પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
1


માનવંતા ભાઈશ્રી,

આંહીંના ભાવનગરના બગીચામાં સિંહની ગર્જનાઓ સંભળાય છે અને તે સાથે જ મારા પ્રવાસનાં સંસ્મરણો લખવાની તમારી આજ્ઞા યાદ આવે છે. એમ થવાનું કારણ એ છે કે ગીરની મુસાફરીમાં એ પાંજરાનિવાસી પશુરાજનાં સગાં-વહાલાંઓએ અધરાત વખતે અમારાં પાદરમાં જ ઊભીને પાડેલી ત્રાડોના ભણકારા હજુ મારા કાનમાંથી શમ્યા નથી. બેશક, એ તીણી મોટી દાઢવાળા વનરાજો મારી સાથે પોતાના આ બંદીવાન પિતરાઈ ઉપર કાંઈ સંદેશો મોકલવા નહોતા આવ્યા, અથવા મારી ચોપાસ મિત્રોના ચોકી પહેરા છતા તેઓનું આગમન અને તેઓના અવાજો મને આ પીલ ગાર્ડનના1 કારાવાસીઓની બૂમો જેવાં કર્ણપ્રિય તો નહોતાં જ લાગતાં. છતાં એનું દૂરથી થતું સહીસલામત સ્મરણ તો જરુર મારા હૃદયમાં અત્યારે ગદ્યના, પદ્યના, ગદ્યાત્મક પદ્યના અને અપદ્યાગદ્યના ઉમળકા જગાડે છે! એટલે પીલ બાગના પાંજરાનો એક સળિયો પણ તૂટવાની ધાસ્તી વિના હું એ ગીરનિવાસી પશુઓના, એને તિરસ્કારથી 'જાનવર' શબ્દ સંબોધનારા બહાદુર માલધારીઓના, અને પથ્થરે પથ્થર કોઈ નિગૂઢ નિઃશબ્દ વાણીમાં પોતાના પ્રાચીન ઇતિહાસ સંભળાવનારાં નદી–પહાડોના સમાચાર આપવા બેસી ગયો છું.

બહારવટિયાનાં રહેઠાણ

હમણાં હમણાં તો ′અરેબિયન નાઇટ્સ′વાળા બાલસખા અલીબાબાની મનોદશા હું અનુભવી રહ્યો છું. ′ખૂલ જા સીસમ′ કહેતાં લોકસાહિત્યની અવનવી ગુફાઓનાં દ્વાર ઊઘડી જાય છે, અને એક ઓરડાની સમૃદ્ધિ જોઈ બીજાની ભૂલી જવા જેવો આનંદ થાય છે. એક બાજુ હું ઓચિંતો આપણાં લગ્નગીતોમાં તલ્લીન થયો છું, બીજી બાજુ 'સોરઠી બહારવટિયા'નો પહેલો ભાગ પ્રગટ થયા પછી પખવાડિયામાં જ એની બીજી આવૃત્તિ છપાવવી શરૂ કરવી પડી છે, એટલે હજુ બમણા-ત્રમણા ભાગનું જે બહારવટાંના ઇતિહાસનું ઉચ્ચતર અને અનેકરંગી સાહિત્ય બાકી છે તેની ઝડપથી શોધ કરી લેવાનો મને ઉત્સાહ ચડ્યો છે. સાથે સાથે ગીર વગેરે પ્રદેશોના પ્રવાસો કરીને બહારવટિયાઓને છુપાવાની જગ્યાઓ તપાસું છું ને એ વિકટ સ્થળોમાં જઈ બહારવટાંનું વાતાવરણ અનુભવવા યત્ન કરું છું. (અલબત્ત, હું બહારવટે ચડું એવી બીક ન રાખતાં!) એ પ્રવાસમાં ચારણ મિત્રો


1 ભાવનગરનો એક સાર્વજનિક બાગ

સૌરાષ્ટ્રના ખંડેરોમાં
9