પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કર્યું (આજ સુધી એ પ્રતિમાને સિંદૂરનું જ તિલક થાય છે) : બાબરિયાઓનું ને ગીરનિવાસી ચારણોનું એ તીર્થધામ થયું : પ્રતિમાજીને નવરાવવા ત્યાં તાતા પાણીનો કુંડ પ્રગટ થયો : એની પાસે જ થઈને નાનું ઝરણું ચાલ્યું જાય છે. તેનું જલ શીતલ, ને આ કુંડનું પાણી તો તો ચૂલા પરના આંધણ જેવું ફળફળતું: પ્રથમ એમાં પોટલી ઝબોળીને પ્રવાસીઓ ચોખા ચોડવતાં : પણ એકવાર કોઈ શિકારીએ માંસ રાંધ્યું. ત્યારથી એની ઉષ્મા ઓછી થઈ છે. હવે એમાં ચોખા નથી ચડતા. પણ એમાં તમે સ્નાન કરો છો એવું ઊનું પાણી તો સદાકાળ રહે છે. કોઈએ કહ્યું કે એમાં દેડકાં પણ જીવતાં જોવામાં આવે છે. એ તો ઠીક, પણ એ પાણીની ગંધનો પાર નથી. કોઈક જ વાર કુંડ સાફ થાય ખરા ને ! તીર્થો ઘણાં ખરાં ગંદકીથી જ ભરેલાં !

તીર્થક્ષેત્રે કૃતં પાપં
વજલેપો ભવિષ્યતિ.

22
લોકસાહિત્યનાં શોધન-ભ્રમણ