પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

એ સ્થિતિમાં સંત આપા દાનાએ કાળનો સામનો કરવા મોટું અનાથ આશ્રમ શરૂ કરેલું, એટલે એમણે હસતે મોંએ મા-દીકરાને આશરે લીધાં.

ગીગાને સંત દાનાએ પુત્ર સમ પાળ્યો. ગીગાએ તથા માએ સંતની નેક-ટેકથી સેવા કરી. ગીગો જુવાન થયો ત્યારે સંત દાનાએ સૂરીબાઈને કહ્યું કે ગીગાને ન્યાતમાં જઈ વરાવો-પરણાવો.

બાઈ સરંભડે કુટુંબમાં ગયાં, ત્રણ-ચાર વર્ષ કાઢ્યાં, પણ ગીગાનું દિલ સંસાર પર લાગ્યું જ નહિ. બાઈ પોતે તો સંસારથી કંટાળીને જ બેઠાં હતાં, એટલે એ તો રાજી થઈને ગીગાને લઈ પાછાં ચલાળે આવ્યાં. જુવાન ગીગાએ જગ્યાની તમામ સેવા કરવા માંડી, ને છેવટે 'સોરઠી સંતો'માં લખ્યા મુજબ આપા ગીગા સંતપદને પામ્યા.

આટલી હકીકત સોરઠી સંતોના વાચકો પણ સુધારીને વાંચે તેવી વિનંતિ છે.

આવી જ શૈલીમાં સોરઠના બીજા પ્રદેશોને રજૂ કરવાની અભિલાષા બરોબર ફળી નથી. ફક્ત સોરઠની નાની એક સાગરપટ્ટીનું પ્રવાસ વર્ણન કરતી 'સોરઠને તીરે તીરે' નામની પુસ્તિકા આપી શક્યો છું. 'સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં : ગીરનું પરિભ્રમણ' અને 'સોરઠને તીરે તીરે' બેઉ પ્રયોગો ઘણા આદરપાત્ર બન્યા છે ને એ પ્રયોગે વિરામ ન પામવું જોઈએ એવી મોટા ભાગની માગણી છે. મને ય શોચ થાય છે કે મારા સાંસારિક સંજોગોએ મેં ધારી રાખેલા પ્રવાસોને હાલ તુર્ત તો મુશ્કિલ કરી મૂક્યા છે. ક્ષમા ચાહું છું.

મુંબઈ : 15-10-'35

ઝવેરચંદ મેઘાણી

[ત્રીજી આવૃત્તિ]

'સૌરાષ્ટ્રનાં ખંડેરો'માં અઠ્યાવીસ વરસ પહેલાં પ્રગટ થયું તેની અંદર ‘ગીરનાં પરિભ્રમણ'ની વાત હતી. તેના અનુસંધાનમાં, પાંચ વરસે, 'સોરઠને તીરે તીરે' પ્રગટ થયું. બેઉ ચોપડીઓની આ સંયુક્ત આવૃત્તિ પ્રગટ કરતી વખતે, બે-ત્રણ દાયકાના કાળવહનને કારણે જરૂરી લાગેલી થોડી કાપકૂપ કરી છે.

'સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં'ની પહેલી આવૃત્તિ વેળાનું લેખકનું નિવેદન અહીં આપ્યું છે. તેની બીજી આવૃત્તિ વેળા, સંત આપા ગીગાની કથામાં જે સુધારા કરવાની જરૂર લેખકે નિવેદનમાં દર્શાવેલી તે આ આવૃત્તિ વખતે કરી લીધી છે.

1956

મહેન્દ્ર મેઘાણી

[ચોથી આવૃત્તિ]

પચાસ વરસ પહેલાં પ્રથમ આવૃત્તિમાં લેખકે જેની ઊણપ અનુભવેલી એ સૌરાષ્ટ્રનો નકશો હવે ઉમેરાય છે.

1980

જયંત મેઘાણી

[સમગ્ર મેઘાણી સાહિત્ય, ગ્રંથ 16]

સમગ્ર મેઘાણી સાહિત્યમાં મૂળ આવૃત્તિની શૈલી-લિખાવટ જાળવી રાખવાના હેતુથી ત્રીજી આવૃત્તિના નિવેદનમાં જેનો ઉલ્લેખ છે એ કાપકૂપ અહીં નિવારવાનું ઉચિત ધાર્યું છે.

2015

જયંત મેઘાણી

સૌરાષ્ટ્રના ખંડેરોમાં
5