પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ખુમારીનું પ્રલોભન છે. પણ અફીણ તો કડવું ઝેર ! કશું આકર્ષણ ન મળે ! કેવળ વ્યવહાર. કેવળ શિષ્ટાચાર. કેવળ પ્રતિષ્ઠાનું જૂઠું કાટલું !

મને કહેવામાં આવ્યું કે હજુ તો કાંઈ જ નથી. તમે હજુ ક્યાં દીઠું છે ? બાબરિયાવાડમાં આગળ વધો : ચૌદ-ચૌદ, સોળ-સોળ, અઢાર-અઢાર વર્ષના જુવાનોને પિતા પોતે બંધાણ કરાવે છે અને એ અકાળે વૃદ્ધ બનેલા યુવકો, પોતાનાં જ જીવતાં પ્રેતો જેવાં, ડેલીએ બેસી ઝોલાં ખાય છે.

અને આ બધું શા માટે ? એક બંધાણી ભેરૂ કહે કે આંકુશ છે આંકુશ ! આ આંકુશ શું ? ઊછરતો જુવાન ફાટીને બદફેલીમાં ન પડી જાય તે માટેનો અંકુશ. શાબાશ અંકુશની વાતો કરનારાઓ ! ઘોડેસવારીનો, રમતગમતનો, ખેતીના ઉદ્યમનો, લશ્કરી નોકરીનો, શિકારની સહેલગાહનો – એ બધા અંકુશ મરી ગયા પછી આ અફીણ અંકુશનું સ્થાન લ્યે છે ! ને એ અંકુશની આરાધના તે ક્યાં સુધી ! અમારા ભલા ભોળા ને પ્રભુપ્રેમી… ભાઈ પોતાના એક-બે વર્ષના બાળક બેટાને પણ આંગળી ભરીને કસુંબો ચટાડે છે. હું જો જૂનાગઢનો નવાબ હોઉં તો બાબરિયાવાડમાંથી કસુંબાને શોખની કે વ્યવહારની વસ્તુ તરીકે દેશવટો દઉં – પણ એ તો મિયાંના પગની જૂતીવાળી વાત થઈ !

હજુ એક ભયાનક વાત બાકી છે. અફીણની જન્મકેદમાં ફસાઈ જનાર એક હાડપિંજરે મને પેટ ઉઘાડીને વાત કહી – સાચું કારણ કહ્યું – કે શા માટે આ શત્રુ પેઠો છે : હું એની યોજેલી નગ્ન ભાષાને શી રીતે વાપરી શકું ? હું એનો સભ્ય ભાષામાં તરજૂમો કરું છું કે “ભાઈ ! વિષયભોગની તાત્કાલિક વધુ તાકાત પામવાને ખાતર જ સહુ કસુંબો પીવે છે.”

ભલે પીવે ને ભોગવે. મેં સાંભળ્યું છે કે કાકા કાલેલકરની દૃષ્ટિમાં આ બધી વીર જાતિઓનો વિનાશ જ અનિવાર્ય લાગી ગયો છે. ‘ધે હેવ આઉટલિવ્ડ ધેર યુટિલિટી’, એમની ઉપયોગિતા અસ્ત પામી છે. માટે ભલે ઢીંચી ઢીંચીને… ના ના ! મારા મુખમાં એ અભિશાપ શોભતો નથી. ત્યાં સર્વત્ર કેળવણી અને સંસ્કાર જલદી જઈ પહોંચો, એ જ મારી પ્રાર્થના હોવી ઘટે. ભાઈ, તે બાજુ તમારું કામ છે. પણ તમારા કાર્યક્રમમાં સોરઠ ને ગીર ક્યાં છે ? તમારા સૌરાષ્ટ્રનો નકશો એટલે ફક્ત ભાલ… ! જવા દો. તમારા પર હું બહુ ઘાતકી બનતો જાઉં છું, ખરું ? તમારાં મૂઠી હાડકાં કેટલેક પહોંચી શકે ?

પ્રવાસમાં કાવ્યરસ

સારા શહેરની ફિકર લઈને ફરતા પેલા કહેવત માયલા કાજીની પેઠે આ મારા

સંતાપ અને રોષ મારા હૃદયમાં શમાવીને હું આગળ વધ્યો. અને ગીરમાતાની માલણ, ઝૂલાપરી રૂપેણ, ધાંતરવડી વગેરે સુંદર નામની નાની-શી નદીઓ મારા પગમાં રમતી રમતી સામી મળી. સાથેના ચારણ સંગાથીઓ પણ પ્રસંગે પ્રસંગે દુહાઓ વરસાવી પોતાની ગુપ્ત રસજ્ઞતાનું દર્શન મને કરાવતા ચાલ્યા. નદીમાં કોઈ કપડાં ધોવાની રળિયામણી

સૌરાષ્ટ્રના ખંડેરોમાં
19