પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ચાલુ કર્યો છે, ટાંકાંના પાણી વડે એક ઊંચો બગીચો પણ ઉઝેરી નાખ્યો છે. છેલ્લાં સોળ વર્ષથી એ સુપાત્ર આહીર સાધુ સાણાની સંભાળ રાખી ત્યાં રમણીયતા પાથરી રહેલ છે, પરંતુ એને બૌદ્ધ ઇતિહાસનાં પગલાં પિછાનવાનું ક્યાંથી સૂઝે? ત્યારે ત્રીજા પ્રવાસીઓ તો રહ્યો સંહારવાદી બહારવટિયા! એવા અતિથિઓની મહેમાની કરતો આ સાણો પહાડ કેટલાં કેટલાં વર્ષોથી પોતાનું અંતઃકરણ ઉકેલવા આવનારા કોઈ ઇતિહાસપ્રેમીની વ્યર્થ વાટ જોતો ઊભો છે! જો ઇતિહાસની તમામ રેખાઓ ઉકેલી શકનાર કોઈ ઇતિહાસવેત્તા ત્યાં જઈ ચડે, તો એક દષ્ટિપાત કરતાં જ એને 'સાણો' પોતાનું અંતર ઉઘાડીને કૈં કૈં કાળની કથાઓ કહી નાખે એવું છે.

વિનાશ

બાકી આજે તો એ વિહારના આખા ને આખા સ્થંભો, દીવાલોના પથ્થરો, પેલો સ્તૂપ, નિસરણીનાં પગથિયાં વગેરે તમામને છીપાં (ચામાચીડિયાં) કરડી ખાય છે. પ્રવાસીઓ સાક્ષી પૂરે છે કે ગઈ કાલે અખંડ ઊભેલા એ સ્થંભો આજે છીપાંના જઠરમાં હોમાઈ હોમાઈને પોણા અરધા કે પા ભાગ જેટલા વિકૃત બનીને લટકી રહ્યા છે. અને આવી જ નિરાધાર હાલત થોડાં વરસ ચાલુ રહેતાં એ બાંધણીનો બધો ઘાટઘૂટ અદશ્ય બની જવાનો. એલીફંટા કે કારલા કે અજન્તા જેવું કશું ય શિલ્પ-સ્થાપત્ય એમાં ભલે નહોતું કે ન હોય, છતાં સોરઠી તવારીખના એક સીમાસ્થંભની મહત્તાની તો એને ના નહીં પાડી શકાય; પરંતુ આપણે ત્યાં ઇતિહાસ-પ્રેમીઓ ક્યાં છે? શહેરી સંગ્રહસ્થાનોના શીળા ઓરડામાં બેસીને આરામથી ઇતિહાસ લખનારાઓને સાણો ડુંગર હજુ યે જાણે સો ગાઉ દૂર થઈ પડે છે.

ધર્માલય

આજે તો એની આસપાસ સપાટ ખેતરો છે, પણ જ્યારે એ બંધાયો હશે ત્યારે તો ત્યાં ગીરની ઘોર ઝાડી જ હોવી જોઈએ. સોરઠી ઇતિહાસની એ બૌદ્ધ સમયની જાહોજલાલીમાં કષાય વસ્ત્રધારી સાધુઓના કંઠમાંથી ઝરતાં ધર્મસ્તોત્રો વડે રોજ પ્રાતઃકાળે આ પહાડી ગુફાઓ ગાજતી હશે. ગુફાએ ગુફાએ પીતવરણાં વસ્ત્રોની ધર્મપતાકાઓ ફરફરતી હશે. એક સામટા પાંચસો સાધુઓ જ્યારે ધ્યાન ધરીને નિર્વાણની નિગૂઢ સમસ્યાઓ ઉકેલવા બેસી જતા હશે, ત્યારે એ એકત્રિત મૌન જગત પર શાંતિનાં ને સંયમનાં કેવાં બલવાન આંદોલનો વિસ્તારવા લાગતું હશે!

દિલમાં થાય છે કે સાણાને ફરીવાર વસાવવો જોઈએ. સાધુઓને માટે ફરીવાર ત્યાં વિદ્યાપીઠ સ્થાપવી જોઈએ. અને આજે ગરીબ જનતાને ભોગે પોતાની ઇંદ્રિયોની લોલુપતા સંતોષતા, શહેર-નગરોની સગવડો છોડવાની ના પાડતા, અને ત્યાગ-સંયમના માર્ગો પરથી ચલાયમાન થઈ રહેલા ભેખધારીઓને ફરજિયાત ચાતુર્માસ રહેવા સાણામાં

સૌરાષ્ટ્રના ખંડેરોમાં
45