પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પરથી સંધ્યાને સમે ઠેકડો મારીને નીચે ઊતરી જનારી, અને પછી એકલવાયી, ભયભીત, ઉગ્ર પ્રીતિના તાપમાં તપતી તરુણ પદ્માવતીએ જે દિવસે અદશ્ય માંગડા વાળાને –

ઊંચે સળગ્યો આભ, નીચે ધરતીના ધડા,
ઓલવવાને આવ, વેલો ધાંત્રવડા ધણી!

- એવા ઘોર અવાજ દીધા હશે, તે દિવસે અટવી અને ડુંગરમાળ કેવી કારમી ચીસ પાડી કાંપી ઊઠી હશે ! 'માંગડા'ની કથા માંહેલા દુહામાં ભરેલો વિલાપ મને બીજી કોઈ સોરઠી કવિતામાં નથી દેખાયો. એ દહાઓની બાંધણી સહુથી વધુ ભાવવાહક દીસે છે. ફરી ફરી બોલતાં તૃપ્તિ થતી જ નથી. જાણે કે કોઈ અત્યંત જલદ વાસનાના એ પ્રેતસ્વરો છે.

વાઘેર બહારટિયો

પાસે જ વહે છે માલણ નદી. માલણને સામે કાંઠે ગાયકવાડ સરકારનું કંટાળા ગામ છે. એ ગામના એકસો વર્ષની ઉમ્મરનો એક હજામ હજી જીવે છે. કોઈ ખંડેરોમાંથી પસાર થતા પવનના ગમગીન, અસ્પષ્ટ સુસવાટાની માફક એ બુઝર્ગની પડી ખળભળી ગયેલી દેહશક્તિઓમાંથી એંશી વરસનો સ્મરણ-સ્વર સંભળાયો કે “મૂળુ માણેક નામનો પ્રખ્યાત વાઘેર બહારવટિયો પોતાની ટુકડી સાથે સાત દિવસ સુધી આ માંગડાના ડુંગર પર પડાવ નાખી રહ્યો હતો અને એણે પોતાના કાકા જોધા માણેકનું કારજ પણ આંહીં જ કર્યું હતું. મારી ઉમ્મર તે દિવસે દસ-બાર વરસ હશે : હું એ બહારવટિયાને માટે રોજ બે વાર રોટલા ઉપાડીને ડુંગર પર પહોંચાડવા જતો : એનું રૂપ મને યાદ છે : માથા પર લાંબા વાળનો ચોટલો, મોં પર ઘાટા કાતરા, અને જબ્બર ઘાટીલું શરીર હતું: બહારવટિયો બહુ જ થોડું બોલતો : છાનોમાનો બેસી રહેતો. રોજ સવારે એનો એક સીદી બે ખંભે બે મશક લઈને, હાથમાં બંદૂક સોતો, માલણનું પાણી ભરવા ઊતરતો, અને એ બંને મશકો ભરીને બેધડક પાછો બધા જોતા તેમ ડુંગરા પર ચડી જતો.”

ગીરની ભેંસો

કંટાળા ગામના રામ નોળ નામના એક આહીર ગરાસિયાને ઘેર ખરેખરી નામી ભેંસોનું આખું ખાડું જોવા મળ્યું. ગીરના માતેલા સાવજોની સામે સંગ્રામ માંડનારી જે ભેંસો વિશે સાંભળેલું તે ત્યાં નજરે જોઈ. એની કેટલી કેટલી જુદી સાખો પડી છે, તેનું એક રમૂજભર્યું તેમજ ભેંસોની ખરી મહત્તાના વર્ણનવાળું ચારણી ગીત પણ રચાઈ ગયું છે. અને ભેરી નાદે ગાજતા ગળાવાળા એક બારોટજીએ આબાદ રીતે એ વર્ણન કરી બતાવ્યું: કવિ કહે છે કે –

38
લોકસાહિત્યનાં શોધન-ભ્રમણ