પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

6


સાણો ડુંગર

ચારણી કાવ્યોના ધ્વંસની કથની વધુ ન લંબાવતાં હું તમને એક વધુ મોટા કાવ્યનો વિનાશ બતાવવા હવે લઈ જાઉં છું. શબ્દોમાં ગૂંથેલું નહીં, પણ પથ્થરોમાં કંડારેલું મહાકાવ્ય : ચારણી ગીત-છંદો કરતાં યે શતકો જૂનું એ કાવ્ય: સૌરાષ્ટ્રીય તવારીખના સુયશ-કાળનો એ અબોલ સાક્ષી : સાણા ડુંગરનો બૌદ્ધ વિહાર: દુર દુરથી એ કાળા ડુંગરની ગુફાઓ દેખાઈ, અને દિલ જાણે ઊંટ પરથી કુદકો મારીને મોખરે દોડવા લાગ્યું. નાની-શી નદીને કાંઠે, ગીરના તમામ ડુંગરોથી નિરાળો એકલ દશામાં ઊભેલો એ સાણો શિહોરના ડુંગરાથી યે નીચેરો અને નાજુક છે. વચ્ચે વિશાળ ચોગાન છે, અને બંને બાજુથી જાણે કોઈ રાજમહેલની અટારીઓ ચડી છે. ગુફાઓ! ગુફાઓ! જ્યાં નજર કરો ત્યાં ગુફાઓ! છેક નીચેથી તે ટોચ સુધી સંપૂર્ણ હવા-પ્રકાશ આવી શકે તેવી બાંધણીના એમાં ઓરડા ઉતાર્યા છે. ઠેકઠેકાણે ઓરડાની બાજુમાં પાણીનાં મોટાં મોટાં ટાંકાં કોરી કાઢેલાં છે. ટાંકામાં ડુંગર પરનું પાણી ખાસ કોતરેલી સરવાણીઓ વાટે ચોમાસે ચાલ્યું આવતું હશે. કદી કોઈએ એ ટાંકા ઉલેચ્યાં નહીં હોય, છતાં પાણીમાં નથી દુર્ગધ કે નથી કુસ્વાદઃ એ ખાતરી અમે સ્વયં પીને કરેલી છે. એક ગુફાથી બીજી ગુફા ચડવા-ઊતરવાનાં પગથિયાં કોતરેલાં છે. સ્થંભોવાળી રૂપાળી ગુફાઓના એકસરખા અચ્છી કારીગરીવાળા ઘાટ છે. એવી પચાસ જેટલી ગુફાઓ. અને એ બધું નક્કર કઠોર પાષાણમાંથી જ કોતરી કાઢેલું છે. જાણે મીણના પીંડામાં કરેલી એ કરામત છે.

હેડમ્બ-મહેલ

કયા કાળમાં અને કોણે વસાવ્યું હશે આ વિદ્યાલય? કોણે કરાવેલ હશે? કાંઈ સાબિતી કે સાક્ષી નથી. શિલાલેખ નથી. કેવળ લોકવાયકા જ ચાલી રહી છે કે પાંડવોએ આ સ્થળ વસાવ્યું હશે. લોકો તો જ્યાં જ્યાં મહત્ પરિમાણ ને પ્રાચીનતા ભાળે ત્યાં ત્યાં મહાભારતનો જ સાંધો સંધાડે. લોકો કહે છે કે આ ગીરનું જંગલ એટલે હેડમ્બવન: આંહીં હતાં હેડમ્બા રાક્ષસીનાં રાજપાટ : એક દિવસ પાંડવો દેશવટે અહીં આવ્યા અને ભીમ અને હેડમ્બાના હસ્તમેળાપ થયા પછી હેડમ્બાએ પોતાના પ્રભાવથી આખો ડુંગર માખણનો બનાવી દીધો, ને રાતોરાત પાંડવોએ એ માખણની અંદર આ રાજપ્રાસાદની રચના કરી કાઢી : એક વિશાળ ખંડ, કે જ્યાં ચાર સ્થંભો અને ચોપાસ બાંકડા

સૌરાષ્ટ્રના ખંડેરોમાં
43