પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ચલાળામાં જગ્યા બાંધી રહેલા ત્યારે ખાખી બાવાઓ, આપા દેવાના ચડાવ્યા, સંત ગીગા પાસે માલપૂડાની રસોઈ માગવા આવેલા. સંત કહે કે નિયમ મુજબ અપાતું હોય તેટલું જ આપીશ, આ પરથી ખાખીઓએ સંતને અસહ્ય માર માર્યો. મરચાંના તોબરા ચડાવ્યા. તે વખતે સંતના ત્રણ-ચાર ગધઈ રક્ષકો હતા તે ખાખીઓની ખબર લેવા દોડી આવ્યા. તેમને વારીને સંતે કહ્યું કે અમારી ત્યાગીની તકરારમાં કોઈએ વચ્ચે આવવાની જરૂર નથી.

ખાખીઓએ સંતને મરચાંના તોબરા ચડાવ્યા અને એ મરી જાય તેટલી હદ સુધી વાત ગઈ ત્યારે અમરેલી ખબર પહોંચાડતાં ત્યાંથી પોલીસપાર્ટી આવી, ખાખીની આખી જમાતને અમરેલી ઉપાડી જવામાં આવી. સૂબા મીર સાહેબ જ્યારે સંતને પૂછવા લાગ્યા ત્યારે તેમણે જવાબ દીધો કે 'અમારી વેરાગીની તકરારમાં પડવાની તમારે જરૂર નથી. મને કદાચ મારી નાખ્યો હોત તો ય મારે શું પડ્યું રહેવાનું હતું!'

મીર સાહેબે આ ક્ષમાબુદ્ધિથી ખુશ થઈ સંતને પહેરામણી કરી તો તે કપડાં સંતે ખાખીની જમાતના નાગડાને જ આપી દીધાં.

અમરેલીના પ્રખ્યાત સૈયદ અવલમિયાં બાપુને કસ્બાના મુસલમાનોએ ઉશ્કેર્યા કે એક મુસલમાન ગધઈ અહીં આવ્યો છે, તે ઈસ્લામી ધર્મથી વિરુદ્ધ ચાલે છે વગેરે વગેરે. આવી ઉશ્કેરણીને પરિણામે એક દિવસ કસ્બાના તમામ મુસલમાનો તેમજ અવલમિયાં સૈયદ સંત ગીગાને મુકામે ચડી આવ્યા. ત્યાં વાતચીતમાં સંત ગીગાની બિનકોમી સમદષ્ટિ અને શુદ્ધ સેવાભાવ વિશે અવલમિયાં સૈયદને સત્ય સમજાયું. તેમણે મુસ્લિમોને સમજાવ્યું કે સંત ગીગાની કોઈ છેડતી કરશો ના. એ તો અશક્તો-ગરીબોની સેવા કરે છે, ને સેવા જ માલિકને સહુથી વધુ પ્યારી છે. એવા ખુદાના બંદાની ખોદણી કરનાર દોજખના અધિકારી થશે, વગેરે વગેરે.

ઉપર લખી હકીકતો સંત ગીગાના જીવન પ્રત્યે વધુ ને વધુ સન્માન જન્માવે છે. ગીગાનું સતાધાર સોરઠના જૂના કાળમાં નવયુગના કોઈ પણ માનવપ્રેમી સેવાશ્રમનું કાર્ય ઉઠાવનારું ધામ હતું.

ગધઈ કોમ સોરઠની એક શૂરવીર સિપાહી કોમ છે એ તો મારી જાતમાહિતીની વાત છે, કોમ તરીકે કોઈ પણ કોમ એક બીજાથી હલકી હોઈ શકે જ નહીં. મુસ્લિમોમાં ગધઈ કોમનું સમાન સ્થાન છે તે જાણી આનંદ થાય છે.

સંત ગીગાના જન્મની હકીકત સાચી ધારેલી ત્યારે પણ એ હકીકતમાં મેં એક ઉદાર લોકભાવનાનું દર્શન કરેલું. માનવીને મહાન બનાવનાર એનો જન્મ નથી પણ એની માનવતા, વીરતા, પવિત્રતા છે. અને એ પાપ હતું, તો કોનું હતું? ન સ્ત્રીનું, ન બાલકનું.

પણ એ આખી વાત જ જો બનાવટી ઠરે છે, તો તો કોઈ સવાલ જ રહેતો નથી. ઇસ્માઇલભાઈએ મોકલેલ વિગતો આમ છે :

સંત ગીગાના પિતાનું નામ અલીભાઈ માતાનું નામ સુરઈ. રહેવાસી તોરી રામપુરાનાં.

સોરઠમાં ભયંકર દુકાળ પડતાં, ત્રાસ ત્રાસ વર્તેલો. પોતાનાં ઢોરને ઉગારવા માટે સંત ગીગાનો પિતા બાઈ સુરઈને સગર્ભા મૂકીને જતો રહેલો. બાઈ પોતાના કોઈ સગાને ત્યાં ચલાળા જવા નીકળ્યાં. રસ્તે શાપુર ગામે આવતાં બાઈને દીકરો અવતર્યો.

આ વાતની જાણ શાપુરના ગરાસિયા અમરાભાઈને થતાં તેણે મા-દીકરાને રક્ષણમાં લીધાં. બાલક દોઢ-બે માસનો થયો ત્યાં સુધી પોષણ કર્યું. પણ દુષ્કાળનો દાવાનળ ભયાનક હતો. એટલે અમરાભાઈએ મા-દીકરાને રાજગોર હરખજી મહારાજ જોડે ચલાલે મોકલ્યા. ચલાળા પણ દુષ્કાળમાં કંપતું હોઈ આ મહેમાનોને જોઈ સુરીબાઈનાં સગાંનાં મોં કાળાં થઈ ગયાં.

4
લોકસાહિત્યનાં શોધન-ભ્રમણ