકીલો ત્યાં ઘણા છે; અને એ તો કહેવાની જરૂર જ નથી કે જેમણે ઇંગ્લંડમાં કેળવણી તથા પદવી પ્રાપ્ત કરેલી છે. તેમના જ હાથમાં વકીલાતનો ઇજારો છે. પણ હું ધારું છું કે અમારામાંથી જેમણે ઇંગ્લંડમાં પદવી મેળવી છે તેમને એ પદવી મોટે ભાગે સમાન દરજ્જો અપાવે છે. જેમની પાસે ફક્ત હિંદની જ પદવી છે તેમને માટે ત્યાં કંઈ સ્થાન નથી. હા, હું માનું છું કે, હિંદી વકીલો, જેઓ પોતાના દેશબંધુઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હોય તેમને માટે દક્ષિણ આફ્રિકા- માં સ્થાન છે.” દક્ષિણ આફ્રિકાની રાજકીય બાબતો વિષે મિ. ગાંધીએ બંધાઈ ન જવાનું પસંદ કર્યું. [મૂળ અંગ્રેજી] fધ સ્ટિમૅન, ૧૪-૧૧-૧૮૯૬