પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જોધો માણેક રૂપ મેં આયો !

મૃત્યુની વાટ પકડતો વીર એના સાચા રૂપમાં આવે છે : ને પોતાનાં ઘરબાર ઈજ્જતઆબરૂને સાટુ શસ્ત્રો બાંધતો નર પોતાનું મન મૌલા સાથે, 'માલિક'ની સાથે મિલાવે છે : અસ્તાચલે જતો પરાજિત સૂર્ય ઉદયગિરિના શૃંગ પરથી નીકળતા વિજયી સૂર્યના કરતાં બધુ ભવ્ય ભાસે છે. એની અધોગતિમાંથી કરુણતાની ઝલક ઊઠે છે. સમર્પણ અને નિષ્ફળતાનાં તેજછાયા એના મોં પર રમે છે.

જોધો માણેક રૂપ મેં આયો !

અને તમને શું એમ થાય છે કે એ ટુકડો જમીનને માટે લડતો હતો! ના, ના, બેઇજ્જતીથી બચવાને માટે, જગતમાં એને રાંક જીવાઈદાર નહોતું કહેવાવું. એનેય એના જીવનની જાડી-પાતળી ફિલસૂફી હતી. માટે જ બાર્ટને જ્યારે એને સરકાર તરફથી માફી મેળવવાના પ્રયત્નો કરવા વચન આપ્યું, દરમિયાન માન-મરતબા સાથે નજરકેદી રહેવા સૂચવ્યું, ત્યારે જોધાનો જવાબ આટલો જ હતો : રહું તો તદ્દન મુક્ત માનવી તરીકે. નહીંતર તો આભપરા ડુંગરામાં અરધો ભૂખમરો ખેંચતા ધીંગાણે જ ખતમ થઈ જવું લાજમ છે.

એમ કહીને એ ગયો હતો. અને જતો જતો –

કેસર કપડાં માણેકે રંગિયાં ને
સતીયેં કે સીસ નમાયો
જોધો રે માણેક રૂપ મેં આયો.1

સ્વપ્નમૂર્તિ

એણે ગામપાદરે ઊભેલા કુલની સતીઓના પાળિયાને પ્રણામ કર્યા હતા. નારીસન્માનની એ પરંપરાનો પૂજક જોધો માણેક મારી ચોપાસ એક સ્વપ્ન-સૃષ્ટિને સરજે છે. રાષ્ટ્રભાવનાની, અરે આંતરરાષ્ટ્રીય સામ્યવાદની નોબતે ગાજતા આ યુગમાં ય જોધાની સ્વપ્નમૂર્તિ રચવામાં મને લવલેશ શરમ નથી. ને હું તાજેતરમાં જ સૂતેલા એક બીજા શબનું અમર્ત્ય ગાન બોલું છું. એય હતો એક યુગપ્રવર્તક : યુગપરિવર્તનની કાળ-મૂર્તિ : આયર્લેન્ડનો સ્વપ્નવિહારી કવિ 'એ. ઈ.' 'નેશનાલિટી' નામના લેખમાં જ એણે લખ્યું કે –

"સત્ય એ આજની કે આવતીકાલની પલટાતી વસ્તુ નથી. સૌંદર્ય, વીરતા અને આત્મધર્મ, એ કંઈ રોજ સવારે પલટાતી ફેશનો નથી. એમાંથી તો એક અપરિવર્તનશીલ પ્રાણ ઝગારા કરે છે. આ સ્વપ્નો, આ પુરાતનો, આ પરંપરાઓ એકદા વાસ્તવિક હતાં, સજીવન હતાં, ઐતિહાસિક હતાં; આજે એ ઇંદ્રિયગમ્ય જગતમાંથી નીકળી સ્મૃતિ અને મનોભાવની સૃષ્ટિમાં સંઘરાયાં છે. કાળ એમની શક્તિને ખૂંચવી શક્યો નથી. કાળે એમને આપણી મમતાના પ્રદેશમાંથી છેટાં નથી કાઢી મૂક્યાં; પણ એથી ઊલટું તેમને ધરતી પરથી


1 'જોધો માણેક: મૂળુ માણેક' એ વૃત્તાંત (‘સોરઠી બહારવટિયા')

52
લોકસાહિત્યનાં શોધન-ભ્રમણ