પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મોટી ગીર, પાંચાળ, ઓખા મંડળ, સૌરાષ્ટ્રનો સાગર-તીર, તમામ પ્રદેશોનું આવું જ અવલોકન આપવાની ધારણા રાખી છે. નકશાની ઊણપ પણ પૂરવાની ઉમેદ છે.

આ પ્રવાસ કરાવનાર યુવાન ચારણ મિત્ર ભાઈશ્રી દુલા ભગતનો અને એની મિત્રમંડળીનો હું અતિ ઋણી થયો છું.

ભાવનગર : 9-5'28
ઝવેરચંદ મેઘાણી
 

[બીજી આવૃત્તિ]

પહેલી આવૃત્તિના લખાણમાં નવાં ચાલીસ પાનાંનું લેખન ઉમેર્યું છે.

આ નવાં ઉમેરેલ પ્રકરણો પૈકી પ્રકરણ-7માં સતાધારની જગ્યાના સંત આપા ગીગાને વિશે જે ઉલ્લેખ છે તેમાં નીચે મુજબ સુધારો કરવાની જરૂર છે :

સતાધારની જગ્યાનો સુયશ વર્ણવતાં મેં ત્રણ મુદ્દા લખ્યા છે :

1. જગ્યાના સ્થાપક સંત ગીગા સોરઠની, હલકી મુસલમાન ગણાતી ગધઈ કોમમાં પેદા થયેલા છતાં લોકસમસ્તના સેવક ને પૂજ્ય બન્યા.

2. સંત ગીગાનાં, પતિએ ત્યજેલાં માતા લાખુબાઈને ચલાળાના આપા દાનાએ આશરો આપેલ ત્યારે એમને કોઈ કુકર્મી સાધુથી ગર્ભ રહેલો, લાખુબાઈ કૂવે પડવા જતાં હતાં, પણ આપા દાનાએ ઉગાર્યા, ગીગા ભગતનો જન્મ થયો ને માતા-પુત્ર બંને સંતપદે સ્થપાયાં.

આ વાતો મેં મારા 'સોરઠી સંતો'ના સંગ્રહને આધારે લખેલી. પ્રવાસોમાંથી અનેક મુખે સાંભળી એકઠી કરેલી આ વાતો હતી. સૌરાષ્ટ્રનાં ખંડેરોમાંમાં આ બધું બતાવીને સતાધારના એ સંતની પવિત્ર સ્મૃતિઓ નોંધવાનો, તેમજ સોરઠના લોકસંસ્કારની અંદર રહેલી દિલાવર ધર્મભાવના ઉપર પ્રકાશ પાડવાનો મારો હેતુ હતો.

પણ આ સંબંધમાં ગધઈ કોમના એક સુશિક્ષિત સ્નેહી ભાઈ ઇસ્માઇલ ભાભાભાઈ ગધઈ મને સુધારા લખી જણાવે છે કે –

(1) સંત ગીગાના જન્મ વિશેની વાત બનાવટી છે, ને કોઈ ભળતા પક્ષોએ ફેલાયેલી છે. એના પુરાવા અમારા બારોટોના ચોપડામાં મોજૂદ છે.

(2) ગધઈ કોમ હલકી નથી ગણાતી. એ એક લડાયક કોમ છે. એ કોમમાં બહાદુર ટેકીલા પુરુષો પાક્યા છે. અત્યારે પણ મોટો ભાગ સિપાહીગીરી કરનારો છે. અમારી જ્ઞાતિ પર કોઈ પણ મહાન કલંક આવેલું નથી. વળી ઈસ્લામી ધર્મમાં ઊંચનીચના ભેદ નથી. અમે ગામડામાં રહીએ છીએ ને હિન્દુ ભાઈઓ જોડે કુટુંબ જેવો વ્યવહાર રાખીએ છીએ. અમારા જ્ઞાતિભાઈઓએ પોતાના જીવના જોખમે આજ સુધી અનેક હિન્દુ ભાઈઓને લૂંટાતા અટકાવ્યા છે.

આ ઉપરાંત ભાઈ શ્રી ઈસ્માઈલ ભાભાભાઈ સંત ગીગાની લોકસેવાના, ક્ષમાભાવનાના, તેમજ સહિષ્ણુતાના કેટલાક સરસ કિસ્સાઓ લખી મોકલે છે :

આપા ગીગાને ઇસ્લામી ધર્મનું અભિમાન ન હતું તેમ સૂગ પણ નહોતી. તે તો સંત હતા, અને સારી આલમનાં માણસોને પોતાનાં ભાઈભાંડું ગણતા. કોઈ પણ ગરીબ અપંગ અને અશક્તને ભાળતા તો સેવા કરવા મંડી જતા.

ઢોરની બીમારીના પોતે ઇલમી હોઈ કેટલાક ભરવાડ રબારી માલધારીઓને ઢોરનું વૈદક શીખવેલું.

સૌરાષ્ટ્રના ખંડેરોમાં
3