પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૫
ચાણક્યની સ્વગત વિચારણા.

માટેનો બીજા મંત્રીઓએ એના શિરે આરોપ મૂક્યો હતો અને એનાપર રાજાની અપ્રીતિ થાય, એવો વ્યૂહ રચ્યો હતો. માટે જો પોતાના પ્રતિપક્ષીઓનો પરાભવ થતો હોય, તો તે કાર્ય એને તો ઇષ્ટ જ થવાનું. જો એ બીજી સરળ યુક્તિઓથી આપણા પક્ષમાં આવ્યો, તો તો ઠીક જ છે - નહિ તો પછી તેને ચન્દ્રગુપ્તનો સત્ય વૃત્તાંત જણાવીને આપણા પક્ષમાં લેવાનો તો ખરો જ. પણ એ ઉપાય તો અંતે જ કરવાનો - બીજા ઉપાયોથી કાર્ય થઈ શકતું હોય, તો એ ઉપાયને યોજવાની કાંઈ પણ આવશ્યકતા નથી. ભાગુરાયણ જો આપણા પક્ષમાં આવ્યો, તો નવાણું ટકા કામ થયું જ જાણવું, કારણ કે, સઘળું સૈન્ય એની આજ્ઞામાં છે અને તે પોતે સેનાપતિ છે. તે અને બીજા કેટલાક લોકો અનુકૂલ થયા, એટલે રાક્ષસ જેવો અમાત્ય આપણા પક્ષમાં ન આવે, તો કાંઇ અડચણ જેવું નથી. રાક્ષસ આપણને અનુકૂલ થાય એવી આશા પણ નથી. તે નંદનો સર્વથી વધારે વિશ્વાસપાત્ર અધિકારી છે અને તેથી સર્વથા નંદનું નિકંદન ન નીકળે, ત્યાં સુધી કોઈ કાળે પણ અન્યપક્ષમાં મળવાનો નથી. અને નંદનો નાશ થયો એટલે મારી પ્રતિજ્ઞા પ્રમાણે આ પૃથ્વી નિર્નન્દ થઈ! નંદનું કિંવા નંદવંશનું એક બચ્ચું પણ આ પૃથ્વી તલપર રહેશે નહિ, એટલે તેમના નાશનું વૈર વાળવા માટે તો પોતાના સઘળા સામર્થ્ય, ચાતુર્ય અને અધિકારનો ઉપયોગ કરશે - પ્રજામાંના જેટલા મનુષ્યોને કરી શકાશે તેટલાને અમારાથી વિરુદ્ધ કરશે. જો લાગ મળે, તો બીજા કોઈ રાજાની મિત્રતા કરીને તેની સહાયતાથી અમારા નાશનો ઉદ્યોગ પણ કરશે. પરંતુ હું તેને સારી રીતે પૂરો પડીશ. જે જે યુક્તિઓ તે અમારા પરાજય માટે યેાજશે, તે સઘળી હું તોડી પાડીશ. અને છેવટે જો બની શક્યું તો તેને પણ પોતાના પક્ષમાં લઇને ચન્દ્રગુપ્તનો પ્રધાન બનાવીશ. હું તે કોણ? એક દીન બ્રહ્મનિષ્ટ બ્રાહ્મણ ! મને રાજ્યની, ધનની, અધિકારની કે બીજા કોઈ પદાર્થની કાંઇપણ લાલસા નથી. લાલસા માત્ર એટલી જ કે, લીધેલી પ્રતિજ્ઞા પૂર્ણ કરીને મારા આશ્રયમાં લીધેલા એ બાળકને મગધદેશના સામ્રાજ્યનો ચક્રવર્તી મહારાજા બનાવવો. એને આ પુષ્પપુરીના સિંહાસને બેસાડવામાં કોઈપણ પ્રકારનો અન્યાય થવાનો નથી, ઉલટો એક પ્રકારનો ન્યાય જ થશે. વસ્તુતઃ જોતાં એ જ બાળકનો બીજા બધા કરતાં આ સિંહાસનપર વધારે અધિકાર છે. જે યૌવરાજ્યાભિષેક સુમાલ્યનો થયો, તે આનો થવો જોઇતો હતો, પરંતુ તે ન થયો. એને જગતમાંથી નષ્ટ કરી નાંખવાની ધારણાથી આજે જે જનો આનંદમાં મહાલી રહ્યા છે, તેમની આંખોમાં આંજણ આંજવું જ જોઇએ. એમાં અન્યાય શો થવાનો હતો? જાણી જોઇને કરેલા તેમના