પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
2
__________________________________
મર્દાની ભાષા

નાગેશ્વરી ગામ : લોકોએ આ કોમળ શબ્દને ‘નાઘેશરી’ બનાવી દીધો છે. ગલોફાં ભરાઈ ન જાય, અને ગળું ગાજી ન ઊઠે, ત્યાં સુધી શબ્દ શા ખપનો? સૌરાષ્ટ્રીય ભાષાના ઉચ્ચારો નક્કી કરવાનું આવું કાંઈક મર્દાનગીનું ધોરણ હશે. 'મૃગનયની' નહીં, 'મરઘાનેણી'! 'શેત્રુંજી' નહીં, 'શેતલ'! 'ભયંકર' નહીં, 'ભેંકાર'! 'બ્રહ્માંડ' નહીં, ‘વ્રેહમંડ'! 'વૃક્ષ' નહીં, 'રૂખડો'! જેવું આ શબ્દોનું સ્વરૂપ, તેવું જ વાક્યોનું અને વાણીના આખા યે ઝોકનું: ભાઈ શ્રી એન. સી. મહેતા, કે જે અમદાવાદના નિવાસી જણાય છે, અત્યારે આઝમગઢના કલેક્ટર પદે છે, અને કલાસાહિત્યનું ઊંડું અવગાહન ધરાવે છે, તેમણે હમણાં જ પોતાના એક પ્રોત્સાહનભર્યા પત્રમાં રસધારની ભાષાની મીમાંસા કરતાં ચેતવણી ફેંકી છે કે “ગુજરાતી ભાષાથી ચેતીને કામ લેવું; કેમકે આપણી વીર-કથાઓને ઘાતક એવી માંદલી મધુરતામાં ગુજરાતી ભાષા સહેલાઈથી લસરી પડે છે !"1.... પરંતુ આ ભાષાનું પુરાણ હું તમારી પાસે ક્યાં ઉઘાડી બેઠો! એ બધું તમારી નાની-શી હોજરીને નહીં પચે. એ તો કોઈ વૃકોદર સાક્ષરવીરને જ સોંપીએ.

થયું થયું! ક્યાં તમે, ક્યાં એ ઉચ્ચાર-જોડણીનું સાક્ષરી સમરાંગણ, ને ક્યાં આ અંધારમય બાબરિયાવાડનું મથક નાગેશ્વરી!

કોટીલાની વીરકથા

નાગેશ્વરીમાં વરૂ શાખાના બાબરિયા રહે છે. રાજુલા જેમ ધાખડાઓનું, ડેડાણ જેમ કોટીલાઓનું, તેમ નાગેશ્વરી વરૂઓનું અસલી ધામ : બેતાલીસ ગામ બાબરિયાઓનાં, અને તેમાં ધાંખડા, વરૂ, કોટીલા, બોરીચા, ચભાડ, કારિયાળ, ભુવા, વૈયા, ઘુસાંબા, ઘડંઘા... પણ એ શાખાઓનાં નામ વાંચતાં વાંચતાં તમારાં નાનકડાં જડબાં કદાચ ફાટી જશે; કાંઈ નહીં. એવી ઘણી શાખાઓ અહીં વસે છે. આપણને તો આજે આ નામોની કિંમત નથી, પણ જોજો! પરદેશી પંડિતો એક દિવસ એ નામમાંથી પણ ઇતિહાસની સાંકળના અંકોડા ખોળી કાઢશે. પણ તમે પંડિત નથી, રસિક છો; વીરત્વના આશક છો; તેથી ચાલો, તમને તો હું બાબરિયાઓની એકાદ વીરકથા કહી સંભળાવું. રસધાર ભાગ પહેલામાં 'ભોળો

_________________________________________

1 We have to be careful with Gujarati, for it easily lends itself to a sickly sweetness which is fatal to our heroic lore.

16 લોકસાહિત્યનાં શોધન-ભ્રમણ