પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ચોટલો ઢળકતો મેલી, હાથમાં બેરખો ફેરવતો ઊભો ઊભો, પ્રતિમાજીને બાળકની કાલી મીઠી વાણીમાં ઠપકો દેવા લાગ્યો કે “એ શામજી દાદા ! અમારા એંશી ને ચાર ગામ તો ભાવનગરે આંચકી લીધાં; ઈ તો ખેર ! ભુજાયું ભેટાવીને લેવાશે તો લેશું. પણ તારા કોઠારમાંથી શું અધશેર અનાજની પણ ખોટ્ય આવી, કે મારા ચાલીસ ચાલીસ અસવારોને આઠ-આઠ દિવસની લાંઘણયું ખેંચ્યા પછી રાવલ નદીમાં ઘોડિયુંના એઠા બાજરાની મૂઠી મૂઠી ઘૂઘરી ખાઈને તાંસળી તાંસળી પાણીનો સમાવો કરી ભૂખ મટાડવી પડે !”

આ ઠપકાનો દેનાર જાણે એ મંદિરમાં મારી નજરે તરવરી રહ્યો હતો. પણ આ રાવલ નદીમાં ઘોડાના એઠા બાજરાની ઘૂઘરી ખાવાની વાત શી બની હતી? આપણે તુલસીશ્યામ છોડીને ત્યાં જ આવીએ છીએ. જંગલી બોર જમતા જમતા ઝાડીઓમાં થઈને અમે સહુ રોળ્યકોળ્ય દિવસ રહ્યે રાવલ નદીમાં આવ્યા. ભયંકર નદી : તમ્મર આવવા જેવું થાય તેટલી ઊંચી ભેખડો : ભેખડોના ઉપર પણ ક્યાંક ક્યાંક ડુંગરા બેઠેલા : ભેખડોના પેટાળમાં ઘટાટોપ ઝાડી : બંને બાજુ એવી જમાવટ : વચ્ચે ચાલી જાય કોઈ વાર્તાલાપ માંહેની અબોલા રાણી જેવી રાવલ નદી. અમારાં ઊંટ-ઘોડાં જ્યાં ડગલે ડગલે આવરદાની ઇતિશ્રી અનુભવતાં ઊતર્યા, ત્યાં એક સો વર્ષ પૂર્વે જોગીદાસ બહારવટિયાની અસલ કાઠી ઘોડીઓ હરણાંની માફક રૂમઝૂમતી ચાલી આવી હશે. સંધ્યાનો સમય : જોગીદાસ હાથપગ ધોઈ સૂરજના જાપ કરવા બેઠો : ઘોડીઓ મોકળી ચરવા લાગી : નાનેરા ભાઈ ભાણ ખુમાણની આંખો ઊઠેલી તેના ઉપર દવા તરીકે ચોપડવા માટે વાલ જેટલું અફીણ પણ ચાલીસમાંથી એકેયના ખડિયામાંથી ન નીકળ્યું તેવા દોહ્યલા દિવસો : ચાલીસે કાઠીને આઠ દિવસની લગભગ લાંઘણો : એમાં એક કાઠીએ ઘોડીઓના ચાલીસ પાવરા ખંખેર્યા: કોઈક દિવસ ઘોડીઓને જોગાણ મળ્યું હશે તે વખતે પાવરામાં ચોંટી રહેલ, ઘોડીઓનો એઠો ચપટી ચપટી જે બાજરો, તેને ઉખેડી ઉખેડી, પલાળી, તાંસળીમાં બાફી ટેઢવા રાંધ્યા : ખોઈ ભરીને કાઠીએ મૂઠી મૂઠી સહુને વહેંચ્યું: “લ્યો જોગીદાસ ખુમાણ, આ ટેઠવા, મૂઠી મૂઠી સહુ ખાઈએ તો પેટમાં બબે તાંસળી પાણીનો સમાવો થાય.”

બહારવટાંના જતિધર્મ

પણ આ જોગીદાસની ઘટનાનું તો આડું ફણસવું ફાટ્યું. અમે તો રાવલ નદીમાં એક બીજા જ બહારવટિયાની મુલાકાતે આવેલા: અમે આવેલા વેજલ કોઠો જોવા : વેજલ કોઠો એટલે અમદાવાદના પાદશાહ મહમ્મદશાહ સામે બહારવટે નીકળેલા સરવૈયા બે ભાઈ જેસાજી-વેજાજીનું ગુપ્ત રહેઠાણ. આ બહારવટિયાઓની રોમાંચકારી વાતો મેં સાંભળી હતી. પાંચમી 'રસધાર’માં ‘ભૂત રૂવે ભેંકાર'1વાળી કથાને અંતે જે બે ભાઈઓ માંગડા ભૂતના મહેમાન બની માયાવી પ્રેત-કિલ્લામાં રાત રહે છે, ને માંગડાને સદ્ગતિએ


1 ભૂત રૂવે ભેંકાર' (સૌરાષ્ટ્રની રસધાર)એ વાર્તા ઉપરાંત જેસાજી-વેજાજીનું વૃત્તાંત ('સોરઠી બહારવટિયા').

24
લોક્સાહિત્ય્નાં શોધન-ભ્રમણ