રાજસભામાંથી અપમાન પામીને અને રાજાને શાપ તથા ગાળો આપીને ગએલો બ્રાહ્મણ છે, એમ લોકો એાળખશે, એ વિઘ્નને ટાળવાનો શો પ્રયત્ન કરવો, એનો વિચાર પણ કરવો જોઇએ. હું કોપના આવેશમાં જે કાંઈ પણ બેાલ્યો હતો, તે રાજાએ, તેમના અધિકારીઓએ અથવા તો પંડિતોએ ધ્યાનમાં લેવાનું નથી, એમ કહીને પોતે હાર માની લેવી અને તેમની આંખોમાં ધૂળ નાંખીને પોતાનું કાર્ય સાધી લેવું, એ પ્રથમ માર્ગ, અથવા તો હું તે બ્રાહ્મણ જ નથી - હું તો મુરાદેવીના બંધુના રાજ્યમાં હિમાલયના એક ભાગમાં આશ્રમ કરીને રહેનારો બ્રાહ્મણ છું અને મુરાદેવીના બંધુએ મારા સ્વાધીનમાં આપેલા કુમારનો વિદ્યાભ્યાસ પૂરો થવાથી તીર્થયાત્રા કરી, તેના શિક્ષણની પૂર્ણાહુતિ કરવા માટે તે કુમાર સાથે અહીં આવેલો છું, એવી રીતે તેમને ફસાવવા, એ બીજો માર્ગ, અથવા તો જે વેળાએ જેવા પ્રસંગ આવે તેને અનુસરતો તેવો જવાબ આપીને વેળા વીતાડી દેવી, એ ત્રીજો માર્ગ.” એમાંથી પ્રથમ કયા માર્ગનું અવલંબન કરવું, એનો મનમાં ને મનમાં જ ચાણક્યે ઘણો જ ઊહાપોહ કર્યો અને એ સિદ્ધાંત તો નિશ્ચિત કર્યો કે, "વસુભુતિને ખાસ કરીને જણાવી દેવું કે, મેં તમને આજસુધીમાં મારો વૃત્તાંત કહેલો છે, તે અસત્ય છે, મારા અહીં આવવાનું કારણ તો મુરાદેવીની શી અવસ્થા છે, તે જાણી લેવાનું જ છે, અને કિરાત રાજાએ મને એ કાર્યમાટે મોકલેલો છે. અહીંના બધા સમાચાર હું મેળવી ચૂક્યો છું, માટે હવે ત્યાં પાછો જઈશ અને અમારા રાજાને મુરાદેવીને સમય આજકાલ સારો છે, ઇત્યાદિ કહી સંભળાવીશ. તે જ જો બીજા કોઈ કારણથી મને અહીં પાછો મોકલશે, તો આવીશ, અને જો આવીશ તો આપનાં દર્શનનો અવશ્ય લાભ લઈશ. આજસુધી મારો ખરો વૃત્તાંત આપનાથી છૂપાવી રાખ્યો, તેની ક્ષમા આપશો; કારણ કે, પોતાની ખરી સ્થિતિ એકદમ બીજાને જણાવી ન દેવી, એવી નીતિ જ છે ઈત્યાદિ કહીને તેને શાંત કરવો. વસુભૂતિને પણ મારા પક્ષમાં રાખવો જોઇએ. એની અને મારી જે મૈત્રી થએલી છે, તે કોઈપણ રીતે કામ તો આવવાની જ. તેમાં પણ સિદ્ધાર્થક તો ઘણો જ ઉપયોગનો થઈ પડશે.” એવી વિચારસંકળના ગોઠવીને તે વિહારમાં ગયો ને વસુભૂતિને કહ્યું કે, “મારે તમારાથી એકાંતમાં કાંઈ વાતચિત કરવાની છે.” વસુભૂતિ તેને એકાંતમાં લઈ ગયો. ત્યાં ચાણક્યે ભેદને ભાંગી નાખવાનો વિલક્ષણ ભાવ કરીને પોતાનો નવીન રચેલો વૃત્તાંત સમગ્ર કહી સંભળાવ્યો અને પોતાથી થએલા અપરાધની ઘણી જ નમ્રતાથી ક્ષમા માગી, એ ભાષણ તેણે એવી ચતુરતાથી કર્યું કે, બિચારો વસુભૂતિ પૂર્ણ