પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જાય એટલો સમય સુધી ચૂલા પર પાકી પાકીને રાતીચોળ થાય છે, બબ્બે ત્રણ-ત્રણ પ્યાલા પીવાય છે.(પ્યાલા-રકાબીઓ નેસડામાં વસી ચૂક્યા છે.) જેટલા પરોણા નેસડે થઈને નીકળે તેટલી વાર ચા કઢાય છે, પરોણો રોકાય તો મધરાતે પણ પિરસાય છે. છોકરાં, યુવાનો ને બુઢ્ઢાઓ, સહુ તેટલી વાર ઢીંચ્યે જાય છે. અને એ ચાનો સરંજામ આવે છે ક્યાંથી? પાંચ-સાત ગાઉ પરના મોટા ગામડામાંથી ખોજા કે લોહાણા વેપારીઓ આવીને ભેંસોના ઘીના ડબેડબા મનમાન્યા ભાવે લઈ જઈને તેના દામના બદલામાં સાકર, ચા વગેરે ચીજો મનફાવતે મૂલે હિસાબ કરીને મોકલી આપે છે. મેં બરાબર વિશ્વાસપૂર્વકની વાત સાંભળી કે વરસોવરસ અક્કેક ઘર ઉપર આજ એ નેસવાસીઓને ચા-સાકરનાં 250થી 300 રૂ.નું ખર્ચ ચડે છે! વિષના પ્યાલા આટલે મોંઘે મૂલે વેચાતા લઈને હોંશે હોંશે પીવાય છે. હું નથી કહેતો, દાક્તરો કહે છે કે ચૂલે એક પળ ઘડી રહેતી ચા પણ ઝેર જન્માવે છે. આંહીં તો કલાક સુધી ખદખદાવી ચાને પાકી કરાય છે, આ વિષપ્રચાર અટકાવવાની કોઈની તાકાત નથી. આખા કાઠિયાવાડમાં કોઈ અંધારો ખૂણો પણ એમાંથી બચ્યો નથી. નેસવાસી પુરુષોની પડછંદ કાયાઓ ઉપર એ વિષપાનની અસર જોતાં શ્વાસ ઊંચા ચડે છે. વીસમી સદીના કાળની અદાલતમાં આખા કાઠિયાવાડને જાણે કે જૂની કોઈ ન્યાયપદ્ધતિ અનુસાર રિબાવી રિબાવીને ઠાર મારવાની સજા મળી છે. આપણે દોષ કાઢીએ છીએ પશ્ચિમની વસ્તુનો અથવા પ્રથાનો. વિવેકભ્રષ્ટ ને અવળચંડો ઉપયોગ કરનારા તો આપણે પોતે જ છીએ. સોરઠના કોઈ પ્રેમીને આ વિચાર શું વલોવી નાખતો નથી?

નાંદીવેલાના શિખર પર

રબારી નેસવાસીઓને રામરામ કરી, માંગડા ડુંગર તરફ વળતાં રસ્તામાં ડાબા હાથ પર ડુંગરા-ડુંગરીઓની કોઈ વિકરાળ પલટન લઈને મૂંગી વ્યૂહરચના કરતો ઊભેલો સહુથી ઊંચો સેનાપતિ પહાડ નાંદીવેલો દીઠો. સાચેસાચ કોઈ સેનાધ્યક્ષના નિગૂઢ ઊંડા અંતઃકરણ સરખી જ જટિલ અટવી નાંદીવેલાના કલેવરમાં પથરાઈ રહી છે. અને એની પાસે ઊભી છે નાંદીવેલી ડુંગરી, એ ડુંગરી નથી, વિષમ ડુંગર જ છે; પણ નાંદીવેલાથી નીચેરી : બાજુમાં જ જાણે યજ્ઞ-વેદી સન્મુખ પતિ સાથે બેઠેલી: અને વળી સ્તન સરીખા લાગતા બે પ્રચંડ પાષાણો બરાબર વક્ષમાં જ ગોઠવાયેલા: એ પરથી લોકોએ એને નાંદીવેલા પર્વતની અર્ધાગનાનું પદ આપેલું છે. કોઈ કૂડાઈથી ભરેલા માનવીની માફક નાંદીવેલો પણ નિર્જન જ પડ્યો છે. એનો વિશ્વાસ કરીને કોઈ માણસો ત્યાં રહી શકતાં નથી. કેમકે એના અંતરમાં સ્નેહનાં જળઝરણાં નથી. લોકો ધીરે સ્વરે બોલે છે કે એ અટવીમાં એક નાંદીગરજી નામના અવધૂત વસે છે, ને રસ્તો ભૂલેલા તૃષાતુર પ્રવાસીને હોઠે પાણી સીંચી માર્ગ બતાવે છે. પાપીના હૃદયમાં પણ કોઈ કોઈ વાર ઝબૂકી જતાં પુણ્ય-પરમાણુ જેવો એકાદ તપસ્વી એ પહાડમાં પડ્યો હોય તો નવાઈ નથી.

34
લોકસાહિત્યનાં શોધન-ભ્રમણ