પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આટલું જ વચન આપી હોથલ છૂટી પડી : વણપ્રીછેલી, માત્ર પુરુષમિત્ર લેખે જ વિદાય લઈ ગઈ.

એનો જવાબ નથી

શા માટે એ પ્રકટ ન થઈ? શા માટે પોતાના ‘વલહા' ઓઢાની જોડે એણે વિવાહ ન માગ્યો? પિતાને આપેલ કૉલ તો એ પાળી ચૂકી હતી, છતાં શા માટે એણે જીવનની મુક્તધારાઓ રૂંધી નાખી?

કોણ જાણે, પ્રેમીજનોએ આ 'શા માટે!' ના પ્રત્યુત્તરો કદી આપ્યા નથી. મિસરના રણવેરાનમાં બેઠેલા સ્ફિંક્સ સરખો આ માનવ-પ્રેમ, ચિરકાલનું મૌન ધરીને, યુગયુગોએ પૂછેલા એ 'શા માટે?' સામે કોઈ રહસ્યભરી મીટ માંડી રહેલ છે.

'નહિ વિસારું' કહીને હોથલ ગઈ.

શંખાસર તળાવ

પછી તો એ એકલમલ મિત્રની જુદાઈ ઓઢો ન સહી શક્યો, સાથીઓને છેલ્લી વારના 'ઝાઝા જુહાર' આપીને સગડે સગડે મિત્રની શોધમાં ચાલ્યો. કોઈ 'શંખાસર’ નામના તળાવની પાળ પર ચડતાં પાણીની અંદર હોથલને મોકળે શરીરે સ્નાન કરતી દિઠી, એકલમલ મિત્રની સાચી પિછાન પડી, બેઉ પરણ્યાં. એ બધી વાત તો હું 'સૌરાષ્ટ્રની રસધાર'માં આપી ગયો છું, પણ આ શંખાસર તળાવ કયું? દુહો બોલે છે આ રીતે –

ચડી શંખાસર પાર,
ઓઢે હોથલ ન્યારીયાં;
વીછાઈ બેઠી વાર
પાણી મથ્થે પદમણી.

કચ્છધરામાં શંખાસર છે તે તો નહીં હોય? આ મિલાપ કચ્છમાં જ થયો હોવાનો ને પરણ્યા બાદ સોરઠમાં ઊતરી કનડા ડુંગરાનો વાસો કર્યો હોવાનો સંભવ છે. બાકી કનડાની આસપાસ કોઈ શંખાસર તળાવ નથી.

વતનની મમતા

કનડામાં આ વીર-જોડલું ઝાઝાં વરસો રહ્યું હોવું જોઈએ. જેસલ અને જખરો નામે પુત્રોની જોડી પણ કનડાએ જ હોથલને બક્ષી હશે. પછી કનડો છોડ્યો ક્યારે?

અષાઢી મેઘના પ્રથમ-પહેલા દોરિયા ફૂટ્યા તે દેખી ઓઢાને વતન સાંભર્યું ત્યારે?

વતનની મમતા – એનો કાવ્યભાવ ઓઢા-હોથલની કથાના દોહામાં જેવો સંઘરાયો છે તેવો બીજે ક્યાંય જવલ્લે જ સંઘરાયો હશે. મેહુલાની 'શેડયું' ઉત્તર દિશામાં ક્ષિતિજ પર આલેખાઈ ગઈ, ડુંગરાઓ માથે ડમ્મર ચડ્યા, ઓઢાને સ્વજન સાંભર્યા, મોરલાના

62
લોકસાહિત્યનાં શોધન-ભ્રમણ