પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઓ મારા વહાલા દોસ્ત ! તને જો હું ઘડીભર પણ મારા હૃદયમાંથી વિસારું તો તો મારું મોત બગડજો ! મૃત્યુ વખતે મને સારી મરણશય્યા પણ ન મળજો, અરે મારી લાશ કફનના ટુકડા વગરની ઉઘાડી રઝળજો !

વિસ્મરણની સજા

સ્નેહીજનના વિસ્મરણનો અપરાધ આ ગોપજનોને, ગીરવાસીઓને, રણનાં બાળોને નાનો-સૂનો નહોતો લાગતો. પ્રેમીને વિચાર્યું જીવન તો વણસજો, પણ મરણ સુધ્ધાં ય બગડજો ! શબના ય બેહાલ થાજો !

સારા ને સુખી જીવન કરતાં ય વધુ મોટી ઝંખના જેઓને સારા, માનભર્યા મૃત્યુની હતી, તે આ લોકો : પ્રેમીનું વિસ્મરણ થવું એ કાંઈ જેવું તેવું કુકર્મ હતું ? રણાંગણથી પીઠ બતાવીને ભાગી જવાની બદનામી કરતાં જરીકે ઓછી નહીં એવી આ પ્રેમના વિસ્મરણની બદનામી હતી.

‘થર-બાબીડી થઈ ફરાં !’

એ તો શબની દશા : પણ પ્રેમને વીસરનારના આત્માની કેવી વલે કલ્પાઈ !

જો વિસારું વલહા !
રુદિયામાંથી રૂપ.
(તો) લગે ઓતરજી લૂક,
થર-બાબીડી થઈ ફરાં.

ઓ મારા વહાલા દોસ્ત ! મારા હૃદયમાંથી એ હું તારું રૂપ ભૂલું, તો તો મૃત્યુ પછી મારો આત્મા બાબીડા પક્ષીની માદા બાબીડીનો અવતાર પામીને ઝૂર્યા કરજો. ક્યાં ? કોઈ કુંજઘટામાં ? આંબાવાડિયામાં ? નહીં, નહીં, થરપારકરના રણની અંદર ઝૂરતી બાબીડી. એ સળગતી મરુભોમમાં હું બાબીડી પંખણી સરજાઉં, ને ઉત્તર દિશાની આગઝરતી લૂ વચ્ચે હું વલવલ્યા કરું – એવી મારી દુર્ગતિ થજો !

રણમાં વલવલાટ

બાબીડી એટલે આપણા સોરઠી હોલાને – કપોતને મળતું પંખી : એટલે કે બહુ બહુ કોમળ જાત. સામાન્ય ઉનાળાની ગરમીમાં પણ શેકાઈ જાય. તો પછી ‘થર’ના મરૂપ્રદેશમાં ઉત્તરાદા વાયરાની ગરમ લૂ વચ્ચે તો એની દશાનું પૂછવું જ શું ?

કલ્પના કરો કે પ્રેમી હૃદય પોતાના પ્રેમના વિસ્મરણને પરિણામે કેવા વલવલાટ વાળી દુર્ગતિ સેવવાનું પાપફલ સ્વીકારે છે !

એ બેઉ દુહામાં હોથલનું હૃદય નિચોવાયું. કચ્છની કુમારી : મરુભોમનું બાળ; એના કાવ્યમાંથી ‘સ્પિરીટ ઓફ ધ ડેઝર્ટ’ સાદ કરે છે : સળગતી મરુભોમનો, રણનો આત્મા ભણકાર આપે છે.

સૌરાષ્ટ્રના ખંડેરોમાં
૬૧