પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

એકરાષ્ટ્રતાના સ્થંભો

રોઈદાસજી અહીં સોરઠધરામાં આવ્યા હશે, રહ્યા હશે, એ તો સંભવિત વાત છે. રાષ્ટ્ર આખો રાજશાસનને હિસાબે તો કોઈક જ વાર એક છત્ર તળે હતો; પણ એની એકરાષ્ટ્રતા તો સંસ્કારજીવનની હતી. સંસ્કારદષ્ટિએ રાષ્ટ્ર એક અને અખંડિત હતું, એક અને અવિભાજ્ય હતું. એક અને સુગઠિત હતું. શાસનની એકતાને તો બ્રિટિશ રાજ આવ્યા પૂર્વે હિન્દ ઘણાં વર્ષો સુધી ઝાઝી જાણી નહોતી. એ વાતને છુપાવવાથી શો ફાયદો છે? એકરાતા એકરાષ્ટ્રતા એવા જાપ જપવાની રાજદ્વારી દલીલબાજીનો તો કશો અર્થ જ નથી. સાચી એકરાષ્ટ્રતા જે સંસ્કારની હતી, તેના સ્થાપકો રાજપુરષો, પત્રકારો ને મુસદ્દીઓ નહોતા, પણ આ 'બાવા' નામે અળખામણા ને 'ભગતડા' નામે ભૂંડા દેખાડવામાં આવેલા સંતો હતા.

'મીરાં, તમે ઘેરે જાવને !'

રોઈદાસ તો કાશીના. મીરાંને એનો ભેટો કાશીધામે થયો હતો. મીરાં એ ચમારની યે ચેલી બની હતી. એનું ભજન છે – મીરાંના નામનુંઃ ચમાર સંત મીરાંનાં મમત્વને ખાળવા કેવા કાલાવાલા કરે છે :

એ જી મારી સેવાના શાળગરામ!
મીરાં, તમે ઘેરે જાવને !
તમે રે રાજાની કુંવરી, ને
અમે હૈયે જાતના ચમાર :
જાણશે તો મેવાડો કોપશે,
ચિતરોડો ચોંપે દેશે ગાળ –
મીરાં, તમે ઘેરે જાવને !

અને છેલ્લી પંક્તિ!

કાશી રે નગરના ચોકમાં રે
ગરુ મને મળ્યા રોઈદાસ –
મીરાં, તમે ઘેરે જાવને !

આ ભજનના ટાઢાબોળ શબ્દોમાં દુલાભાઈ ચારણ પોતાના ગળાના કેવા પ્રાણવંતા સૂરો સીંચે છે!

પ્રતીકોની લોકભાવના

રોઈદાસ કાશીનગરીના : રામાનંદ એના મુર્શદ : સોરઠના ચારેય તીરને સાગરજળ છંટાતાં હતાં, તેમ સોરઠી લોકજીવનની પાળે રાષ્ટ્ર- સંસ્કારના સાગર-જુવાળ આવા સંતો દ્વારા રેલાતા હતા.

58
લોકસાહિત્યનાં શોધન-ભ્રમણ