પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫
દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ હિંદીઓને પડતાં કષ્ટ

દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ હિંદીઓને પડતાં કષ્ટ ૩૫ નિર્દોષ હિંદી, એ બંને ‘કુલી’ છે, પણ એનું કારણ તો મોટે ભાગે તેઓ જે જાતિમાં પેદા થયા છે તે જાતિ વિશેનું આપણું પ્રમાદજન્ય અજ્ઞાન જ છે. એ ‘કુલી વેપારી’ના દેશમાં જ કાવ્યમય અને રહસ્યમય પુરાણોવાળા બ્રાહ્મણ ધર્મનો ઉદય થયો હતો, એ જ દેશ- માં ચોવીસ સદીઓ પૂર્વે ભગવાન બુદ્ધે આત્મબલિદાનનો જ્વલંત સિદ્ધાંત ઉપદેશ્યો તેમ જ આચરી બતાવ્યો હતો, અને આપણે બોલીએ છીએ તે ભાષાનાં પાયાનાં તત્ત્વોની ખોજ એ જ અદ્ભુત પ્રાચીન દેશનાં મેદાનો તથા પર્વતોમાં થઈ હતી; એનો વિચાર કરીએ ત્યારે આવી પ્રજાનાં સંતાનોને નર્યા જંગલી અને સદંતર અજ્ઞાન પ્રદેશનાં સંતાનો ગણીને તેમની સાથે વર્તવામાં આવે છે, તેથી અફસોસ થયા વિના રહેતો નથી. જેમણે થોડી વાર ઊભા રહીને કોઈ હિંદી વેપારી સાથે વાતચીત કરી હશે તેને કદાચ નવાઈ લાગી હશે કે પોતે કોઈ વિદ્રાન કે સજ્જન સાથે વાત કરી રહ્યા છે. આ નિરભિમાની ને વિનયી વ્યક્તિઓએ મુંબઈ અને મદ્રાસની શાળાઓમાં, હિમાલય પર્વતમાળાની છાયાઓમાં અને પંજાબનાં સપાટ મેદાનોમાં, જ્ઞાન ઝરણામાંથી ધરાઈને જ્ઞાનપાન કર્યાં છે. એમ બને કે એ જ્ઞાન આપણી જરૂરિયાતોને માફક ન હોય, આપણી રુચિ સાથે સુસંગત ન હોય, આપણા વ્યાવહારિક જીવનમાં ઉપયોગી ન નીવડે એવું કાલ્પનિક દેવદેવીઓની કથાઓથી ભરેલું લાગતું હોય, પરંતુ તેમ છતાં એ જ્ઞાન મેળવવા માટે ઑકસફર્ડ કે કેમ્બ્રિજની મહાશાળાઓમાં મળતા જ્ઞાન વાસ્તે જોઈએ તેટલી જ લગની, તેટલી જ સાહિત્યિક અભિ- મુખતા, ને તેથી પણ બહુ વધારે સંવેદનશીલ તથા કલ્પનાશીલ સ્વભાવ આવશ્યક હોય છે. આજે તો હિંદનું એ તત્ત્વજ્ઞાન યુગોની અને પેઢીઓની પરંપરાની ધૂળથી ઝાંખું પડેલું છે; પરંતુ જ્યારે કોષ્ઠ ગણાતા બોઅર તથા શ્રેષ્ઠ ગણાતા અંગ્રેજના પૂર્વજો પોતાનાં દેશનાં જંગલો તથા કર્દમભૂમિ ઉપર વરુ અને રીંછનો શિકાર કરતા ફરવામાં સર્વોચ્ચ આનંદ માણીને સંતોષ માનતા હતા, ત્યારે હિંદનું આ તત્ત્વજ્ઞાન આનંદપૂર્વક શીખવવામાં આવતું હતું. જ્યારે શ્રેષ્ઠ ગણાતા બોઅર ને શ્રેષ્ઠ ગણાતા અંગ્રેજના પૂર્વજોને ઉચ્ચતર જીવનનો ખ્યાલ જ ન હતો, જ્યારે આત્મરક્ષણ જ એમનો પ્રાથમિક કાયદો હતો, જ્યારે પાડોશીના ગામનો નાશ કરવો, એનાં સ્રીબાળકને કેદ પકડવાં એમાં જ એમને ઉત્કટ આનંદ આવતો હતો, ત્યારે હિંદના તત્ત્વજ્ઞાનીઓ હજારેક વર્ષ સુધી જીવનની સમસ્યાઓ સાથે મથામણ કરી થાકી ચૂકયા હતા. અને આજે એ જ જ્ઞાનભૂમિના પુત્રો ‘કુલી’ તરીકે હડધૂત થાય છે ને તેમની સાથે હબસીના જેવો વર્તાવ રાખવામાં આવે છે. હવે એ વખત આવી લાગ્યો છે કે જે લોકો હિંદી વેપારી સામે બુમાટો કરે છે તેમને એ કોણ છે ને કેવું સ્થાન ધરાવે છે તે બતાવવું જોઈએ. હિંદીને વધારેમાં વધારે ઉતારી પાડનાર પૈકી ઘણા બ્રિટિશ પ્રજાજન છે જેઓ એક શાનદાર સમાજમાં તેના સભ્ય તરીકે અધિકારો તથા વિશેષાધિકારો ભોગવે છે. અન્યાય પ્રતિ ધિક્કાર અને ન્યાય માટે પ્રેમ એ તેમના સ્વભાવમાં રહેલાં છે, ને પરદેશી સરકાર તળે હોય કે પોતાની સરકાર તળે હોય, જ્યારે તેમને પોતાને લગતી વાત હોય ત્યારે પોતાના હકો તથા સ્વાતંત્ર્ય વિષે આગ્રહ ધરાવવાની એમની એવી એક પદ્ધતિ છે. કદાચ એમણે કદી એવો ખ્યાલ પણ નહીં કર્યો હોય કે હિંદી વેપારી પણ બ્રિટિશ રૈયત છે અને તે સમાન ન્યાયના ધોરણે એ જ હકો ને સ્વતંત્રતાનો દાવો કરે છે. પામર્સ્ટનના જમાનાના શબ્દો વાપરવાની અમને છૂટ હોય તો, આ બાબતમાં અમે માત્ર એટલું જ કહીશું કે જે હક આપણે બીજાને ન આપીએ તે