પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નિવેદન

[પહેલી આવૃત્તિ]

ભાઈ શ્રી અમૃતલાલ શેઠે મને ‘સૌરાષ્ટ્ર'માં મારા પ્રવાસોનું વર્ણન લખવાનું સૂચવ્યું, તેનું આ પ્રથમ પરિણામ છે. બીજાં નિરીક્ષણો લખી રહ્યો છું.

પ્રવાસનાં વર્ણનો છાપાંના બીજા ખબરો જેટલાં ક્ષણિક મહત્ત્વનાં નથી હોતાં, તેમ અમર સાહિત્યને આસને પણ નથી બેસી શકતાં. એનું સ્થાન બંનેની વચ્ચે રહેલું છે. એ વ્યવસ્થિત ઇતિહાસ નથી, વ્યવસ્થિત ભૂગોળ નથી કે વ્યવસ્થિત સમાજના સાહિત્યનું વિવેચન નથી. છતાં તે આ તમામ તત્ત્વોનો મનસ્વી સમુચ્ચય છે: ચિત્રકારની સુરેખ રંગપૂરણી જેવો નહીં, પણ સાંજ-સવારના આકાશમાં રેલાતી અસ્તવ્યસ્ત રંગરેખાઓ સરીખો : અસ્તવ્યસ્ત, છતાં યે ગમે છે.

કાઠિયાવાડની રેલગાડીમાં અથડાતા-પિટાતા અથવા ઊંચા વર્ગના ડબ્બામાં કોઈ સંગાથી વિના કંટાળો અનુભવતા પ્રવાસી ભાઈ અથવા બહેન! તમારા એકાદ-બે કલાકને આ વર્ણન શુદ્ધ દિલારામ દઈ શકે, કાઠિયાવાડ વિશે તમારામાં થોડો રસ, થોડું કૌતુક ઉત્પન્ન કરી શકે, અને એ ક્ષણિક લહેરમાંથી આ પ્રદેશની પુરી ઓળખાણ કરવાની વૃત્તિ જગાડી શકે, તો પ્રવાસી પોતે બગાડેલાં કાગળ-શાહીની સફલતા સમજશે. વધુ ધારણા રાખી નથી.

ઇતિહાસ, ભૂગોળ, સાહિત્ય, સમાજ વગેરે આજે જુદાં જુદાં ચોકઠાંમાં ગોઠવીને શીખવાય છે. એ પદ્ધતિએ શીખનારાઓને પોતાના વતન પર ખરી મમતા નથી ચોંટતી. પ્રવાસ-વર્ણન આ સર્વનું એકીકરણ કરી, થોડા અંગત ઉદ્ગારોની પીંછી ફેરવી, ત્વરિત ગતિએ વાચકોને પોતાની પ્રવાસભૂમિ પર પચરંગી મનોવિહાર કરાવે છે. પાઠ્યપુસ્તકોની એ ઊણપ જો આ યાત્રાવર્ણન થોડે અંશે પણ પૂરશે તો યાત્રિકનો ઉત્સાહ ઔર વધશે.

પ્રાચીનતાનું ખરું દર્શન કરવાની વૃત્તિ રેલગાડીની સગવડોએ મારી નાખી છે. લાંબી, ધીરી, સ્થિર દૃષ્ટિવાળી મુસાફરીઓનો યુગ આથમી ગયો છે. લોક-સમુદાયની સોંસરવા થઈ, તેઓની સાથે જીવન-સમાગમ યોજવાની ઇચ્છા જ હવે આપણામાં રહી નથી. કેવળ દોટાદોટ, ઉપલકિયા દષ્ટિ, ઉતાવળિયાં અનુમાનો અને વહેલો વહેલો કંટાળો : એ આજના ઘણા પ્રવાસીઓની દશા થઈ ગઈ છે.

રેલગાડીનાં ટર્મિનસો વડે જ આપણા પ્રવાસની લંબાઈ મપાય છે. સ્ટેશનોથી દૂર જાણે કે પ્રાચીનતા, જનતા, પ્રકૃતિની રમણીયતા કે પશુ-પક્ષીની દુનિયા વસતી જ નથી! જૂનાગઢ, વેરાવળ, પોરબંદર અને દ્વારિકા એ ચારમાં જ સૌરાષ્ટ્રનો સર્વાગી પરિચય સમાઈ ગયો હોવાની આત્મવંચના ચાલે છે.

આ પાનાં વાટે પ્રવાસી નમ્ર અવાજ આપે છે, કે અંદર પેસીએ. પ્રાચીન સૌરાષ્ટ્રનાં સાચાં ખંડેરો – કવિતા, સાહિત્ય, જનતા વગેરે તમામનાં ખંડેરો – તપાસીએ. કાંઠે બેસીને કદી દરિયા ડોળાયા નથી.

2
લોકસાહિત્યનાં શોધન-ભ્રમણ