પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સંતે કહ્યું કે : ભાઈ, મુજ ગરીબનું એ ગજું નથી. પણ ઊભા રહો, આ એક શ્રીફળ લેતા જાવ, ને ગંગામાઈને કહેજો કે રોઈદાસે મોકલ્યું છે. પણ ભાઈઓ, માતાજી હાથોહાથ લ્યે તો જ આપજો, નહીં તો ન આપતા.


કંકણવંતો હાથ

યાત્રિકોનો સંઘ હસતો હસતો ચાલ્યો ગયો. કાશીધામમાં પહોંચીને યાત્રિકોએ ઠેકડી કરી. શ્રીફળ લઈને એક જણાએ ગંગાતીરે ઊભાં ઊભાં કહ્યું: “માતાજી, રોઈદાસ ચમારે શ્રીફળ મોકલ્યું છે, પણ હાથોહાથ લ્યો તો જ આપવાનું છે.”

હાંસી યાત્રીઓના હોઠમાં સમાઈ ગઈ. ગંગાના નીર વચ્ચેથી કોઈ કંકણે રણઝણતો એક હાથ કોણી સુધી ઊંચો થયો. ફેંકાયેલું શ્રીફળ એ હાથની હથેળીમાં ઝિલાયું. શ્રીફળવંતો હાથ પાછો જળમાં સમાયો.

કાંઠે ઊભેલો સંઘ સ્તબ્ધ બન્યો. એણે નદીને સંબોધી : હે લોકમાતા, ચમારનું શ્રીફળ તમે હાથોહાથ ઝીલ્યાનું અમે કહેશું તો કેમ મનાશે? કશીક એંધાણી આપશો?

કંકણની કથા

જવાબમાં જળમાંથી એક કંકણનો ઘા થયો. ગંગાના કાંડા માયલું એક એ કંકણ સંઘે પાછા સરસાઈ પહોંચી સંતને આપ્યું. સંતે એ સવર્ણ-કંકણને ભેટ મોકલ્યું યોગ્ય સ્થાને – ગામના ઠાકોરને ઘેર : ઠાકોરની કુંવરીએ કંકણની પૂરી જોડ્ય માટે રઢ લીધી. ઠાકોર સંતના ચર્મ-કુંડે ગયા. કુંડમાં નવાં નીર ઊભરાયાં તેના બુદ્દબુદોમાંથી બીજું કંકણ નીકળ્યું. સંતે કુંડમાં ગંગાજી પધાર્યા પેખ્યાં. ઠાકોર, કંકણના કામી, ગંગાની પ્રસાદી ય લેતો જા!

ગંધારાં પાણીમાં ગંગાજળ

ઠાકોરે અંજલિ ધરી : સંતે ચર્મ-કુંડમાંથી છાપવું ભરી જલ વહોરાવ્યું. સૂગાયેલો ઠાકોર પ્રાશન કરવાને બદલે કુંડ-જલ બાંયમાં ઉતારી ગયો : પણ એ તો આવળના તૂરા પાણીના ડાઘ : લૂગડાં પરથી જતા નહોતા: ધોણ્ય ધોનારી રાજ-બાંદીએ ડાઘ કાઢવા બાંય મોમાં લઈ ચૂસી : ધોઈને પાછી વળી ત્યારે ધોણ્યની ગાંસડી શિરથી ચાર આંગળી ઊંચેરી ઊપડતી આવે !

આ ચમત્કાર-રૂપકનો મર્મ ચાહે તે હો, પણ એક વાત તો વિલસી આવે છે કે ખરું સત માનવતાનું છે – નથી રાજવટનું, કે નથી તીર્થે તીર્થે ભટકવા જતી આભડછેટિયા ધર્મવૃત્તિનું. ધરતીનાં ધગધગતાં પડો વચ્ચે ગૂંગળાતાં ને રુંધાતાં ગંગાજી એક કર્મયોગી ચમારને ઘેરે ચાલતાં આવ્યાં; અને ઉચ્ચ વર્ણોને એ સેંકડો ગાઉ શોધ્યાં ય ન જડ્યાં.

સૌરાષ્ટ્રના ખંડેરોમાં
57