પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

અમર કાલની કથા

સંતોની આસપાસ ઊભાં થયેલાં વહેમો, ચમત્કારો, પરચાઓ ને પૂજાઓ તો નાશવંત વસ્તુઓ છે. કાળ એનો ભક્ષ કરી જશે; પણ સંત ગીગાની જીવનકથાને કાળનો કાળ મહાકાળ સુધ્ધાં નહિ ખાઈ શકે. એ કથા તો સદાકાળ આવતી કાલની જ કથા બની રહી જશે. એ કથાની પુનરુક્તિઓ, નવી નવી આવૃત્તિઓ, નવા નવા સમાજની અંદર નીકળતી જ રહેશે, બ્રાહ્મણોના ને ક્ષત્રિયોના સોરઠી દેવ સોમનાથ છો ને રોજ પ્રભાતે છેક ગંગાજીથી આવતી કાવડનાં નીરથી નહાતા; સમાજનાં ઉપલાં પડો છો ને આવા પ્રાણશોષક ક્રિયાકાંડો વડે પોતાની મહત્તા ચાલુ રાખતાં : સમાજના તળિયામાં જે લોકસંસાર જીવતો હતો તેના મેલ ધોવા તો સંત ગીગાના ધામ સતાધાર જેવી જ ગંગાઓ વહ્યા કરતી. ને ગીરનું જંગલ માત્ર બહારવટિયાઓને જ નહીં પણ સંતોનેય પોતાની ગોદ આપતું.

એવા સતાધારને નિહાળ્યા વિનાની મારી ગીર-યાત્રા અધૂરી રહી છે.

રોઈદાસનો ચર્મ-કુંડ

સરસાઈ ગામ દીઠું હતું : પ્રિવિયસ ક્લાસમાં1 ભણતો હતો ત્યારે. પણ ત્યારે તો મન ઉપર શાકુંતલ, મેઘદૂત અને સ્કૉટ તથા મેથ્યુ આર્નલ્ડનાં જ ગાઢાં ધુમ્મસ છવાયાં હતાં. બહુ બહુ તો નરસૈ–મીરાંનાં નામો જાણ્યાં હતાં. જાણીને આખા ભક્તિપ્રવાહ પ્રત્યે અણગમો સેવતો હતો. સંત રોઈદાસનો ચર્મ-કુંડ જોવા જવાની વૃત્તિ જ શાની થાય?

આજે તો રોઈદાસનો નામ-શબ્દ મંત્ર જેવો લાગે છે. ઉત્તર હિન્દનો આ ચમાર સંત સોરઠ ધરામાં ક્યારે ઊતરી પડ્યો હશે! કદાચ દ્વારકા વગેરેની તીર્થયાત્રાએ નીકળ્યો હશે. એક ગીરગામડે બેસી ગયો હશે. પણ સરસાઈમાં શું એ ચમાર-કામ કરતો હતો? જે કુંડમાં એને ગંગા-મિલન થયું તે શું આ જ કુંડ?

ખબર નથી. ઊંડા ઊતરવાની જરૂર પણ શી છે? મહત્ત્વની વાત તો એ ચમાર સંતે સોરઠમાં અંકિત કરેલ સંસ્કારની છે. એ સંસ્કાર કયો? ભેદની, જડ રૂઢિની ભીંતો ભેદવાનો.

'હાથોહાથ આપજો'

કથા આવી છે :

રોઈદાસજી તો ચમાર કામ કરતા કરતા યે પ્રભુમગ્ન હતા. એક દિવસ નદીમાં પોતે કરેલા કુંડ પર બેઠા બેઠા મુવેલા ઢોરનું ચામડું ધોવે છે: રસ્તે જાત્રાળુઓનો એક સંઘ નીકળે છે: સંઘમાંથી કોઈકે પૂછ્યું: ટીખળ કર્યું? કે શુદ્ધ ભાવે પૂછ્યું? પૂછયું: ભક્તરાજ ! ગંગાજીમાં નાહવા ચાલો.


1 વીસમી સદીના પૂર્વાર્ધમાં કૉલેજનું પહેલું વરસ ‘પ્રિવિયસ' તરીકે ઓળખાતું.

56
લોકસાહિત્યનાં શોધન-ભ્રમણ