પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પહોંચાડે છે, તે જ આ જેસાજી-વેજાજી : એણે બહુ બહુ દુ:ખો સહન કર્યા હતાં: બહારવટાંમાં એણે યતિ જેવા આચાર પાળ્યા હતા: પંચકેશ વધાર્યા હતા : પોતાના અંગ પરની ઝીણી એક જૂ પણ નાખી ન દેતાં ડગલામાં રાખી હતી. કહે છે કે એ જેને બાન પકડી જતાં, તેને તોબાહ પોકારાવવા માટે ફક્ત આ ડગલા જ પહેરાવી દેતા ! બંદીવાન એ ટોલાઓના દંશથી ત્રાહિ પોકારી જતો; જ્યારે બહારવટિયા તે નિરંતર પહેરી રાખતા. એથી વધુ વિસ્મયકારી દેહદમન અને આત્મભોગનું દૃષ્ટાંત તો જેસા-વેજાના કાકા ગંગદાસજી બહારવટિયાનું : એની પીઠ પર એક પાઠું પડી ગયેલું. પાઠામાં જીવડાં પડ્યાં : પણ જીવડાંને કાઢીને નાખી તો દેવાય નહિઃ તેમજ પોતાનો દેહ પણ જીવડાં ખાઈ જાય એ બને નહિ : તેથી રોજ એ પાઠામાં ઘઉંના લોટના પીંડા ભરે : જીવડાંને એ લોટ ખવરાવી નભાવે : ને પોતે શરીર બચાવી બહારવટાં ખેડે : આખરે એ રઝળપાટમાં એક સમયે લોટ ન મળ્યો. જીવડાંની વેદનાનો પાર ન રહ્યો. પાછળ પાદશાહી ફોજ ગાજતી આવે છે: નાસી છૂટવા લાઇલાજ બનેલા ગંગદાસ કાકાએ પોતાનું માથું શત્રુને હાથ ન જાય તે નોકને ખાતર બેટા વેજાજીને હાથે પોતાનો શિરચ્છેદ કરાવ્યો, વગેરે બધું વૃત્તાંત તો સવિસ્તર ‘સોરઠી બહારવટિયા'ના બીજા ભાગમાં આપીશ.2

સંકટની મીઠપ

વેજલ કોઠો જોવાની અમારી આતુરતાને આ સૂર્યાસ્ત થઈ જશે તેની કશી પરવા ન રહી. અને અમારા અડબૂત ભોમિયાએ અમને આંગળી ચીંધી બતાવી દીધું કે આ સામે રહ્યો જે ડુંગરો તે ઉપર છે વેજલ કોઠો : તું ચાલ, તું અમને બતાવ: ના, હું અહીં તમારાં ઊંટ-ઘોડાં સાચવું છુંઃ ચડ જા બચ્ચા સૂલી પર! એવો મામલો થયો: નદીની ભેખડ પર ઊભો થયેલો ભયાનક ડુંગરોઃ બાજુએથી અમે ચડવા લાગ્યા: અરધે જતાં જ અમારા લેરખડા દુહાગીર ભાઈ થાક્યા, અને “ભાઈ, જેસાજી-વેજાજી મળે તો રામ રામ કહીને કસુંબો પીવા તેડતા આવજો !' એટલું બોલીને એ ડૂકેલા ભાઈએ ત્યાં જ આસન વાળ્યું. અમે ઉપર ચડ્યા. પગ મરડાય તેની પરવા નહિ : વેજલ કોઠો કયે દહાડે ફરી જોશું! ચોમેર ફરી વળ્યા : પણ વેજલ કોઠો ક્યાંયે ન દીઠો : “જેસા–વેજા ! જેસાજીવેજાજી !' એવી બૂમો પાડી; પણ કોઈએ જવાબ ન દીધો. ફક્ત નીચે રાવલ નદી જ અમારી બેવકૂફીનાં ચાંદુડિયા પાડતી ચાલી જાય છે. નદીની બાજુએથી જ અમે નીચા ઊતરવાનું સાહસ કર્યું. ગીચ ઝાડી : ગબડીએ તેવો ઊભો ઢોળાવઃ એક ઝાડ પરથી અંગ પડતું મેલી બીજા ઝાડને ઝાલી લઈએ. સારું થયું કે કોઈ સૂકી ડાળી હાથમાં ન આવી, નહીં તો એ બેટ વૃક્ષોનાં ફૂલ બની છેક રાવલમાં જ અમે ઝિલાત ! અંધારે અંધારે આવી વિકટ હાલત, અને તેની વચ્ચે પણ દુલાભાઈનું મધ સરીખું ગળું દુહે ને ભજને વગડો તરબોળ કરતું આવે ! એ ભજન તો હું કદી નહીં ભૂલું : એના શબ્દો આપું છું, પણ એનું સંગીત કેવી રીતે સંભળાવું !

સૌરાષ્ટ્રના ખંડેરોમાં
25