પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

8

પ્રેમભક્તોનું યાત્રાધામ

ગીરના સીમાડા પર એકલવિહારી ઊભેલા કનડા ડુંગરાને તો તે પછીના બીજા પ્રવાસમાં જોયો.

પ્રભુભક્તોનાં જેમ તીર્થસ્થાનો છે, તેમ પ્રેમભક્તોનાં ય યાત્રાધામો મુકરર થયાં નથી. એ થશે ત્યારે સોરઠનો આ કનડો ડુંગર, હાલારનું રાવલ નામે ગામડું, ગોહિલવાડના સાગરતીરનું ચાંચુડા મહાદેવનું મંદિર, અને ગરવા ગીરનારનાં પેલી રાણકને પુકારે પડું પડું થઈ અટકી રહેલાં શતકોજૂનાં ચોસલાં વગેરે વગેરેની પરકમ્મા કરવા માટે પંથીઓ શિરીં–ફરહાદના તેમજ સુહિણી–મેહારના મુલકોમાંથી પણ ઊતરશે.

કચ્છના વીર-પ્રેમિકો

કનડા ડુંગરાને માથે તો કચ્છનાં બે પ્રેમિકોનો વીરરસભર્યો પ્રેમ એક વાર રમણ કરી ગયો છે. પદમણી હોથલનો પુરુષવેશે અહીં કનડાની ગુફામાં વાસ હતો. મરતા બાપના ટૂંપાતા જીવને અંજલી ભરી પાણી ટોનારી હોથલ, બાપના શત્રુ ‘બાંભણિયા બાદશા’ની સાતવીસું સાંઢ્યો ન કાઢી આવું ત્યાં સુધી પરણીશ નહીં, એવી પ્રતિજ્ઞાના પાલન માટે પુરુષવેશે એકાકિની પોતાનો અશ્વ રમાડતી નીકળી હતી. પોતાના વજ્રકછોટાને કારણે કલંકિત બનીને દેશવટે રઝળતો કચ્છી જુવાન ઓઢો એ હોથલને એક પુરુષ-મિત્ર લેખે જ ચાહી જાણ્યો હતો. એવી નરી ભાઈબંધીની – વીરમૈત્રીની નિર્ભેળ પ્રીતિના તલસાટમાં જ બેઉ વિખૂટાં પડ્યાં હતાં.

‘જો વિસારું વલહા !’[૧]

ને શી એ પ્રીતિની તીવ્રતા ! કેવી અગન ! ઓઢો પૂછે છે કે ભાઈબંધ, વીસરી તો નહીં જાવ ને ? વીરતાના સાજે શોભતી હોથલ, ત્યાં લગીની લોખંડી હોથલ, કેવો જવાબ વાળે છે :

જો વિસારું વલહા,
ઘડી એક મુંજા ઘટમાં;
(તો તો) ખાંપણમાંય ખતા
(મુંને) મરણ સર્જાયું નહીં મળે.


  1. 1 ‘હોથલ' કથા (“સૌરાષ્ટ્રની રસધાર)
60
લોકસાહિત્યનાં શોધન-ભ્રમણ