રીતે તેના કપટજાળમાં ફસાઈ ગયો અને સામો નમ્રતાથી ચાણક્યને કહેવા લાગ્યો કે, “બ્રાહ્મણવર્ય ! એની કાંઈપણ ચિન્તા તારે કરવી નહિ; ક્ષમા માગવાની કાંઈપણ અગત્ય નથી, પારકા પ્રદેશમાં એકદમ પોતાની આંતરિક સ્થિતિનો સ્ફોટ ન કરવો, એવી જ્યારે નીતિ જ છે, તો પછી એમાં તારો અપરાધ જ શો છે?” એમ કહીને વસુભૂતિએ ચાણક્યના મનનું સમાધાન કર્યું, તથાપિ “આપના જેવા એક સ્વપ્ને પણ અસત્ય ન બોલનારા પવિત્ર બુદ્ધિભિક્ષુ સમક્ષ મેં જે આટલું બધું અસત્ય ભાષણ કર્યું, તેને માટે મને એટલો બધો પશ્ચાત્તાપ થાય છે કે, જેનું વર્ણન કરી શકાય તેમ નથી.” એવા ચાણક્યે પાછો પોતાના અપરાધનો ઉલ્લેખ કર્યો. ચાણક્યના વાગ્જાળમાં વસુભૂતિ વધારે અને વધારે ફસાતો ગયો, અને તેણે વારંવાર ચાણક્યનું સમાધાન કર્યું એટલામાં વૃન્દમાલા ત્યાં આવી પહોંચી એટલે તો ચાણક્યના પશ્ચાત્તાપની પરિસીમા જ થઈ ગઈ, હું કોણ છું અને પાટલિપુત્રમાં શામાટે આવ્યો છું, એ મેં પ્રથમ આને જણાવ્યું અને તેથી એણે સહાયતા કરીને મારો અને મુરાદેવીનો મેલાપ કરાવી આપ્યો. મારું કાર્ય હવે સમાપ્ત થયું છે. માટે હવે માયાદેવીને અહીંના શુભ સમાચાર કહી સંભળાવવા માટે મારે અહીંથી જવું જ જોઈએ. અહા ! આજે મારા મનમાં કેટલો બધો આનંદ થાય છે ! પરંતુ એ આનંદનું ખરેખરું કારણ પૂછો, તો તે આ તમારી શિષ્યા વૃન્દમાલા જ છે. એને મેં મારી ખરી હકીકત જણાવતાં જ એણે મને મુરાદેવીથી મેળવી આપવાનું કબૂલ કર્યું હતું અને તે પ્રમાણે કરી પણ બતાવ્યું છે.” એમ કહીને તેણે વૃન્દમાલાની પ્રશંસા કરવાનો પ્રારંભ કર્યો. તે પ્રશંસા તેણે એવી તો ઉત્તમતાથી કરી કે, વૃન્દમાલા આનંદના સાગરમાં મ્હાલવા લાગી અને જે કાર્ય માટે પોતે આવેલી હતી, તે કાર્યને તે ભૂલી જ ગઈ વળી ચાણક્ય તે ગુરુ શિષ્યા, બન્નેને ઉદ્દેશીને કહેવા લાગ્યો કે, “હવે હું પાછો મારા આશ્રમમાં જાઉં છું. મને અહીં આવ્યાને ઘણા દિવસ થયા માટે આશ્રમના કુલપતિ મારાપર કોપ કરશે અને કિરાત રાજાના મનમાં પણ ચિંતા થઈ પડશે.” એમ કહીને વસુભૂતિ તથા વૃન્દમાલાની આજ્ઞા લઈને તેણે વિદાય થવાની તૈયારી કરી અને જતાં જતાં વળી પણ કહ્યું કે, “કિરાત રાજાનો પોતાના પુત્ર એટલે મુરાદેવીના ભત્રીજાને રાજધર્મ શીખવવા માટે અથવા તો દેશપર્યટન કરવા માટે થોડા દિવસ પાટલિપુત્ર મોકલવાનો વિચાર છે. જો તે પોતાના પુત્ર સાથે મને જ અહીં મોકલશે, તો મારા પુનઃ અહીં આવવાનો સંભવ છે અને જો હું આવીશ, તો આપને મળ્યા વિના રહીશ નહિ.”