પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

7


કાદુની ગોતણ1

જિંદગી એ શું માનવીનાં નિરધારેલ કાર્યોની સિદ્ધિઓનો સરવાળો છે ? કે અધૂરી રઝળેલી ઉમેદોના ઓરતાનો સંગ્રહ છે?

ભાગ્યવંતોને ભાગે પહેલી જાતનું જીવન આવતું હશે. સેંકડે નવ્વાણુના તકદીરમાં તો ઓરતા જ લખ્યા છે.

પૂરી ગીર જોવી રહી ગઈ છે. ગીરને એક છેડેથી ઊપડી અધગાળે હાથ દઈ પાછો વળ્યો હતો. બીજો છેડો વેરાવળ બાજુ તાલાળા અને સાસણથી શરૂ થાય. એક દિવસ ત્યાં ઊતર્યો હતો. પણ એકલ સવારીએ. ભેળો દુલાભાઈનો કે ગગુભાઈનો સાથ નહોતો.

તાલાળા જવું થયું હતું બહારવટિયા કાદુની ગોતણ કરવા. ડરશો નહીં – કાદુની ગોતણ કરવા એટલે કે કાદુના બહારવટાની કહાણીઓ ટૂંઢવા. ત્યાં એક જીવતો સાહેદ બેઠો હતો.

ગુલાબના ગોટા જેવો

એના વાવડ ગગુભાઈએ એક દિવસ આપેલા : હજુ ય મને ગગુભાઈનો એક બોલ મરેલા મિત્રની અમર રહેલી ફોરમ-શો ભણકાર ધે છે :

પણ ઝવેરભાઈ! શું કહું તમને? એનું મોં ! ગુલાબના ફૂલ જેવું છે હો! ને ભાઈ, તમે જલદી ત્યાં પહોંચી જાવ. તમે જાણો છો કે આપણે મળું મળું કરતા રહ્યા ત્યાં કેટલા કેટલા મળવા જેવા નરો હાલ્યા ગયા! માટે મારા વગર પણ તમે એકલા પોગો, ઝવેરભાઈ! ગુલાબના ફૂલ જેવું એનું મોં છે.”

'ગુલાબના ફૂલ જેવું મોં!' ગગુભાઈ ગઢવીના ભીના ચહેરા માથે પણ એ વેણ બોલતાં લાલપ તરી આવતી'તી, ને એ જ ગગુભાઈની વાર્તા-કહેણીમાં વખતોવખત ટંકાતું એક બુટ્ટાદાર કવિતા-૫દ આજે એમને વિશેય મને યાદ આવ્યા કરે છે કે –

બાસન વિલાઈ જાત
રહે જાત બાસના.

ફૂલ ખરી જાય છે, પણ એની ફોરમ રહી જાય છે.


1 આ પ્રકરણ સાથે વાંચવામાં રસ પડે એવી કથા 'કાદુ મકરાણી' ('સોરઠી બહારવટિયા').

48
લોકસાહિત્યનાં શોધન-ભ્રમણ