પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મારી સાથે દિવસરાત પોતાનાં ઘોડાં, ઊંટ ને હથિયારો લઈને કેવી રીતે ભમવા આવે છે, અમે એવી ભયાનક નદીઓમાં જીવને જોખમે ઊતરીને ભોમિયાની ભૂલથાપને લીધે કેવા એકને બદલે બીજી જગ્યા જોવામાં તન તોડીએ છીએ, ‘વેજલ કોઠા’ને બદલે ‘ડાચાફાડ’ ડુંગર ઉપર દોડાદોડ પગ મરડતા ચડીને જેસાજી-વેજાજી1 બહારવટિયાનાં પ્રેતોને કસુંબો પાવાના કેવા વ્યર્થ પ્રયત્ન કરી ‘હીરો ઘોઘે જઈ આવ્યો’નું કથન સાર્થક કરીએ છીએ. એ બધી વાતોનું વિવરણ હું અનુક્રમે આપવા માગું છું, તે એવી આશાએ કે સૌરાષ્ટ્રના પ્રવાસોની એક સબળ ઉત્કંઠા વાચકોમાં જાગ્રત થાય.

સૌરાષ્ટ્રનું મહત્ત્વ

ભાઈ પરમાનંદ કાપડિયા એના નિત્યના મધુર કટાક્ષોમાં મને સંભળાવે છે કે “સારું જ છે કે કુદરત પ્રતિની તારી આટલી પ્રબલ ઊર્મિલતાએ કાઠિયાવાડની બહાર જઈને પશ્ચિમ વગેરે બાજુનાં સૃષ્ટિસૌંદર્ય દીઠાં નથી. દીઠાં હોત તો ખરેખર તારું હૃદય ફાટી જ પડત. કાઠિયાવાડની આછીપાતળી પ્રકૃતિરચના અને સામાન્ય એવી પ્રાચીનતાઓ તને આટલો બહેકાવી મૂકે છે, તો પછી પશ્ચિમ તરફની ભવ્ય મૂર્તિઓ ને વનરાજીઓ સામે તારી છાતી સાબૂત રહી જ ન શકત!” આ વાત સાચી જ છે. સોરઠની લઘુતામાં પણ હું અતિશય રાચું છું. મમત્વનો માર ખરેખર વસમો છે. પરંતુ એ શું છેક મમત્વ જ છે? અહીં ‘એભલ મંડપ’2 અને સાણા3 જેવા પ્રાચીન બૌદ્ધ વિહારો પડયા છે તેનું કેમ? મારા એ પ્રવાસમાં સાણા નામના ડુંગરમાં અખંડ પહાડમાં જ કૈં વર્ષો પૂર્વે કોરી કાઢેલી પચાસ-સાઠ સરસ ગુફાઓ તથા મીઠાં મોતી જેવાં નિર્મળ પાણીનાં મોટાં ટાંકાં, અંદરના એક ખંડમાં ઊભેલો બૌદ્ધ ધર્મનો સ્તૂપ વગેરેનો બનેલો એ સુંદર બૌદ્ધવિહાર આ પત્ર લખતી વેળા મારાથી વિસરાતો નથી. આ જગ્યાનો મોહ તો મને ‘સૌરાષ્ટ્રની રસધાર’ ભાગ પાંચમો લખતી વેળાથી જ લાગ્યો હતો. ‘દેહના ચૂરા’ નામની એ પુસ્તક માંહેલી પ્રેમકથાના દુહાઓમાં રાણા નામનો રબારી પ્રેમિક સાણા ડુંગર પર રહેલો હોવાની વાત પૂછતાં, ચારણ મિત્ર દુલા ભગતે મને એ ગુફાઓનું વર્ણન આપેલું તે મેં એમના પરના વિશ્વાસે જ લખેલું; પરંતુ એમના વર્ણનમાં અતિશયોક્તિ રખેને હોય, એવી ઊંડી શંકા રહ્યા કરતી હતી. વળી ગીરના એ પ્રદેશની સાથે જડાયેલી અનેક સ્નેહકથાઓએ અને ___________________________________


1 જેસાજી ને વેજાજી : જુઓ વાર્તા “ભૂત રૂવે ભેંકાર' (સૌરાષ્ટ્રની રસધાર), અને ‘જેસાજી–વેજાજી' (‘સોરઠી બહારવટિયા’)

2 ભાવનગરથી દક્ષિણે 55 કિલોમીટર પર વસેલા તળાજા ગામને અડીને ઊભેલી ટેકરીઓ પરની ઐતિહાસિક ગુફાઓ પૈકીની એક એભલ મંડપ નામે પ્રસિદ્ધ છે.

૩ સાણો: ગીરની ગિરિમાળાનો એક ડુંગર

10
 


લોકસાહિત્યનાં શોધન-ભ્રમણ