પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

'તરિયા રૂઠી!'

ઊતરીને રાવલની વેકુરીમાં આરામ લીધો. આરામ પણ દુહા વિનાનો નહોતો. રાવલના ખોળામાં બેઠેલા ચારણભાઈને પોતાની ભેંસો સાંભરી. જીવનના વિચારો જાગ્યા, કોઈ ભૂતકાળનો દુખિયારો ચારણ સાંભર્યો. અને એ ચારણે પોતાની મરી ખૂટેલી ભેંસોના વિજોગકાળે નદીના નીરને કરેલું ભેદક સંબોધન સાંભર્યું :

મેયું માગ ન દેતીયું, રૂંધતીયું આરા,
(હવે) જળ જાંબુર તણાં (તમે) માણો મછિયારા!

[ઓ જાંબુર નદીનાં નીર ! એક સમયે તો મારી હાથણી જેવી ભેંસો તમારી અંદર બેસીને તમારા કિનારા રૂંધી રાખતી. તમને વહેવા જેટલી પણ જગ્યા નહોતી રહેવા દેતી. આજે એ ચાલી ગઈ છે. હવે સુખેથી તમે ગુલતાન કરો. હવે તમને કોઈ નહીં રોકે!]

સૂરનળા વોંકળામાં પથ્થરના ખડક વચ્ચે થઈને પાણીના પ્રવાહે એક સરખો માર્ગ કાપી લીધો છે. એને ભીમની ચૂલ્ય કહેવામાં આવે છે. કોઈ કારીગરે કંડારી હોય તેવી એ ચીરાડ જોઈને દુહાનું સુભાષિત મિત્રોની સ્મૃતિમાંથી ઊઠ્યું કે

ટાઢી અગનિ વન ડસે, જળ પથરા વેરન્ત;
તરિયા રૂઠી જે કરે (તે) દૈવે નહિ કરન્ત!

[ટાઢી અગ્નિ – એટલે હિમ – આખા જંગલને ભરખી ખાય. અને પાણી પથ્થરને પણ વેરી નાખે. ઓહો ! અબળા લેખાતી ત્રિયા જ્યારે રૂઠે છે, ત્યારે કેવો કોપ બતાવે છે ! વિધિ પણ એવું ન કરી શકે !]

કોઈ ઘરસંસારના દાઝેલા દોસ્તોને આ દુહો ખપ લાગશે એમ સમજીને પ્રવાસવર્ણનમાં એને દાખલ કરું છું. મને સ્ત્રી જાતિનો શત્રુ ઠરાવવા જેવો ધ્વનિ તો આમાંથી નથી નીકળતો ને, એટલું તમે વકીલની ઝીણવટથી જોઈ લીધા પછી જ છાપજો, ભાઈ ! જમાનો બારીક છે – વકીલની બુદ્ધિ જેવો : રૂઠેલી ત્રિયા જેવો!

નેસડામાં ચા-પ્રકોપ

ભાઈ સુલેમાને જમાડેલી બ્રાહ્મણિયા મીઠી રસોઈ અને ગીર પ્રવાસની બધી યે લજ્જત બળીને ભસ્મ થઈ જાય તેવો ચા-દેવીનો પ્રકોપ ત્યાં નજરોનજર દીઠો. અફીણ અને કસુંબાને વિસરાવી દે તેવું સામ્રાજ્ય તો ગીરમાં ચાનું ચાલી રહ્યું છે એ વાત જાણી નહોતી. ગામડામાં તો હોટલો પેઠી છે, ને હોટલોને બંધ દ્વારે પરોઢિયે ઢેઢ-ભંગીઓ વાસણ ધરી બેઠા હોય છે, તે ખબર હતી. નેસડામાં એ દાવાનળ લાગેલ પહેલવહેલો દીઠો. ને એ ચા પણ કેવી? પશ્ચિમની આદતોને જો આપણે પશ્ચિમવાસીઓની સંયમી રીતે પાળી શક્યા હોત તો તો કંઈક ઠીક હતું. પરંતુ આ ચા તો સારી એવી રસોઈ તૈયાર થઈ

સૌરાષ્ટ્રના ખંડેરોમાં
33