પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ઝીલી લઈ હમીરજીનું કબંધ (ધડ) સોમનાથની સન્મુખ અર્પણ કરતું ઊભું હશે, ત્યારે પેલી ચારણી ડોશીએ દૂર ઊભે ઊભે બાળુડા હમીરને મીઠા મીઠા મરશિયા સંભળાવ્યા હશે, તેની લાગટ ચિત્ર-પરંપરા મારાં કલ્પનાચક્ષુઓ સામેથી કોઈ ઝડપી ચિત્રપટની માફક પસાર થઈ રહેલ છે :

[દુહા]


વેલો આવ્યે વીર ! સખાતે સોમૈયા તણી
હીલોળવા હમીર ! ભાલાંની અણીએ ભીમાઉત !

પાટણ આવ્યાં પૂર ખળહળતાં ખાંડાં તણાં;
શેલે માહી શૂર ભેંસાસણ શો ભીમાઉત.
વેળ્ય તાહરી હમીર, આવીને ઉવાંટી નહીં;
હાકમ તણી હમીર ભેખડ આડી ભીમાઉત!

ઓ ભીમ લાઠિયાના પુત્ર ! તારા શૌર્યની ભરતી ચડી આવી, પણ તે પાછી ન વળી. દરિયાની ભરતીને તો પાછો ઓટ છે. પણ વીરનો શૌર્ય-જુવાળ ચડ્યો તે પાછો ન વળ્યો. કેમકે આડે હાકેમ કહેતાં મુસ્લિમ શત્રુની ફોજ રૂપી ભેખડ બંધાઈ ગઈ હતી.

મૃત્યુનાં ગાન

આ મરશિયા સોરઠી જુવાને મરતે મરતે સાંભળ્યા. પોતાના જ મૃત્યુનું કીર્તિકાવ્ય પોતે સાંભળી લીધું. સાંભળવાના એને કોડ હતા. રસ્તામાં જ એ અભિલાષ એને જન્મ્યા હતા. બુઢ્‌ઢી ચારણીને એણે એક સંધ્યાએ રસ્તાના એક ગીર ગામડામાં મોં ઢાંકી રડતી સાંભળી હતી. મરનાર પાછળના સોરઠી રુદનમાં પઠાણી રુદનની પેઠે જ કાવ્ય હતું, સાહિત્ય હતું, સ્નેહના કાતિલ આર્તનાદ હતા. રડનારના કંઠની કલા હતી.

એવું મીઠું રુદન-ગાન સાંભળતાં સોરઠી જુવાને બુઢ્‌ઢીને આંગણે ઘોડો થંભાવ્યો : પૂછ્યું, માડી, શું કરતાં’તાં ? બાપ, મારો જુવાન દીકરો મૂવો છે એના મરશિયા ગાતી’તી : મા, બહુ મીઠા મરશિયા; મારા ય ગાઓને ? ગાશો ? બહુ મીઠા : અરે બાપ ! મરશિયા તો મૂવાના હોય, જીવતાના, તું સરીખા બાળના તે મરશિયા હોય ? અરે મા, હું ય મરી ચૂક્યો છું. મરવા ચાલ્યો છું. શીષ સોમૈયાને અર્પણ કરીને નીકળ્યો છું. ગાવ, મા, ગાવ સુખેથી. બાપ, જા, હું રણખેતરને કાંઠે ઊભી ઊભી તારું શીશ કપાવાની ઘડીએ સંભળાવીશ.

એ આ મરશિયા : એ લગ્ન : એ સ્નેહ : ને શોણિત-મિશ્રણના બનાવો : ગીરનાં જંગલો એ બધાં સ્મરણાં જગાડે છે. સોરઠની જુવાની કેવા કેવા મસ્ત તૉર સેવતી તેના વિચારે ચડી જવાય છે. હૈયા ઉપર જમાનાઓના તડકા-છાંયા રમે છે.



સૌરાષ્ટ્રના ખંડેરોમાં
67