પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જેવી બેઠક કંડારેલ છે તેને લોકો 'ભીમ-ચોરી' કહે છે. બીજા એક સ્થળને લોકો 'ગાંધારીનો રાજમહેલ' કહી ઓળખાવે છે. ત્રીજી એક ભવ્ય ગુફાને ‘હાથી થાન' નામ આપે છે, પરંતુ લોકોની આંખો આડેથી મહાભારતનું પડળ અળગું કરવાની ખેવના કોઈએ નથી કરી. બૌદ્ધ સ્થાપત્યનું ઉપરછલું જ્ઞાન લઈને જનાર મુસાફર પણ બીજા એક ખંડમાં જઈને કહી શકશે કે આ શિવલિંગ નથી, પણ સ્તૂપ છે, અથવા તો ચાર સ્થંભવાળી એ ચોખંડી જગ્યા કોઈ બૌદ્ધ ધર્મવિધિની સાથે સંકળાયેલી છે. ખરી વાત તો આ છે કે દસ વરસ પહેલાં સુધી તો એ સ્થળ રેલવે-માર્ગથી ત્રીસ-પાંત્રીસ ગાઉને અંતરે પડેલું હોવાથી એક ઇતિહાસપ્રેમીએ ભાગ્યે જ એની યાત્રા કરેલી હશે. વૉટ્સન જેવો સમર્થ તવારીખ-નવેશ પણ પોતાના ગેઝેટિયરમાં આ સાણાને પાંચ પંક્તિના એક તુચ્છ ફકરાથી જ પતાવી નાખે છે :

વૉટસનનો મત

"સાણાનો ડુંગર ઉનાથી ઉત્તરે સોળ માઈલ, વાંકિયાથી ઉત્તરે એક માઈલ, અને ડેડાણથી નૈરુત્યે દસ માઈલ ઉપર છે. ડુંગરાની પાસે થઈને રૂપેણ નદી વહે છે. ડુંગરાની બંને બાજુમાં બૌદ્ધ મતવાળાઓની આશરે સાઠ ગુફાઓ છે. સંભવ છે કે વલ્લભી ધ્રુવસેન પહેલાની બહેન દુદાએ બૌદ્ધ મઠ સ્થાપ્યો તે આ સાણાની ગુફઓ હશે. ગુફાઓમાં પાણીનાં ટાંકાંઓ ઘણાં છે અને કોતરકામ બહુ જ સારું છે. અહીં કંઈ લેખ નથી તે ઉપરથી એ ક્યારે થઈ તે નક્કી કરી શકાતું નથી.”

બસ, આટલો જ ઉલ્લેખ છે. અને તે સિવાય કોઈએ કાંઈ લખ્યું જણાતું નથી.

નધણિયાતી જગ્યા

'વલ્લભીપુરનાં ખંડેર' નામે ઓળખાતી સપાટ ભોંમાંથી એકાદ સિક્કો શોધવામાં રસ લેનારાઓ આ ઇતિહાસના આકૃતિમાનું ઉચ્ચાર સ્વરૂપ સાણાને તપાસવા નથી ગયા લાગતા. ત્યાં સરહદ છે જૂનાગઢના નવાબની કે જેને ઘેર આજે ઇતિહાસનું કશું માહાત્મ્ય નથી. બીજી બાજુ, એ ડુંગરનો કબજો છે વાંકિયા નામના ગામના કોટીલા તાલુકદારોનો, કે જેને મન સાણા ઉપર ભેંસોને ખવરાવવા માટે ભર બે ભર ઘાસ ઊગ્યા સિવાય તો એની કશી મહત્તા નથી. ત્યાં જનારા પ્રવાસીઓ તો મુખ્યત્વે કરીને હોય છે માલધારીઓ, કે જેને ચોમાસામાં ગુફાઓની અંદર પોતાનાં ઢોર સાથે ઓથ લઈને રહેવા સિવાય એની અન્ય કશી વધુ કિંમત નથી. આજે ત્યાં એ કારણે તો ચાંચડની બૂમ બોલે છે. મુસાફરી બહાર નીકળી એક કલાક સુધી પોતાના શરીર પરથી ચાંચડને જ ખંખેર્યા કરે છે. બીજા યાત્રાળુ એક હાથીરામ નામના બાવાજી છે, કે જેણે ઊંચે ઊંચે મજલે એક મોટો વિભાગ રોકી લઈ ગુફાઓ પર બારસાખ બારણાં ચડાવી લીધાં છે, લીંપણ-ગૂંપણ કરાવ્યું છે, બે ચેલા ને ત્રણ ત્રિશૂળ વડે કોઈ દેવી માતાની સ્થાપના કરી દીધી છે, યાત્રાનો મહિમા

44
લોકસાહિત્યનાં શોધન-ભ્રમણ