પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નહીં વલોણું વાસમાં, નહીં પરભાતી રાગ,
નાગમદેના નેસમાં કાળા કળેળે કાગ.

એવું બધું સૂનસાન દેખે છે. માત્ર ભાંગી ગયેલ પગવાળો એક પાડો જ ત્યાં પડયો રહ્યો છે, અને એની ડોકે બાંધેલા કાગળિયામાં પ્રેમિકાના હસ્તાક્ષરનો મીઠો દુહો છે કે

નાગ તમાણે નેસ, ભાંગલ પગ ભેંસા તણો,
વા′લાં ગયાં વદેશ, અવધે આવાણું નહીં.

એ ત્રાંબાવરણા તળાવના હિલોળા : વડલાની ઘટા : શ્રીધારના નવ નેસ : માંહી વસેલાં મર્માળાં માનવી : આખી સૃષ્ટિ નજર સમીપે તરવરવા લાગી. પરંતુ ત્યાં તો તુર્ત જ મને દુનિયાદારીના ડહાપણે ધબ્બો લગાવીને શિખામણ દીધી કે ભાઈ! ક્યાંક વિચારવાયુ ઊપડશે! હું ચેતી ગયો, અને નાગ વાળા–નાગમદેની બેવકૂફી પર હસવા યત્ન કરતો કરતો નાગેશ્વરી ભણી ચાલી નીકળ્યો.

સૌરાષ્ટ્રના ખંડેરોમાં
15