પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આપણું સોરઠી ભજન-સાહિત્ય ઘણી ઘણી રેખાઓ વડે દેદીપ્યમાન છે. એને ગાવાની જૂજવી જૂજવી શૈલીઓ છે : રામાનંદી, કબીરપંથી, માર્ગી વગેરે સંપ્રદાયના બાવાઓ ગાય છે તેનાથી પરજિયા ચારણોની હલક અનેરી જ હોય છે. પહેલામાં રૂમઝૂમાટ, અવાજ કરતી તીવ્રતા, ઢોલક, મંજીરાં ને તંબૂર જેવાં વાદ્યોની અત્યંત ચંચલ નૃત્યમયતા ને માદકતા છે. શબ્દોનો મરોડ પણ તેવો જ બંધાય છે :ત્યારે 'પરજિયા' ચારણનું ગળું મેઘ જેવા ગંભીર નાદે ધીરે ધીરે, ઊંડા કોઈ પાતાળમાંથી ગાજી ઊઠે છે. એમાં દોડધામ નથી, ધીરી ગજગતિ છે. વાદ્યોની વિપુલતાને તો એ પરજનાં ભજનોમાં સ્થાન જ નથી. બસ, એક જ એકતારો તંબૂરો, ને એક જ મંજીરાની જોડલી : સાંભળતાં સાંભળતાં સાચી લહેર આવે : વાસનાઓ નિર્વેદભરી મધુરતા અનુભવે : દૃષ્ટિ અનહદમાં ચડે : એવા એક ધાના ભગત નામના ચારણને કૈ કૈ રાતો સુધી હડાળામાં બાપુ વાજસૂર વાળાને ઘેર સાંભળેલા, ને બીજા સાંભળ્યા આ દુલાભાઈ તથા તેમના સાથીઓને.

પણ થયું, વળી તમે વઢશો કે હું પ્રવાસ વર્ણવતો કાવ્યમાં માથું મારી બેઠો ! કવિતાનો પણ સન્નિપાત જ છે ખરો ને ! તેમાં યે વળી કવિતાના પડઘા જગવતું એ અરણ્ય. અંધારે અમે એ રાવળકાંઠાના પેટાળમાં પથરાયેલું જંગલ વીંધતા ઊપડ્યા. થોડેક જ ગયા ત્યાં આંકડા ભીડીને ઊભેલી એ વનસ્પતિએ 'નો રૂમ, પ્લીઝ'ની નિશાની કરી. ઘણું મથ્યા, પણ જાણે કે વનરાજોની કોઈ ગેબી કચારીમાં જવાના અધિકારની અમને ના પાડતી એ ઝાડીએ આખરે અમને પાછા જ ધકેલ્યા. અંધારે સીધા નદીના અજાણ્યા પ્રવાહમાં લપસણી શિલાઓ પર સાવધ ડગલાં દેતાં અમારાં ડાહ્યાં પશુઓએ આખરે અધરાત પહેલાં અમને કિનારા પર ક્ષેમકુશળ ચડાવી દીધાં. અને માનવવસ્તીના ઝાંખા દીવા ઝબૂકવા લાગ્યા. ઊંચી ઊંચી ભેખડો ઉપર ત્રણ-ચાર ઝૂમખાંમાં વહેંચાઈને માલધારીઓનાં નેસડાં પડેલાં હતાં. એ બધાં ઝૂમખાંનું નામ શીખલકુબાનો નેસ. એમાંથી એક ઘરને આંગણે અમે અતિથિ બન્યા.

નેસડાનું જીવન

'અતિથિ! અતિથિી !' ઝંખ્યા કરનારા અને અતિથિ વિદાય લે ત્યારે અંતરેથી રુદન કરનારા એવા રબારી ભાઈઓ મધરાતના મહેમાનોથી તો મોટા ઉત્સવ જેવો આનંદ માને. અમે જ્યારે એમને અમારા રાવલ નદી માયલા સાહસની વાતો કરી, ત્યારે તેઓના મહોંમાંથી એક જ વાક્ય નીકળ્યું કે તમે નવે અવતાર આવ્યા છો ! અમને કહેવામાં આવ્યું કે જે માર્ગે અમે ચાલ્યા આવ્યા ત્યાં ઝુંડે ઝુંડે સાવજ-દીપડાના વસવાટ છે. મને થયું કે આ કોઈ રીતે ખોટનો વેપાર નથી થયો. બચ્યા તો છીએ અકસ્માત-દૈવેચ્છાએ, પણ બડાઈ તો મારવા થશે કે સિંહોની વચ્ચે રઝળી આવ્યા છીએ!

નેસડાં એટલે જંગલી લાકડાં ખોડીને કાંટા, પાંદડાં ને ડાળીઓ વડે છાજેલાં છાપરાં. એક રસોડું ને બીજું શયનગૃહ. બધાં યે બારણાં વિનાનાં, પવનને ઝપાટે બલૂન બની

સૌરાષ્ટ્રના ખંડેરોમાં