પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ચારણી ખજાનો

ગ્રામ્યજીવનનાં આવાં ગૌરવ-ગીત : ભેંસોને પણ એ અમરત્વ આપે. એમાંથી ગ્રામ્યવાસીઓનું વીરત્વ આકાર ધરે છે. ગરીબ માલધારીઓને, બલકે પશુઓને સુધ્ધાં એવા રોમાંચકારી બિરદે બિરદાવતી એ ચારણ-સંસ્થા આજે ભ્રષ્ટ થઈ છે. અને બીજી બાજુ આવાં ગીત રચનાર તથા પ્રાચીન ઇતિહાસની ગાથાઓ કંઠે રાખનાર, હકીકતોના ખજાના જેવા ચારણ રાવળો ટપોટપ મરવા લાગ્યા છે. ડોળિયા ગામના વૃદ્ધ રાવળ ગીગા ભગતને મળું. 'મળું, મળું' કરતાં તો એણે પ્રાણ તજ્યા ને એની સાથે એની આપ-રચી ઉચ્ચ કાવ્યધારા પણ ગઈ. એનો ઈતિહાસ-ભંડાર પણ ગયો. સામત રાવલ નામનો એક પુરાતની વહીવંચો પણ બાબરિયાવાડની જૂની ને બારીક માહિતી સાથે ઓચિંતો અદશ્ય થયો. નવી ઓલાદે એવા બુઝર્ગો પાસેથી જૂનો વારસો મેળવી લેવાની પરવા ન કરી, અને મારા જેવાને હવે એ વાતનો સદાનો ઓરતો કરવો રહ્યો. એવા લોકોનો ઉપયોગ આપણી કોઈ સાહિત્ય સંસ્થાએ ન કર્યો. તો પછી ફોર્બસ સભા જેવી લાખોના વહીવટ કરતી સંસ્થાને સ્થાન ક્યાં છે? દસ 'રાસમાળા' ભરી શકાય એટલી સામગ્રીનો આવી કોઈ 'સભા'એ લગારે ભાવ નથી મૂક્યો. અને તો પછી 'ચારણો ખુશામદખોર થઈ ગયા' એવી ફરિયાદ કરવાનો અધિકાર પણ આપણને ક્યાં રહ્યો છે ! ટુકડો રોટલાને ખાતર પોતાની રત્ન જેવી કવિતાને ચાહે તેવા નાલાયક માણસ પર ઢોળવા જતાં બુદ્ધિશાળી ચારણો બારોટોને આત્મગૌરવ અને સત્યપરતાની રોટલી પૂરી પાડવા આજે ક્યાં કોઈ તૈયાર છે ! છતે સાધન પણ આ ચારણ-બારોટનું સ્થાન ભ્રષ્ટ થતું દેખીને ઇતિહાસ-સામગ્રીના એક મહાન વિનાશનો આપણને જતે દહાડે પસ્તાવો થશે, તે વાત વિચારતાં વિચારતાં દાઝે બળતાં આટલું લખી જવાય છે, ભાઈ !

42
લોકસાહિત્યનાં શોધન-ભ્રમણ