પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

________________

માંડી મેઘાણા, તે ભરોસે ભવાઈ,

ખેળા ખાન તણા નત રાવત નાસાડવા.

[ભરોસા નામના ડુંગર પર તેં યુદ્ધ રૂપી નાટક આદર્યું, ને તેમાં તે નવાબના ખેળા (નટો)ને તે નસાડયા.]

ડખડખિયું ડાર, ડાઢાળો ડખિયો નહીં,

ઘરકે ઘુંઘણીયાળ, દળ બે આડો દેવડો

[જેમ વરાહ હંમેશાં પોતાના સામર્થ્યના મદમાં જળાશય ઉપર બે સિંહોની વચ્ચે જ ઊભો રહીને પાણી પીવે છે, તેમ તું પણ, હે તલવાર રૂપી દાતરડીવાળા વરાહ ! બે લશ્કરોની વચ્ચે ઊભો રહી લડયો, તારું કુટુંબ વીંખાઈ ગયું, પણ તું ન ખસ્યો.]

એ રીતે પૂર્વે તો ગરાસિયો ગામ વસાવનારો ગણાતો. પણ અત્યારે એ નિયમ પલટાયો છે. ગરાસિયો જે ગામમાં હોય તે ગામના ભુક્કા થાય. નાગેશ્વરી મને એ નવા નિયમના અપવાદ જેવું લાગ્યું. ગામનું મુખ ઊજળું છે. લગભગ તમામ ઘરનાં આંગણાં ઉજાસ મારે છે. કેમકે ગરાસિયાઓ ખાનદાન છે. ભીમ વરૂ ને કાળુ વરૂ બે ભાઈઓની સુવાસ કોમળ પુષ્પ જેવી લાગી. પૂર્વજોના સંસ્કારના પૂજક ભીમભાઈ તો રોજ કમારિકાઓના પગ ધોઈ ચરણામૃત પીવે છે, ગાયોની સેવામાં તલ્લીન છે, સાધુ સંત કે ગરીબ નિરાધારની અખંડ ચાકરી કરે છે. અતિથિ તો એનો દેવતા છે. સાંભળ્યું કે સગી માતાને સૂગ આવે એવાં લોહી પરૂ ને મળમૂત્ર એ ભીમભાઈએ કોઈ પરદેશી પ્રવાસીના નિરાધાર દેહ પરથી ધોયેલાં હતાં.

કાળમુખો કસુંબો

પરંતુ નાગેશ્વરીને હું પૂછતો ઊભો કે ઓ વીરભોમ! તારા બાબરિયાવાડના જવાંમર્દો ક્યાં અદશ્ય થયા? એ પ્રશ્નનો જવાબ મારે માટે આગળ રાહ જોતો ઊભો હતો. એનો જવાબ છે કાળમુખો કસુંબો! આખે રસ્તે મને એનું વિનાશી સ્વરૂપ દેખાયા કર્યું. એ કસુંબો નથી સમય-કુસમય જોતો, નથી યુવાન-વૃદ્ધ જોતો, નથી પૈસા કે ગરીબી જોતો. એ તો, બસ, પીવાય છે. મરજી પડે ત્યારે પીવાય છે. રડીને, કરગરીને, રિસાઈને, ગોળાનું પાણી હરામ કરવાના ડારા દઈને પણ સામસામો પીવરાવાય છે. રાજુલામાં એક જુવાન ધાંખડો જોયોઃ વીસ વરસનો પડછંદ જુવાનઃ સાચેસાચી ગુલાબી મુખમુદ્રા: ભરપૂર બદન : ગાલ ઉપર હેતપ્રીત ને ભોળપની ચૂમકીઓ ઊપડેઃ દુશ્મનનું પણ દિલ ઠરે એવો જુવાન : એક દસકામાં એ બુઢ્ઢઢો બનશે. એની સંતતિ, સ્ત્રી, જાગીર, તમામ એને બોજારૂપ થઈ પડશે. એ રંગીલા દેહમાંથી પૌરુષ વિદાય લેશે. અફીણને એ ધિક્કારે છે. પણ પિતા ગુજરી જતાં પોતાના ઉપર એ કર્તવ્ય ઊતરેલું માને છે કે અતિથિઓ માટે કસુંબો કાઢવો, ને અતિથિઓના હાથની અંજલિ પણ લેવી! એ વ્યવહાર! બીજાં પીણાંમાં – દારૂમાં, ચામાં, કાવામાં, બીડીમાં વગેરેમાં – તો મીઠાશ છે. સ્વાદનું ને

લોકસાહિત્યનાં શોધન-ભ્રમણ

૧૮


લોકસાહિત્યનાં શોધન-ભ્રમણ