પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ખેસવી અમરલોકમાં ચડાવીને વધુ વિશુદ્ધ બનાવ્યાં છે. આજે એ ચક્ષુઓને જોવાની અને કાનને સાંભળવાની વસ્તુઓ મટી જઈ હદયને ચિંતન કરવાની વસ્તુઓ બનેલ છે. આજે એ તેટલા પ્રમાણમાં આપણી નિકટમાં આવ્યાં છે. આપણાં પરિચિત બન્યાં છે, ને સાહિત્યપ્રદેશે પણ વધુ ખપજોગાં બન્યાં છે. આજે એ સંકેતો બન્યાં છે. ને સંકેત-ચિહ્નો લેખે એ ઈતિહાસના કરતાં ય વધુ સામર્થ્યવંતાં બન્યાં છે. માનવ-પ્રકૃતિના વિધવિધરંગી અંતરપટોની પાર થઈને આજે એ આપણાં નેત્રો સન્મુખ ઊભાં છે. આજે તો એ પ્રત્યેક સ્વપ્ન, પ્રત્યેક વીરાચરણ, પ્રત્યેક સૌંદર્યતત્ત્વ પોતે જેનું પ્રતિનિધિત્વ કરે છે તે દિવ્ય સત્તાની વધુ નજીક જઈ ઊભેલ છે."1

સાંભરતાં સ્વજનો

પણ શા માટે હું આ કાળ-ગર્તમાં ક્યારના યે ગારદ થઈ ગયેલાઓનું પુનઃ પુનઃ ગાન ગાયા કરું છું? એમનો બચાવ કરવાથી શો ફાયદો છે? એમને વિસરવામાં જ સાર નથી?

એ વાતનો જવાબ મારી પાસે નથી. કોણ જાણે કેમ, પણ એ બધા મારા પૂરતા તો મરી નથી ગયા. મર્યા હોય તો પણ મારાં સ્વજનો જેવા બની ગયાં છે. સ્વજનો સાંભર્યા જ કરે છે.

બાદશાહી શિકારીઓ

હીરણ નદી ઉપર પરોઢના ઘેરા ફૂટતા હશે. પથારીમાં પડ્યો પડ્યો હું કહ્યું છે કે રાતનું મારણ કરી ગીરના સાવજડા વહેલું વહેલું પાણી પી લેવા હીરણના 'સેંજલ' ધરાઓમાં ઊભા હશે. હરણાં ને સાબરડાં હીરણનાં પાણીમાં મોં પલાળતાં ફડક ફડક થતાં હશે. કેમકે હીરણની ઊંચી ભેખડો ઉપર રાજપરોણાઓની શિકાર-ક્રીડા સારુ મહેલાતો બાંધવામાં આવી


1 "Truth is not a thing of to-day or tomorrow. Beauty, heroism, and spirituality do not change like fashion, being the reflection of an unchanging spirit. These dreams, antiquities, traditions, once actual, living and historical, have passed from the world of sense, into the world of memory and thought; and time it seems to me, has not taken away from their power, nor made them more remote from simpathy; but has rather purified them by removing them from earth to heaven. From things which eye can see and ear can hear, they have become what the heart ponders over, and are so much nearer, more familiar, more suitable for literary use, than the day they were begotten. They have now the character of symbol, and as symbols are more potent than history. They have crept through veil after veil of the manifold nature of man; and now each dream, heroism or beauty has laid itself nigh the divine power it represents... and they are ready for the use of the spirit."

સૌરાષ્ટ્રના ખંડેરોમાં
53