પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૬ ઉપયોગ, હિંદીઓ મહારાણી પ્રતિ જે વફાદારી અને રાજભક્તિની ભાવના રાખતા તે વ્યક્ત કરવા માટે કર્યો. આરંભના તે દિવસોમાં બ્રિટિશ સામ્રાજ્ય પ્રત્યે ગાંધીજીનું કેવું વલણ હતું તેનું ઉદાહરણ, ગાંધીજી સહિત એકવીસ જણની સહીવાળું, ચાંદીની ઢાલ પર કોતરેલું, મહારાણી વિકટો- રિયાને મોકલેલું માનપત્ર તથા સંબંધ ધરાવતા બીજા પત્રો પૂરું પાડે છે. ૧૮૯૬–૯૭માં હિંદમાં જે મોટો દુકાળ પડયો તેના સમાચારથી તથા દુકાળ રાહત ફંડ ભેગું કરવાની પ્રવૃત્તિથી ગાંધીજીની પ્રવૃત્તિની દિશા કામચલાઉ બદલાઈ અને તેમણે માનવતાનો એ પોકાર ઝીલી લીધો. પોતાની લાક્ષણિક નિષ્ઠાથી તેઓ ઉઘરાણાના કામમાં મગ્ન થઈ ગયા. નાતાલ તથા ટ્રાન્સવાલના બ્રિટિશ નાગરિકોને અને ડરબનના પાદરી લોકને સંબોધેલી એમની અપીલો તથા સમગ્ર દક્ષિણ આફ્રિકામાં વસતી હિંદી કોમને મોકલેલો પરિપત્ર એ બધું આ ગ્રંથમાં અન્ય સામગ્રી સાથે સામેલ કરવામાં આવ્યું છે. ડરબન બંદર ખાતે ગાંધીજી સામે વિરોધી દેખાવો યોજનારાઓને વચન આપવામાં આવ્યું હતું કે સરકાર હિંદીઓના નાતાલમાં દાખલ થવાના, વેપાર કરવાના, અને વસવાના હકો પર પ્રતિબંધ મૂકતા હિંદી-વિરોધી ધારા ઘડવાનું હાથ ધરશે. આ વચનનું ત્રિવિધ ફળ તે કવૉરેન્ટીન બિલ, વેપારી પરવાના બિલ અને હિંદીઓના પ્રવેશ સંબંધી બિલ. આ નવા કાયદાઓથી બ્રિટિશ સામ્રાજ્યના નાગરિકો તરીકેનો હિંદીઓનો દરેક હક જોખમાયો, આ બિલો સામે ગાંધીજીએ ભારે ઝુંબેશ ચલાવી. વાચક ગ્રંથના લગભગ છેવટના ભાગમાં આવશે ત્યારે, નાતાલ ધારાસભાઓને તથા સામ્રાજ્ય સરકારને મોકલેલી કેટલીક અરજીઓ અને આ બિલોને અનુલક્ષીને દાદાભાઈ નવરોજી, વિલિયમ વેડરબર્ન તેમ જ ઇંગ્લંડ તથા હિંદમાં અન્ય લોકનેતાઓને ગાંધીજીએ લખેલા સામાન્ય તેમ જ અંગત પત્રો તેના જોવામાં આવશે. આ બધાં ખતપત્રો એ દક્ષિણ આફ્રિકામાં હિંદીઓની સ્થિતિ ઉપર થયેલા આ નવા આક્રમણ સામે ગાંધીજીએ કરેલા પ્રબળ પ્રતિકારની અસરકારક નોંધ છે.