પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ગીત-જાંગડું]

ગણાં નામ કુંઢી તણાં નાગલું, ગોટકયું,
નેત્રમું, નાનક્યું, શીંગ નમણાં;
ગીણલું, ભૂતડું, ભોજ, છોગાળિયું,
બીનડું, હાથણી ગજાં બમણાં.

[કુંઢી ભેંસોનાં નામો ગણી બતાવું: નાગલી, ગોટકી, નેત્રમ, નાનકી, નમણાં શીંગવાળી ગીણલી, ભૂતડી, છોગાળી: બીનડી કે જેના પરિમાણ હાથણી જેવાં છે.]

ભીલીયું, ખાવડ્યું, બોઘડું, ભૂરિયું
પૂતળું, ઢીંગલું નામ પ્રાજા;
ભગરીયું, વેગડયું, વાલમ્યું, ભાલમ્યું,
રાણ ખાડુ તણાં જાણ રાજા.

કંટાળતા નહીં હજુ થોડાં નામ બાકી છે :

દાડમું, મીણલું, હોડકું, દડકલું
ગેલીયું, મુંગલું, રૂપ ગણીએ;
સાંઢીયું, બાપલ્યું, ધાખ ને સાકરું,
પાડ ગાડદ તણા કેમ ગણીએ !

અને પછી તો ભેંસોનાં રૂપ રૂપનાં ભભકતાં વર્ણન છૂટે છેઃ સાંભળતાં તો કોઈ ભેંસઘેલા કાઠી ચારણના કેડિયાની કસો તૂટવા લાગી!

ઓપતાં કાળીયું શીંગ આંટાળીયું
ભાળીયું પીંગલાં આઉ ભારે;
ધડા મચરાળીયું ડુંગરા ઢાળીયું
હાલીયું ગાળીયું ખડાં હારે.

[કાળા રંગે ઓપતી, આંટાળાં શીંગે શોભતી, વજનદાર પીંગલાં આઉવાળી એ ભેંસો ડુંગરા તરફ ખીણોમાં પોતાની ખડેલી પાડીઓ સાથે ચાલી.]

હાલીયું પારવાં પરે હેતાળીયું
ઝરે પરનાળીયું મેઘ જેવા;
દાખતાં વીરડા જેમ દૂધાળીયું
મોંઘ મૂલાળીયું દીએ મેવા.

[પાડાંઓ (બચ્ચાં) ઉપર હેત કરતી ચાલી. મેઘની ધારા જેવી. તો જેના દૂધની શેડ્યો ઝરે છે, અને જેના દૂધના તો જાણે વીરડા ભરાય એવી ઘી-માખણના મેવા દેનારી મહામૂલી ભેંસો ચાલી.]

ભેંસો, ઘોડા, ઊંટ, તલવાર, બંદૂક વગેરેનાં આવાં વર્ણન-કાવ્યો વડે ચારણી સાહિત્ય આજ પણ ભરપૂર છે. ચારણ બારોટો આવાં બયાન કરવામાં સિદ્ધહસ્ત હોય છે, કેમકે

સૌરાષ્ટ્રના ખંડેરોમાં
39