પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

તે તો જાણનારા જાણે. પણ સતાધાર એટલે તો સોરઠી લોકસંસ્કૃતિનું એક માર્મિક ક્રાંતિ-બિંદુ.

સતાધારનો સ્થાપનાર ગીગો ભગત : સોરઠની ઘણી ઘણી હલકી મનાતી મુસલમાન ગધઈ જાતિનો ગીગલો : કોમે તો હલકો, પણ માતૃકૂખે તો નપાવટથી ય નપાવટ, એની માતાનું નામ લાખુ.1

ભ્રષ્ટાને પેટે પીર

જુવાન લાખુને ને ધણીને અણબનાવ હતો. ધણીએ મારી મારી, નિરાધાર કરી કાઢી મૂકી. નિરાધારને ચલાળાના સંત દાનાએ સંઘરી. સાગરઘેલડી જેવી ભોળી લાખુને આપા દાનાની જગ્યાના કોઈ ભાનભૂલ્યા સાધુ થકી જ હમેલ રહ્યા. લાખુ કૂવે પડતી હતી. આપા દાનાએ અધરાતે એ આપઘાત અટકાવ્યો : “લાખુ, તારા પેટમાં જોગી છે. તારું કલંક હું મારું કરીશ. પણ તારા બાળને મરવા નહીં દઉં.”

દાના ભગતે રમાડ્યો

ફજેત અને હડધૂત લાખુને દાનાએ સાચવી. પ્રસવ કરાવ્યો. બાલને ભક્ત પોતે જ તેડી તેડી રમાડ્યો, મોટો કર્યો, ગાયોની ટેલ કરવામાં રોકી દીધો. છાણના સુંડલા ઊંચકતા એ બાળને બગડેલા હાથ છતે પોતાની બાથમાં લઈ એક દિવસ ભક્ત ગીગાને સંતપદે સ્થાપ્યો. ન ગણકારી ન્યાતજાતને, લોકાચારની દીવાલોને, કે પોતાના જ ભાવિકોની ભીરુતાને. દુનિયાના પાપને સંતે ધર્મપદે સ્થાપ્યું. સંત ગીગાએ ગીરનાં ભરપુર ચરિયાણની વચ્ચે સતાધારને ડુંગરગાળે જઈ ગાયોની ટેલ માંડી દીધી. અને પરબ વાવડીની સંત દેવીદાસની જગ્યા જેવી જ પરંપરા સ્થાપી ગીગાએ. રક્તપિતિયાં, કોઢિયા રોગમાં સડી ગયેલાં જે કોઈ આવ્યાં તેને આશરો આપ્યો.

દિલાવર લોકસંસ્કાર

સોરઠી લોકસંસ્કારને હું 'દિલાવર’ શબ્દ ઓળખાવું છું તેની પાછળ મારું આવાં ધર્મપાત્રોનું ને થાનકોનું દર્શન છે. હવે તમે જ મને કહો, કોઈ પણ જવાબ આપો, ગીગાભગતની તવારીખને જૂની, જુનવાણી ગણશો? કે નિત્ય નવી? જબાલાના પિતૃહીન પુત્ર જાબાલની કથા આપણા ઉપનિષદ-કાલના આર્ય ઇતિહાસનું સુવર્ણ-પાનું શોભાવે છે. લાખુના દીકરા ગીગલાને સંતપદે સ્થાપનાર સોરઠી લોકસમાજ એવું જ એક સુવર્ણ-પાનું નથી લખી ગયો શું?


1 'દાના ભગત' કથા (‘સોરઠી સંતો')

સૌરાષ્ટ્રના ખંડેરોમાં
55