પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

છે. બ્રિટિશ સામ્રાજ્યના અનેક પ્રતિનિધિઓને ગીરના સાવજો તેમજ હરણાંઓની મૃગયા રમાડવા માટે અહીં અતિથિ-ગૃહ પાથરવામાં આવ્યું છે. એક સામટાં પચીસ યુગલો યુરોપી ઢબછબથી રહી શકે તેવી બાદશાહી સરભરાનાં આંહીં સાધનો છે.

કિનકેઈડના કાવ્યમાં

આ ભેખડ ઉપર પચીસ-ત્રીસ વર્ષો પર જે વેળા નવું અતિથિગૃહ નહોતું ત્યારે કિનકેઈડ સાહેબ ઊભા હશે. એની જે મુગ્ધતા મન પર વસી ગઈ હશે તેનો ચિતાર કિન કેઈડે 'આઉટલૉઝ ઑફ કાઠિયાવાડ' નામના પોતાના પુસ્તકને છેડે મૂકેલી પોતાની અંગ્રેજી કવિતામાં ચીતરેલો છે. હીરણનું કેવું ફક્કડ બ્યાન કર્યું છે કિનકેઈડે !1

ચાર દિવસ સુધી હું યે હીરણના ખોળામાં આળોટ્યો. પાંચમે દિવસે વિદાય લીધી. પણ તે દિવસથી આજ સુધી 'હીરણ્ય' નદીનું નામ લેતાં જ પેલા માંગડા ભૂતના2 દુહાની એક પંક્તિ મારી સ્મૃતિમાં ઘૂમ્યા કરે છે :

પદમાનો પ્રીતાળ
હીરણની હદમાં પડ્યો.

પદમાનો પિયુ માંગડો જુવાન હીરણના કયા પ્રદેશમાં પટકાયો હતો?

કિનકેઈડની કવિતા હીરણના યશોગાનમાં એક શિકારીનો તોર જમાવે છે. જ્યારે હું, લોકકવિતાનો લોલૂપ, હીરણ્યની લોકગાથાઓમાંથી પ્રેમના કિસ્સા ઢૂંઢું છું.

રહી ગયાં

હીરણથી જવું હતું વાંસાઢોળ ઢાળા. ઊતરવું હતું સંત ગીગાની પુણ્યભોમ સતાધારની જગ્યાએ. સરસાઈ ગામમાં ચમાર સંત રોહીદાસનો ગંગાજળિયો ચર્મ-કુંડ જોવો હતો. કચ્છી વીરાંગના હોથલનો એકલ નિવાસ કનડો ડુંગરો જોયો હતો. ત્યાં તો ગુલમહમદભાઈ ઉપર કાસદ ખબર લઈને આવ્યો કે જંગલખાતાના ઉપરી સાહેબનો મુકામ પડે છે.

હું સાંભળી જાઉં તો મારો જીવ સૂગાશે એવી બીકે ગુલમહમદભાઈએ 'માખણ, મરઘાં અને એક બોકડો'ની, પોતાનાં માણસોને વરધી આપી. જંગલની કાકડી સાથે નીમક ચાવીને હું ઊંટ પર વિદાય થયો – પાછો આગગાડીને જ 'દ્રવિડ-પ્રાણાયામ' માર્ગે.

સતાધારનું યાત્રાધામ

પણ મેં કરી તેવી સુસ્તી ગીરના કોઈ પ્રવાસી ન કરી બેસતા. સતાધારની જગ્યા ન જોનારની સાચી સોરઠયાત્રા નથી જમા થવાની. આજે એ જગ્યાની શી દશા હશે


1 પરિશિષ્ટમાં કાવ્યનો અંશ આપ્યો છે.

2 'ભૂત રૂવે ભેંકાર' કથા, 'સૌરાષ્ટ્રની રસધાર’

54
લોકસાહિત્યનાં શોધન-ભ્રમણ