પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જાય તેવાં એ ઘર. પોતાને રહેવાની જગ્યા એટલી બધી જાહલ, પણ પોતાનાં પ્યારાં પશુઓની આસપાસ તો અત્યંત મજબૂત ઝોકનો બંદોબસ્ત : સાવજ છલંગ મારીને અંદર ન પડે એવી ઊંચી ઊંચી કાંટાની વાડ્યો : બાકી તો કદાપિ જો સિંહ અંદર દાખલ થઈ જાય, તો તો આખે આખી ગાય અથવા મોટી પાડીને પણ જડબાંમાં ઉપાડી એ શિકારના શરીર વતી પોતાના માર્ગમાં આવનારી દીવાલ જમીનદોસ્ત કરતો ચાહે તેવી જોરાવર વાડ્ય સોંસરવો એ નીકળી જ જાય ! અથવા તો સાવજ વાડ્યના ઓથે બહાર ઊભો રહી એવી તો કારમી વાણ્ય નાખે – એટલે કે નસકોરામાંથી એવો તો ફૂંફાડો બોલાવે, કે ભયભીત પશુઓ ભાન ભૂલી વાડ્ય ભાંગી બહાર નીકળે, એટલે સાવજભાઈ નિરાંતે વાળુ જમે ! આવી જંગલ-જીવનની કૈં કૈ ચાવીઓની વાતો સાંભળતાં સાંભળતાં અમે એ રૂડા મોંવાળી રબારણ બહેનના હાથના ઊના ઊના રોટલા ને દૂધનું વાળુ કર્યું. નેસડાની ચોખ્ખાઈ વિશે સાંભળેલી વાતો નજરે દીઠી. એ લીંપણ, એ છાજણ, છાશની ગોળી, બધાં વાસણ અને રોટલા : તમામની સુઘડતાએ મને આપણાં સંસ્કારી ઘરોમાં ચાકરની વાટ જોતાં એઠાં વાસણો, ચાના સરંજામ, સ્ટવમાંથી ઊડેલા ગ્યાસલેટ વડે છંટાયેલી જમીન વગેરેનું સ્મરણ દેવરાવ્યું. બાકી તો ગામડાંની ચોખ્ખાઈ પણ આજે માત્ર કવિતામાં અને આવા નેસડામાં જ રહી છે. પણ એ નેસડામાં બળતાં હરીકેન ફાનસની ઝગારા મારતી ચોખ્ખાઈ કેમ ભૂલી શકાય? ફાનસના શોધનાર પુરુષને પણ વારંવાર ધન્યવાદ દીધો. વાવાઝોડાંનાં ઝપાટા વચ્ચે હિંસક પ્રાણીઓનાં જડબામાં રહેનાર આ નેસવાસીઓને હરીકેન ફાનસ તો અણમૂલ આશીર્વાદ સમ થઈ પડેલ છે.

સાવજ ન મરાય

"ભાઈ ! તમે પાકું ઘર કાં નથી બાંધી લેતા?”

“બાંધ્યે શો ફાયદો? આજે આંહી છીએ, તો કાલે વળી ઘાસચારાની તાણ્ય પડતાં કોણ જાણે ક્યાં જઈ પડશું. અને વળી અમારી ગેરહાજરીમાં આંહીં ખોરડાને કોઈ રહેવા જ શાના આપે?”

"તો પછી આવાં તકલાદી લાકડાં કેમ વાપરો છો? ગીરમાં ક્યાં મજબૂત ઝાડની ખોટ છે?”

"અરે ભાઈ, જંગલખાતાવાળા મારી નાખે ના ! અમને સૂકલ લાકડાં જ લેવાની છૂટ છે. લીલી એક ડાળખી તોડી દેખે તો દંડ ફટકારે. વળી સૂકું-લીલું નક્કી કરવું એ પણ એના જ હાથમાં રહ્યું.”

“તમે હથિયારના પરવાના કાં માગતા નથી?”

"પરવાના મળે જ નહીં. ને મળે તો પણ હથિયાર શા ખપનાં? સાવજ-દીપડાને તો લાકડીએથી મારવાની પણ મનાઈ છે નવાબ સરકારની.”

"તમારો જીવ બચાવવા માટે પણ મારવાની મનાઈ?”

28
લોકસાહિત્યનાં શોધન-ભ્રમણ