પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

લોકકવિતાએ એવો એક લાક્ષણિક બોલ ઓઢાના મોંમાં મૂક્યો : 'એ ડોલરિયો દેશ!'

કનડાનું ભોંયરું સૂનું મૂકીને કુટુંબ કચ્છમાં ગયું. ઝાઝો કાળ રહ્યું. બેટડા બંકા બન્યા, બંનેએ મોટા સાવજને માર્યો, ને એને બિરદાવવા ભેળા થયેલા દાયરા વચ્ચે ઓઢાએ હોથલ જોડે થયેલી શર્ત ઉથાપી હોથલનું નામ પ્રકટ કરી નાખ્યું. એકલી હોથલ પાછી કનડે આવીને રહી.

કનડા ડુંગરાને એ કથા એક રહસ્ય ચડાવે છે. હોથલ માનવી નહોતી, પદમણી હતી. મુઈ નથી, હજુ જીવે છે. ને એના ગાયબ ભોંયરામાં હીંડોળાખાટ ચાલી રહી છે. તેના અનાહત કિચૂડાટને સાંભળવા માટે હજુય માલધારીઓ ભોંયરે કાન માંડે છે.

મહિયાઓનો સત્યાગ્રહ

ને કનડો ડુંગર આવાં વર-વીરાંગનાના પ્રેમનું, ચિર-વિજોગનું, હોથલના વાસનાદેહના ચિર-ભણકારનું જ ધામ નથી, કનડાના ખોળામાં સિંદૂરવરણી ચોરાસી ખાંભીઓ ચાર પંક્તિઓ રચીને ઊભી છે. એ ચોરાસી મહિયાઓની ખાંભીઓ છે. સંવત્સર 1939ના પોષ મહિનાની અજવાળી પાંચમને કાળે પરોઢિયે એ ચોરાસી જણાને હારબંધ બેસારી જૂનાગઢ રાજની ફોજે તેઓનાં માથાં વાઢ્યાં હતાં – તલવારથી નહીં, કુહાડા વતી.

ધીંગાણું નહોતું થયું. વિશ્વાસઘાત અને દગલબાજી રમાયાં હતાં. જૂનાગઢ રાજની રક્ષા તેમજ વિસ્તારને માટે પેઢાનપેઢીથી જાન કાઢી આપનારી મહિલા કોમ ઉપર રાજ્ય જતે દહાડે નવા લાગા નાખ્યા. જૂના કોલકરારો ઉથાપ્યા. ત્યારે મહિયા કોમના ઘરેઘરથી નીકળેલા નવસો પ્રતિનિધિ મર્દો આ ડુંગર પર રિસામણે ચડેલા.

નવસો પ્રતિનિધિઓ

કેવું એ પ્રતિનિધિત્વ? એક ઘરમાં કોઈ મોટી વયનો પુરષ નહોતો. વિધવા માતાએ દસ વર્ષના બાળ દીકરાને પ્રતિનિધિ કરીને મોકલ્યો. ને નાના ભાઈની સંભાળ રાખવા બે બહેનો એની જોડે ગઈ.

આપણે આજે જેને અહિંસાત્મક સંગ્રામ કહીએ છીએ કે, તેને તે દિવસોમાં મહિયાઓએ ભજવી બતાવ્યો. એનું નામ 'રિસામણું' અથવા 'બેઠું બહારવટું' રખાયું હતું. મહિયાઓના આગેવાને એક પણ હથિયાર ભેળું રાખવાની રામદુવાઈ ફરમાવી હતી. નવસો મહિયા બહાદુરો મહિનો-સવા મહિનો આ કનડા પર ગાંઠનું ખીચડું ખાઈને પડ્યા રહ્યા, પણ આજુબાજુની સીમોમાંથી એક ડુંડાનોયે બગાડ તેઓએ નહોતો કર્યો.

દગલબાજી

કાલે રાજની વિષ્ટિ આવે છે : એવું કહીને મહિયાઓને ગાફલ બનાવ્યા. પરોઢિયાના

64
લોકસાહિત્યનાં શોધન-ભ્રમણ