પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૪
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

એવી સ્થિતિ હોવાથી તેને ચાણક્યની કથા કહી સંભળાવવાને વૃન્દમાલાને બિલ્કુલ અવકાશ મળ્યો નહિ.

તથાપિ અગવડમાં પણ સગવડ કરીને ચાણક્યનો વૃત્તાંત અને સંદેશો તેણે મુરાદેવીને કહી તો સંભળાવ્યો; પરંતુ તેનું જોઇએ તેવું પરિણામ થયું નહિ. પોતાના પિતૃગૃહનો સંદેશો લઈ આવનારા માણસને તો તત્કાળ મળવાને બોલાવશે, એવી જે વૃન્દમાલાની ધારણા હતી, તે ફળીભૂત થઈ નહિ. વૃન્દમાલાએ કહેલો વૃત્તાંત સાંભળતાં જ મુરાદેવીએ એકદમ કપાળમાં કરચલીઓ ચઢાવી અને કાંઈક મનસ્વી અને કાંઈક વૃન્દમાલાને ઉદ્દેશીને કહ્યું કે, “ બંધુને અને માતાને આટલું બધું વહેલું મારું સ્મરણ કેમ થયું હશે, એનું જ મને આશ્ચર્ય થયા કરે છે. જા તેને કહે કે, હું સુખરૂપ છું - પ્રત્યક્ષ મળવાનો મને અવકાશ નથી.” એ ઉત્તર સાંભળીને વૃન્દમાલા તો દિઙ્મૂઢ જ બની ગઈ અને રાત્રે જ્યારે ચાણક્યને તેણે એ ઉત્તર કહી સંભળાવ્યું, ત્યારે તેને પણ તેટલું જ આશ્ચર્ય થયું. તથાપિ થોડીક વેળા વિચારમાં ગાળી એક ભૂર્જપત્રપર લખેલું પત્ર તેના હાથમાં આપીને ચાણક્યે તેને કહ્યું કે, “વૃન્દમાલે ! કાંઈ ચિન્તા નથી, પણ આટલું આ પત્ર તું તેને જરૂર આપજે. મારો એવો સોએ સો ટકા નિશ્ચય છે કે, આ પત્ર વાંચતાં જ તે મને મળવા બેલાવ્યા વિના કદાપિ રહેનાર નથી.” વૃન્દમાલાએ પ્રથમ તો એ પત્રથી કાંઈપણ લાભ થવાનો નથી, એમ તેને જણાવ્યું; પરંતુ ચાણક્યના અત્યંત આગ્રહથી નિરુપાય થઇને અંતે તેણે તે પત્ર મુરાદેવીને પહોંચાડવાનું કબૂલ કર્યું. તેણે બીજે દિવસે તે પત્ર મુરાદેવીના કરકમળમાં ઉપસ્થિત કર્યું.

ત્રાસ પામીને એ પત્ર મુરાદેવીએ લીધું તો ખરું, પણ તેની મુખમુદ્રામાં તિરસ્કારનો ભાવ પ્રત્યક્ષ દેખાતો હતો ! પરંતુ શો ચમત્કાર! તેને આદિથી અંતપર્યન્ત વાંચતાં જ તેની મુખચર્યામાં એકાએક પરિવર્તન થઇ ગયું અને તે બ્રાહ્મણને પોતાપાસે લઈ આવવાની તેણે વૃન્દમાલાને તત્કાળ આજ્ઞા કરી. એ પત્રમાં એવું તે શું હતું?પ્રકરણ ૧૦ મું.
સંભાષણ શું થયું?

વૃન્દમાલા ઘણી જ ચકિત થઈ ગઈ. મુરાદેવી, રાજાની સેવામાં આવી રીતે નિમગ્ન હોવા છતાં ચાણક્ય જેવા એક અપરિચિત બ્રાહ્મણને મળવા માટે સમય કાઢશે, એવી વૃન્દમાલાને સ્વપ્ને પણ આશા હતી નહિ અને તે પત્ર મુરાદેવીના હાથમાં તેણે આપ્યું, તે સમયે મુરાએ જે