પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

એ સ્મશાનમાં કાવ્યો સ્ફૂર્યા :

આંઉ વંજો જીરાણમેં, કોરો ઘડો મસાણ,
જેડી થૈ વઈ ઉનજી, એડી થીંદે પાણ.

[હું સ્મશાને ગયો. ત્યાં ચિતા પર મેં કોરો ઘડો દીઠો. ઓ ભાઈઓ, એક દિવસ આપણને પણ એવી જ વીતશે !]

પરંતુ એ તો કેવળ વૈરાગ્ય. ખરી ફિલસૂફી તો આ રહી :

હાલ હૈડા જીરાણમેં શેણાંને કરીયેં સાદ;
મટ્ટી સે મટ્ટી મિલી, (તોય) હોંકારા દીયે હાડ.

[ઓ મારા હૃદય ! ચાલો સ્મશાનમાં ! ત્યાં જઈ સ્વજનને યાદ કરીએ. ભલે એની માટી તો માટીમાં મળી, એનાં હાડકાં તો હજુ પડ્યાં છે ને ? એ હાડકાં ઊઠીને હોંકારો દેશે.]

તુલસીશ્યામ

એવી અમારી રસમંડળી, પ્યારા મિત્ર સાણા ડુંગરને પાછા વળતાં રોકાવાનું વચન આપી, છેટેથી એ બૌદ્ધ યોગીવર સામે જય જય કરીને તુલસીશ્યામ પહોંચી.

આ તુલસીશ્યામ. ચારેય બાજુ ડુંગરા ચોકી ભરે છે અને ડુંગરાની ગાળીઓમાં વનસ્પતિની ઘટા બંધાઈ છે. કેવી એ વનસ્પતિની અટવી ? સૌરાષ્ટ્રીય ભાષામાં કહે છે ‘માણસ હાથતાળી દઈને જાય એવી’ આવી સચોટ અર્થવાહિતાવાળી ભાષાસમૃદ્ધિ કોઈ કોઈ ગુજરાતી વિદ્વાનોનાં નસકોરાં ફુલાવે છે, આ કરતાં યુરોપી ભાષાના તરજુમા ઘુસાડી દેવાનું તેમને વધુ ગમે છે. ખેર, ગુજરાતની તરુણ પ્રજાનાં દિલ વધુ વિશાળ છે, ઓછાં સૂગાળ છે. એ આપણાં સબળ તત્ત્વોને એકદમ અપનાવી રહેલ છે. એ આ વાંચશે ત્યારે તુલસીશ્યામ આવવાનું મન કરશે.

તુલસીશ્યામના ઈતિહાસમાં મને બહુ રસ નથી. પક્ષી બેસે તો મરી જાય એવું ‘મીંઢો હરમ્યો’ નામનું ઝેરી ઝાડવું જ્યાં પૂર્વે હતું, એ ‘મીંઢાના નેસ’ નામના નાના ગામડાનો નિવાસી ચારણ દેવો સતિયો આજથી પાંચસો વર્ષ પૂર્વે ‘લેરિયાના નેસ’ નામે ગામથી પોતાની વરોળ[૧] ભેંસ પર બેસીને ચાલ્યો આવે છે. માર્ગે બરાબર આ ડુંગરા વચ્ચે જ રાત પડે છે. ઘનઘોર અટવી : સામેના રુકિમણી ડુંગર પરથી વાજતે ગાજતે વરઘોડો ચાલ્યો આવે : શૂરવીર ચારણ તલવાર ખેંચી એ પ્રેતસૃષ્ટિને ડારવા ઊભો રહ્યો પણ

જાણે એને કોઈ જ્યોતિ સ્વરૂપે કહ્યું કે દેવા સતિયા ! આંહીં મારી પ્રતિમા નીકળશે. આંહીં એની સ્થાપના કરજે. ચારણ નિદ્રામાં પડ્યો; પ્રભાતે પાંદડાં ઉખેળતાં શ્યામ પ્રતિમા સાંપડી. કંકુ તો નહોતું, પણ ચારણ સદા સિંદૂરની ડાબલી સાથે રાખે: સિંદૂરનું તિલક

  1. 1 વરોળ = ન વીંયાય તેવી.
સૌરાષ્ટ્રના ખંડેરોમાં
21