પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૧
પત્ર વાચન.

બોલવા જતી હતી, તેવામાં જાણે તેના મનનો ભાવ જાણી ગયો હોયની, તેવી રીતે ચાણક્ય વચમાં જ કહેવા લાગ્યો કે, “વૃન્દમાલે ! આજે તને મેં જે કાંઇપણ કહેલું છે, તે ભગવાન વસુભૂતિને કહેતી નહિ હો કે! તેને મેં આ વિશે એક અક્ષર સુદ્ધાં જણાવ્યો નથી. કહું કેવી રીતે? હું આવી આવી રીતે કિરાતરાજા તરફથી ગુપ્ત રહસ્ય જાણવા માટે આવેલો છું, એમ મારાથી કેમ બોલી શકાય ? જો એમ કરું, તે એકના મુખેથી બીજાના મુખમાં અને બીજાના મુખેથી ત્રીજાના મુખમાં એ વાર્તા સર્વત્ર પ્રસરી જાય અને તેથી અંતે તો રાજપુરુષોના કાને જવાનો સંભવ પણ ધારી શકાય. રાજપુરુષોએ જે વાત સાંભળી, તે રાજાએ જાણી જ જાણવી. અર્થાત્ રાજા જો એ વાત જાણે, તે કાંતો રાતોરાત ગચ્છતી કરવી પડે અથવા તો તે જે દંડ આપે, તે સહન કરવો પડે તેમાં પણ રાજા ધનાનન્દ તો જો એ વાત જાણે, તો મને દેશનિકાલ જ કરે; અને આવી રીતે ગુપ્ત દૂતોને મોકલી રાજ્યનાં રહસ્યો જાણવાની ખટપટમાટે રાજા પ્રદ્યુમ્નદેવને પણ શાસન આપવાની યોજના કરવા માંડે. તું મહાસ્વામિનિષ્ઠ અને ચતુર સ્ત્રી હોવાથી તારી મારફતે જ મુરાદેવીનો અને મારો મેળાપ થશે, એમ ધારીને જ તને મેં આ ભેદ જણાવી દીધો છે. કારણ કે, હવે હું અહીંથી જવાનો છું. મુરાદેવી સુખમાં છે, માટે વધારે તપાસ કરવી નકામી છે. માત્ર એક વાર તેનું સુખ પ્રત્યક્ષ નિહાળીને, તેને મળીને અને તેનો સંદેશો લઇને જવું, એટલી જ કર્તવ્યતા રહેલી છે. મારું પત્ર કાલે મુરાદેવીને આપજે એટલે બધું જોઇએ તેમ થઈ રહેશે. પોતાની કન્યા પાછી સુખિની થએલી છે, એમ સાંભળતાં માયાદેવીને પણ આનંદ થશે. પરંતુ તેના પુત્રનો યૌવરાજ્યાભિષેક જોવાનું તેમના ભાગ્યમાં નહિ જ હોય તો તેનો આપણે શો ઉપાય કરી શકીએ વારુ ?”

ચાણક્યના ભાષણમાં વિશેષ મોહકતાનો ભાવ હતો અને વૃન્દમાલા બિચારી એક ભોળી અબળા હતી - મુરાદેવી આ બધું સાંભળશે, માયાદેવીએ અને પ્રદ્યુમ્નદેવે તેની ખબર કાઢવાને આમ એક બ્રાહ્મણને મોકલ્યો છે, એ સમાચાર આપવાથી તેને ઘણોજ આનંદ થશે. મુરાદેવીના ચાલતા આનંદમાં સામો વધારો થશે, એવી ધારણાથી વૃન્દમાલાના મનમાં ઘણો જ આનંદ થયો. વસુભૂતિને એ બ્રાહ્મણે આજસુધી કાંઇ પણ કહ્યું નહિ, એ સારું જ થયું, એવો તેનો નિશ્ચય થયો, તથાપિ હવે તમે ખરી હકીકત વસુભૂતિને જણાવશો તો કાંઈ પણ હરકત જેવું નથી. તેમના મુખેથી એ વાત બહાર નીકળવાની નથી, એવી તેણે ચાણક્યને ભલામણ કરી,